<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

કોંગ્રેસના કોર્પોરેટરો બાંધકામના નામે ઉઘરાણાં કરે છેઃ સંજય ચાવડાનો સનસનીખેજ આક્ષેપ

સવારે જ એક વોર્ડમાંથી રૂ.૫૦ હજાર ઉઘરાવ્‍યાનો શાસક પક્ષોના સભ્‍યોનો દાવો

રાજકોટઃ કોંગ્રેસનાં કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ ટીપી શાખાની કામગીરી અંગે પ્રશ્ન પૂછયો હતો. ત્‍યારબાદ પેટાપ્રશ્ન દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણે ડિમોલિશન, ગેરકાયદે બાંધકામ અને ટીપી નોટિસ અંગે સવાલો શરૂ કરતાં ભાજપના કોર્પોરેટર સંજય ચાવડાએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

સંજય ચાવડાએ બોર્ડમાં ગંભીર આરોપ લગાવતાં જણાવ્‍યું હતું કે, ‘તમારા મોઢે ડિમોલિશન કે ટીપી નોટિસની વાતો શોભતી નથી. કોંગ્રેસના જ કેટલાક કોર્પોરેટરો વોર્ડમાં ગેરકાયદે બાંધકામના નામે ઉઘરાણાં કરે છે.' તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, આજે સવારે જ કોંગ્રેસના એક કોર્પોરેટરે બાંધકામના મામલે એક વોર્ડમાંથી રૂ. ૫૦ હજારનું ઉઘરાણું કર્યું છે. એક તરફ ડિમોલિશનની નોટિસ અપાવવી અને બીજી તરફ બાંધકામ કરનારાઓ પાસેથી ઉઘરાણાં કરવાં-આવી બેવડી નીતિ નહીં ચલાવાય તેમ કહી તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જોકે, આ ગંભીર આરોપ અંગે કોઈ આધાર કે પુરાવા બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્‍યા હતા કે કેમ તે સ્‍પષ્ટ થયું નહોતું.

(4:05 PM IST)