<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જંગલેશ્‍વર ડીમોલીશનના ખર્ચની વિગતો સ્‍પષ્‍ટ કરોઃ જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી જરૂરી : આપ

મનપા કચેરી ખાતે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન-આવેદનઃ કાર્યકરોની અટકાયત : ન્‍યાયાધીશના અધ્‍યક્ષસ્‍થાને ઉચ્‍ચસ્‍તરીય તપાસ સમિતિ રચી સમગ્ર મામલાની નિષ્‍પક્ષ તપાસ કરાવોઃ માંગ

જંગલેશ્‍વર ડિમોલીશન કામગીરીમાં ગેરરિતીના આક્ષેપ સાથે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યુ હતુ. આ દરમિયાન આપ કાર્યકરોની વિજીલન્‍સ અને પોલીસ સાથે રકઝક થઇ હતી. મ્‍યુ કમિશનરને આવેદન આપી સમગ્ર મામલે નિષ્‍પક્ષ - સ્‍વતંત્ર તપાસની માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્‍યો હતો. આપ કાર્યકરોએ મનપા પરિસરમાં વિવિધ લખાણો-ફોટા સાથેના પોસ્‍ટરો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવતા પોલીસ દ્વારા અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી ત્‍યારની તસ્‍વીરો.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા.૧: શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાં હાથ ધરાયેલી ડિમોલિશન કામગીરીમાં કરોડો રૂપિયાના ખર્ચ, કામગીરીની પ્રક્રિયા અને તેમાં થયેલી સંભવિત ગેરરીતિઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાયુ હતું. પોલીસ દ્વારા અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

આ અંગે આગેવાનોએ જણાવેલ કે,  શરૂઆતમાં અંદાજે રૂ. ૨૭ લાખના ખર્ચથી શરૂ થયેલી કામગીરીનો ખર્ચ બાદમાં વધીને અંદાજે રૂ. ૩.૫૦ કરોડ સુધી પહોંચ્‍યો હોવાના આક્ષેપો સામે આવ્‍યા છે. ખર્ચમાં થયેલા અસામાન્‍ય વધારા, કામગીરીની પદ્ધતિ, બિલોની ચૂકવણી અને ટેન્‍ડર પ્રક્રિયા અંગે અનેક શંકાઓ વ્‍યક્‍ત થઈ રહી છે.

જાહેર નાણાંનો ઉપયોગ સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદારી સાથે થવો જોઈએ, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં અનેક તથ્‍યો અને વિગતો હજુ સુધી સ્‍પષ્ટ થઈ નથી. જો એક જ ડિમોલિશન કામગીરીમાં આટલા મોટા પાયે ગેરરીતિના આક્ષેપો સામે આવી રહ્યા હોય તો છેલ્લા કેટલાક વર્ષોમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી અન્‍ય કામગીરીઓની વિશ્વસનીયતા અંગે પણ પ્રશ્‍નો  ઉભા થાય છે. તેથી સમગ્ર મામલાની નિષ્‍પક્ષ, પારદર્શક અને ઉચ્‍ચસ્‍તરીય તપાસ સમયની માંગ બની છે.

આમ આદમી પાર્ટીનું માનવું છે કે જનતાના કરના એક-એક રૂપિયાનો હિસાબ જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા તમામ વ્‍યક્‍તિઓ પાસેથી લેવામાં આવવો જોઈએ. જો તપાસ દરમિયાન કોઈપણ અધિકારી, કોન્‍ટ્રાક્‍ટર અથવા અન્‍ય વ્‍યક્‍તિની સંડોવણી સામે આવે તો તેમના રાજકીય હોદ્દા, સરકારી પદ અથવા પ્રભાવને ધ્‍યાનમાં લીધા વિના તેમની સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

આ સમગ્ર પ્રકરણમાં સત્‍ય બહાર આવે, જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી થાય અને ભવિષ્‍યમાં જાહેર નાણાંના દુરુપયોગને રોકવા માટે જરૂરી સુધારાત્‍મક પગલાં લેવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીએ મ્‍યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી ન્‍યાયાધીશના અધ્‍યક્ષસ્‍થાને સ્‍વતંત્ર તપાસ સમિતિ રચવાની, તમામ દસ્‍તાવેજો જાહેર કરવાની અને તપાસ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી સંબંધિત અધિકારીઓને કામગીરીમાંથી દૂર રાખવાની માંગ કરી છે. જનતાના હિતમાં આ મામલે તાત્‍કાલિક અને નિષ્‍પક્ષ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

(2:44 PM IST)