તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
સ્વચ્છતા પ્રત્યેક નાગરિકની આદત અને સંસ્કાર બનવા જોઈએ
મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિતે કસ્તુરબાધામ-ત્રંબા ખાતે રાજકોટ મહેસુલ તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન કલેકટર-DDO-એડી.કલેકટર, ટ્રસ્ટીઓ-અધિકારીઓ-કર્મચારીઓ-વિદ્યાર્થીઓ જોડાયા

રાજકોટ, તા.૨: રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાજકોટ જિલ્લા મહેસૂલ વિભાગ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કસ્તુરબાધામ, ત્રંબા ખાતે શ્રી કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા પરિસરમાં ‘સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ' યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવશ્રીઓએ પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા કસ્તુરબા ગાંધીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વ.શ્રી કનુભાઈ નારણદાસ ગાંધી તેમજ સ્વ.શ્રીમતી આભાબેન કનુભાઈ ગાંધીની સમાધિસ્થળે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે પૂજ્ય બાપુના અતિ પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ...' નું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુ સ્વચ્છતાના પ્રખર હિમાયતી હતા અને તેઓ ‘જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા'ના મંત્રમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આપણું લક્ષ્ય છે, ત્યારે ગંદકી વચ્ચે કોઈ પણ દેશ સાચા અર્થમાં વિકસિત ન બની શકે. જે માટે માત્ર સરકારી માળખાગત સુવિધાઓ કે એક દિવસની સફાઈ ઝુંબેશ પૂરતી નથી, પરંતુ સ્વચ્છતા પ્રત્યેક નાગરિકની આદત અને સંસ્કાર બનવી જોઈએ. આપણી કચેરી, ઘર અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની વ્યક્તિગત જવાબદારી આપણે સ્વીકારવી પડશે. આ તકે કલેકટરે વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ પછી પણ આગળ અભ્યાસ ચાલુ રાખવા અપીલ કરી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.
શાળાનાં ટ્રસ્ટીશ્રી મોહનભાઈ મકવાણાએ આ તકે શ્રી કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા વિશે વિસ્તળત જાણકારી આપી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું.
ત્યારબાદ મહાનુભાવો, મહેસૂલ વિભાગના કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી શાળા અને આશ્રમ પરિસરમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સાથે ઉપસ્થિત સૌએ પોતાના દૈનિક જીવનમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના જતન માટે કટિબદ્ધ રહેવાના સંકલ્પ લીધા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર જયભાઈ બારોટ, કસ્તુરબા આશ્રમના ટ્રસ્ટી મોહનભાઈ મકવાણા, ત્રંબા ગ્રામ પંચાયતના સરપંચ દર્શનાબેન પીઠવા તથા શાળાના આચાર્ય પ્રફુલભાઈ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:09 PM IST)










