<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

મોરબી-રાજકોટ હાઇવેની હાલત સુધરશે ૧૦૩ કરોડના ખર્ચે થશે રિસર્ફેસિંગ

સ્‍ટેટ હાઈવે-૨૪ પર બે વિભાગમાં કુલ ૬૪.૩૧ કિમી માર્ગનું નવીનીકરણ હાથ ધરાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૦: છેલ્લા ઘણા સમયથી મોરબી-રાજકોટ હાઈવેની હાલત ખરાબ હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. આ મામલે અનેક રજૂઆતો બાદ અંતે રાજ્‍ય સરકારે રાજકોટ-મોરબી હાઇવે (એસ.એચ.-૨૪) ના રિસર્ફેસિંગ માટે રૂ. ૧૦૩ કરોડના માતબર ખર્ચને મંજૂરી આપી છે. આ પ્રોજેક્‍ટ હેઠળ સ્‍ટેટ હાઈવેના બે અલગ-અલગ ભાગમાં કુલ ૬૪.૩૧૮ કિલોમીટર લંબાઈના રસ્‍તાની કાયાપલટ કરવામાં આવશે.

મંજૂર કરાયેલી યોજનાની વિગતો મુજબ,  રિસર્ફેસિંગ કામગીરીને બે મુખ્‍ય ભાગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ભાગ અંતર્ગત ૪૬.૧૬૩ કિલોમીટર લંબાઈના માર્ગ માટે રૂ. ૭૪.૦૦ કરોડની અંદાજિત રકમ ફાળવવામાં આવી છે. આ પટ્ટામાં સંપૂર્ણ લંબાઈમાં ૪૦.૦૦ એમ.એમ. જાડાઈનું બી.સી. કામ કરવામાં આવશે, જ્‍યારે પસંદગીની લંબાઈમાં સી.સી. રોડ તેમજ સર્વિસ રોડ ફર્નિચર જેવી આનુષાંગિક કામગીરીનો સમાવેશ કરાયો છે.

બીજા ભાગમાં ૧૮.૧૫૫ કિલોમીટર લંબાઈની કામગીરી માટે રૂ. ૨૯.૦૦ કરોડની અંદાજિત રકમ મંજૂર કરવામાં આવી છે. આ વિભાગમાં પણ સંપૂર્ણ લંબાઈમાં ૪૦.૦૦ એમ.એમ. જાડાઈના બી.સી. કામની સાથે પસંદગીની લંબાઈમાં એફ.ડી.આર. તેમજ સર્વિસ રોડ ફર્નિચર જેવી આનુષાંગિક કામગીરી હાથ ધરવાનું આયોજન છે. આમ, બંને તબક્કા મળીને કુલ રૂ. ૯૦૩.૦૦ કરોડના ખર્ચે માર્ગને સુદ્રઢ બનાવવામાં આવશે.

રૂ. ૯૦૩.૦૦ કરોડના ખર્ચે રાજકોટ-મોરબી રોડના રિસર્ફેસિંગની મંજૂરી આપવા બદલ  ધારાસભ્‍ય દુર્લભજી દેથરિયાએ રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્‍યક્‍ત કર્યો છે. આ કામગીરી પૂર્ણ થતાં રાજકોટ અને મોરબી વચ્‍ચે અવરજવ૨ ક૨તા લાખો મુસાફરોની સફર વધુ સરળ બનશે.

(10:45 AM IST)