News of Wednesday, 25th November 2026
સ્વચ્છતાના દાવા વચ્ચે સફાઈમાં ધાંધિયાઃ એજન્સીઓને રૂ.૧.૭૬ કરોડનો દંડ
સફાઈમાં બેફામ વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટરો સામે મનપાની કાર્યવાહીઃ છ માસમાં જ કરોડોની પેનલ્ટી વસૂલાઈ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની એજન્સીઓને રૂ.૧.૦૭ કરોડનો દંડઃ સખી મંડળ અને મિત્ર મંડળની કામગીરીમાં પણ લોલંલોલઃ રસ્તા પરના કચરાના ઢગલા ટિપરવાને ઉપાડવા ફરજિયાત

રાજકોટ, તા.૨૫: શહેરને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવાની વાતોના વડા વચ્ચે સફાઈ કામગીરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બેફામ વેઠ ઉતારવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરીમાં બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર એજન્સીઓ, સખી મંડળ અને મિત્ર મંડળ પાસેથી માત્ર છ માસમાં જ રૂ.૧.૭૬ કરોડની પેનલ્ટી વસૂલવામાં આવી છે.
મહાનગરપાલિકાના વોર્ડ નં.૧થી ૧૮માં સફાઈ કામગીરી કરતી વિવિધ એજન્સીઓ પાસેથી તા.૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં વસૂલવામાં આવેલા દંડની વિગતો જનરલ બોર્ડના પ્રશ્નકાળમાં સામે આવી હતી.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી કોન્ટ્રાક્ટર એજન્સીઓ પાસેથી રૂ.૧ કરોડ ૭ લાખ ૭૯ હજાર, પાર્ટટાઇમ સફાઈ કામગીરી કરતી એજન્સીઓ પાસેથી રૂ.૫૬.૧૬ લાખ તેમજ વિવિધ વિસ્તારોમાં કાર્યરત સખી મંડળ અને મિત્ર મંડળ પાસેથી રૂ.૧૨.૨૮ લાખ મળી કુલ રૂ.૧.૭૬ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.
દરમિયાન, શેરી કે રસ્તા ઉપર પડેલા કચરાના ઢગલા સંબંધિત રૂટની ટિપરવાન દ્વારા ઉપાડવા ફરજિયાત હોવાનું પણ મહાપાલિકાએ જનરલ બોર્ડમાં આપેલા લેખિત જવાબમાં સ્પષ્ટ કર્યું છે. ટેન્ડરની શરતો અનુસાર કચરાના ઢગલા ઉપાડવાની જવાબદારી સંબંધિત કોન્ટ્રાક્ટરોની છે.સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી અટકવાનું નામ લેતી નથી. ત્યારે માત્ર દંડ વસૂલીને સંતોષ માનવાને બદલે વારંવાર વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની હિંમત મહાપાલિકાના સત્તાધીશો દાખવશે ખરી? તેવો સવાલ ઊઠ્યો છે.
(3:45 PM IST)










