News of Friday, 22nd May 2026
શ્રીજીનગરમાં ઘરમાંથી અર્ધબેભાન મળેલી કોલેજીયન છાત્રા પ્રિયા ઠેસીયાનું મોત
૧૭ વર્ષીય પ્રિયાને ઝાડા-ઉલ્ટી થઇ ગયાનું પરિવારનું કથનઃ તબિબે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું

રાજકોટ તા. ૨૨: શહેરના કોઠારીયા રોડ શ્રીનજીનગરમાં રહેતી કોલેજીયન છાત્રા ઘરે અર્ધબેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. તેણીએ પોતાને ઝાડા-ઉલ્ટી થઇ ગયાનું પોતે ભાનમાં હતી ત્યારે જણાવ્યું હતું. તબિબે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ શ્રીજીનગરમાં શ્યામ હોલ સામે રહેતી પ્રિયા કિશોરભાઇ ઠેસીયા (ઉ.વ.૧૭) સાંજે છએક વાગ્યે ઘરે એર્ધબેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીએ પોતાને ઝાડા ઉલ્ટી થઇ જતાં તબીયત બગડી ગયાનું કહ્યું હતું. નજીકના દવાખાને આહિર ચોકમાં લઇ જવામાં આવતાં ત્યાંના તબિબે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાનું કહ્યું હતું. સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પ્રિયા બે બહેનમાં નાની છે અને તેના પિતા કારખાનામાં કામ કરે છે. પોતે હાલમાં કોલેજમાં અભ્યાસ કરતી હતી. ગઇકાલે તેની બહેન નોકરી પર હતી, પિતા કામે ગયા હતાં અને માતા ગીતાબેન કથા સાંભળવા ગયા હતાં. તેઓ સાંજે છએક વાગ્યે ઘરે આવ્યા ત્યારે દિકરી અર્ધબેભાન જેવી હાલતમાં જોવા મળતાં પૃછા કરતાં ઝાડા-ઉલ્ટી થઇ ગયાનું કહ્યું હતું. બીજા પરિવારજનોને ગીતાબેને જાણ કરી હતી અને દિકરીને હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ મૃત્યુ થયું હતું. બનાવથી પરિવામાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જો કે તબિબને મૃત્યુ અંગે શંકા ઉપજતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:35 PM IST)










