તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
સાધુ વાસવાણી રોડ નિલકમલ પાર્કમાં આર્થિક ભીંસને લીધે કપડાના વેપારીની આત્મહત્યા
૩૪ વર્ષિય કલ્પેશભાઇ કોરીંગાએ ગળાફાંસો ખાઇ લીધોઃ પુષ્કરધામ રોડ પર કપડાની દુકાન ચલાવતાં હતાં: યુવાન દિકરાના પગલાથી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૯: ધંધાકીય મંદી અને આર્થિક સંકડામણને કારણે એક પરિવારના યુવાન અને આશાસ્પદ દિકરાએ આપઘાત કરી લીધો છે. સાધુ વાસવાણી રોડ પર રહેતાં અને પુષ્કરધામ રોડ પર રેડીમેઇડ કપડાની દુકાન ચલાવતાં વેપારી યુવાને ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો.
જાણવા મળ્યા મુજબ સાધુ વાસવાણી રોડ પર નિલકમલ પાર્કમાં રહેતાં કલ્પેશભાઇ નારણભાઇ કોરીંગા (ઉ.વ.૩૪) નામના યુવાને રાતે સાડા અગીયારેક વાગ્યે ઘરમાં ઉપરના માળે જઇ પ્લાસ્ટીકની દોરીથી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનોએ બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ કલ્પેશભાઇનું મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કલ્પેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. તેના પિતા નિવૃત સરકારી કર્મચારી છે. કલ્પેશભાઇને પુષ્કરધામ રોડ પર કપડાની દુકાન હતી. હાલમાં ધંધામાં મંદી હોઇ પોતે આર્થિક ભીંસમાં આવી ગયા હોઇ સતત ચિંતામાં રહેતાં હતાં. રાતે જમતી વખતે પણ સતત ચિંતા કરતાં હોઇ પિતા સહિતના પરિવારજનોએ તેને સાંત્વના આપી હતી અને બધુ સારુ થઇ જશે તેમ કહ્યું હતું. પરંતુ બાદમાં કલ્પેશભાઇએ ઉપરના રૂમમાં જઇ ગળાફાંસો ખાઇ લીધો હતો. સારવાર કારગત ન નીવડતાં તેમનું મૃત્યુ થયું હતું. યુવાન અને આધારસ્તંભ દિકરાના આ પગલાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો
(3:42 PM IST)










