તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
નવનિયુક્ત મેયર નેહલભાઈ શુકલાને કોંગ્રેસે ‘મેલોડી' ખવડાવી પાઠવી શુભેચ્છા
સાંઢીયા પુલ તાત્કાલિક ખુલ્લો મૂકવા અને રામનાથ મહાદેવ મંદિરના નવીનીકરણ મુદ્દે રજૂઆત

શુભેચ્છાઃ મનપાના નવનિયુકત મેયર નેહલ શુકલને કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા સહિતના આગેવાનોએ મેલોડી ખવડાવી શુભેચ્છા પાઠવી હતી. તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૨૮: રાજકોટના નવનિયુક્ત મેયર નેહલભાઈ શુકલાને કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા દ્વારા મેલોડી ચોકલેટ ખવડાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસે શુભેચ્છા સાથે રાજકોટની જનતાના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ આગેવાનોનું કહેવું હતું કે એક તરફ દેશના વડાપ્રધાન ઇંધણ બચાવવાની વાતો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ રાજકોટમાં તૈયાર થયેલો સાંઢીયા પુલ લાંબા સમયથી ખુલ્લો મુકવામાં આવતો નથી. જેના કારણે લોકોને આશરે ૧.૫ કિમીનો વધારાનો ફેરો મારવો પડે છે અને ફાટકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસે ‘મેલોડી' સાથે રાજકોટની જનતાનો અવાજ બની પુલ તાત્કાલિક ખુલ્લો મુકવાની માંગ કરી હતી.
આ ઉપરાંત વોર્ડ નં. ૭ વિસ્તારમાં આવેલ રામનાથ મહાદેવ મંદિરના નવીનીકરણનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૬થી મંદિરના નવીનીકરણની ચર્ચાઓ વચ્ચે હજુ સુધી કામગીરી ન થતાં સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો હોવાનું જણાવાયું હતું.
આ પ્રસંગે કોંગ્રેસના કોર્પોરેટર દીપાબેન સોલંકી, રસીલાબેન કરાયા, હરેશભાઈ ભારાઈ, મનિષાબેન રોજાસરા, રણજીત મુંધવા સહિત આગેવાનોએ મેયરને શુભેચ્છાઓ પાઠવી અને જનહિતના પ્રશ્નોના ઝડપી ઉકેલની આશા વ્યક્ત કરી.
(4:00 PM IST)










