તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
માધાપર ચોકડીના બીયુસી વગરના ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગ મામલે કોર્ટમાં સીવીલ સ્યુટઃ મહાપાલીકા- બિલ્ડરને નોટીસ
ગેરકાયદે બાંધકામ દુર કરવા, વ્યાપારી ઉપયોગ અટકાવવા કાયમી મનાઇ હુકમ આપવા તથા વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકવા અરજદાર સંજયભાઇ લાખાણીએ સીવીલ સ્યુટ દાખલ કરી

રાજકોટ તા.૧૦: રાજકોટમાં માધાપર ચોકડી ખાતે આવેલા બીયુસી વગરના ક્રિસ્ટલ નેક્સસ બિલ્ડિંગના મામલે સિવિલ કોર્ટમાં રેગ્યુલર સિવિલ સ્યૂટ દાખલ થતા મહાનગરપાલિકા સહિતના સત્તાવાળાઓ અને બિલ્ડરને નોટિસ ઇસ્યુ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.
આ અંગેની હકીકત મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ અને જામનગર રોડના કોર્નર ઉપર માધાપર ચોકડી ખાતે આવેલ ક્રિસ્ટલ નેક્સસ કોમર્શિયલ બિલ્ડિંગમાં થયેલા કથિત ગેરકાયદેસર બાંધકામ, બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વિના ઉપયોગ તથા અન્ય કાનૂની અનિયમિતતાઓના મુદ્દે સંજયભાઈ લાખાણી નામના અરજદાર દ્વારા રાજકોટ સિવિલ કોર્ટમાં દાખલ કરાયેલી રેગ્યુલર સિવિલ સ્યૂટમાં જણાવ્યા મુજબ, વાદગ્રસ્ત ક્રિસ્ટલ નેક્સસ બિલ્ડિંગ અંગે વારંવાર લેખિત રજૂઆતો, ફરિયાદો તથા કાયદેસરની સ્ટેચ્યુટરી નોટિસ આપવામાં આવી હોવા છતાં સત્તાધિકારીઓ દ્વારા અસરકારક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
અરજદારનો દાવો છે કે વર્ષ ૨૦૨૫ દરમિયાન તંત્ર દ્વારા સીલિંગ સંબંધિત કાર્યવાહી થયા બાદ પણ બિલ્ડિંગનો વ્યાપારી ઉપયોગ ચાલુ રહ્યો અને બિલ્ડર દ્વારા વિવિધ બ્રાન્ડેડ શોરૂમો તથા અન્ય કોમર્શિયલ પ્રવળત્તિઓ ચાલુ રાખવામાં આવી હતી, તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીલિંગ અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં ન આવતા અને પોતાના આદેશોનો અસરકારક અમલ ન થવાને કારણે અંતે રાજકોટ સિવિલ કોર્ટમાં આ સિવિલ સ્યૂટ દાખલ કરવામાં આવી છે, તેમાં ગેર કાયદેસર બાંધકામ દૂર કરવા, તેનો વ્યાપારી ઉપયોગ કાયમી રીતે અટકાવવા કાયમી મનાઈ હુકમ, તેમજ વાદગ્રસ્ત મિલકતના વેચાણ, ટ્રાન્સફર અથવા તળતીય પક્ષના હિતો ઊભા કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માંગણી કરવામાં આવી છે.
આ અંગે સિવિલ કોર્ટે દાવાની પ્રાથમિક વિચારણા કર્યા બાદ દાવો એડમિટ કરીને રાજકોટ મહાનગરપાલિકા, રાજ્ય સરકારના સંબંધિત સત્તાધિકારીઓ તથા બિલ્ડર સહિત તમામ પ્રતિવાદીઓને સમન્સ/નોટિસ ઇશ્યૂ કરવાનો હુકમ કર્યો હતો.આ મામલે અરજદાર સંજયભાઈ લાખાણીએ ગેરકાયદેસર બાંધકામ સામે સતત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના કારણે તેમના ઉપર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો અને કાનૂની લડતમાંથી પીછેહઠ કરાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ખોટી ફરિયાદો કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ કામમાં અરજદાર તરફથી એડવોકેટ સંજય એચ. પંડિત તથા સાથી વકીલો રોકાયા છે.
(3:00 PM IST)










