News of Sunday, 31st May 2026
રાજકોટ પોલીસનો સ્તુત્ય પ્રયાસ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ બે પોલીસ સ્ટેશનમાં યોજાયો
આજીડેમ અને થોરાળા પોલીસે રૂ. ૧૯.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત અપાવ્યો

રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર (ઝોન-૧) રાકેશ દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનર (પૂર્વ વિભાગ) બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં ગુનાખોરી અટકાવવા અને નાગરિકોના ગુમાવેલા નાણાં તથા કિંમતી ચીજવસ્તુઓ પરત અપાવવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે આજીડેમ અને થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજીને કુલ રૂ. ૧૯,૭૨,૩૩૪ની મતા અરજદારોને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવી છે.
જેમાં આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા રૂ. ૧૫.૨૯ લાખનો મુદ્દામાલ પરત કરાયો હતો. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર ટીમ અને સ્ટાફે સરાહનીય કામગીરી કરી છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલા તેમજ મોબાઈલ કે વાહન ગુમાવનારા કુલ ૫૨ જેટલા લાભાર્થીઓને રૂપિયા ૧૫,૨૯,૩૪૬નો મુદ્દામાલ પરત અપાવવામાં આવ્યો છે.
જેમાં ૯ અરજદારોને રૂ. ૪,૭૪,૨૪૩ પરત અપાવ્યા હતાં. ૨૪ ગુમ થયેલા મોબાઈલ કિંમત રૂ. ૫,૦૮,૧૦૬ શોધી કાઢવામાં આવ્યા હતાં. તેમજ ૬ વાહનો કિંમત રૂ. ૨,૪૪,૦૦૦ પરત સોંપાયા હતા. એક લાભાર્થીને રૂ. ૧,૨૫,૦૦૦ના દાગીના પરત મળ્યા હતાં. બે અરજદારોને રૂ. ૧,૭૮,૦૦૦ની રોકડ પરત સોંપાઈ હતી.
આ કામગીરી આજીડેમ પી.આઈ. એચ.એન. પટેલ, સાયબર ટીમના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ હમીરભાઈ રાજભાઈ, મનિષાબેન ચીનાભાઈ, એલ.આર. હરેશભાઈ જેરામભાઈ ગામી અને એલ.આર. રાહુલભાઈ લાલજીભાઈ સહિતે કરી હતી.
જ્યારે થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા રૂ. ૪.૩૫ લાખની મતા પરત કરાઈ હતી. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો અને મોબાઈલ ગુમાવનારાઓ માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલની સીધી દેખરેખ હેઠળ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. થોરાળા સાયબર ક્રાઈમ ટીમે કુલ રૂ. ૪,૩૫,૫૪૬નો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને સુપ્રત કર્યો છે.
પરત કરવામાં આવેલ મુદ્દામાલની વિગત જોઈએ તો સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. ૧,૧૦,૧૨૦ મૂળ માલિકોને પરત અપાયા હતાં. મોબાઈલ ફોન સીઈઆઈઆર પોર્ટલ-સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર પોર્ટલના અસરકારક ઉપયોગથી ટેકનિકલ સોર્સ આધારે કુલ ૧૨ મોબાઈલ ફોન કિંમત રૂ. ૩,૨૫,૪૨૬ના શોધી કાઢીને પરત સોંપવામાં આવ્યા હતાં.
આ કામગીરી ઇન્ચાર્જ પી.આઈ. એચ.એન. પટેલ, સાયબર ટીમના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.આર. ડોબરીયા તથા એલ.આર. નીલેશભાઈ ગઢાદરા સહિતે કરી હતી. રાજકોટ શહેર પોલીસની આ પ્રોએક્ટિવ અને પારદર્શક કામગીરીને કારણે પોતાના કષ્ટના નાણાં અને કિંમતી સાધનો પરત મેળવતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેઓએ પોલીસ પ્રશાસનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
(8:53 PM IST)










