તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
શહેરના માર્ગો વધુ ચોખ્ખા-ચણાંક થશે : ૧૦ સ્વીપર મશીન ઉમેરાશે : ૮.ર૦ કરોડનો ખર્ચ
રાજકોટ મનપા પાસે હાલ ૧૦ મશીન છે નવા ૧૦ મશીન ખરીદાતા કુલ સંખ્યા ર૦ થશે : હવાના પ્રદૂષણ અને રજકણો ઘટાડવા ત્રણ મિસ્ટ કેનન પણ આવશઃ સ્ટે. ચેરમેન પીપળીયાએ રસ્તાઓ પર લાઇવ કામગીરીનું કર્યુ નિરીક્ષણ : ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત

રાજકોટ,તા.૧૦ : શહેરમાં સ્વચ્છતા વધારવા તેમજ હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ આધુનિક મશીનરી ખરીદવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા વધુ ૧૦ સ્વીપર મશીન અને ત્રણ મિસ્ટ કેનન મશીન ખરીદવામાં આવશે. આ અંગેની દરખાસ્ત ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલમાં રસ્તાઓની સફાઈ માટે ૧૦ સ્વીપર મશીન કાર્યરત છે. હવે પ્રતિ મશીન રૂ. ૮૨ લાખના ખર્ચે વધુ ૧૦ સ્વીપર મશીન ખરીદવાની યોજના બનાવવામાં આવી છે. આ માટે અંદાજે રૂ. ૮.૨૦ કરોડનો ખર્ચ થશે. નવી ખરીદી બાદ મનપા પાસે કુલ ૨૦ સ્વીપર મશીન ઉપલબ્ધ થશે. તેના કારણે શહેરના મુખ્ય માર્ગોની સફાઈ વધુ અસરકારક રીતે થઈ શકશે અને રસ્તા પર ઊડતી ધૂળમાં પણ ઘટાડો થશે.
આ ઉપરાંત શહેરમાં હવાના પ્રદૂષણ અને રજકણો ઘટાડવા માટે ત્રણ નવા મિસ્ટ કેનન મશીન ખરીદવામાં આવશે. એક મિસ્ટ કેનન મશીનની કિંમત રૂ. ૫૧ લાખ હોવાથી ત્રણ મશીન માટે અંદાજે રૂ. ૧.૫૩ કરોડનો ખર્ચ થશે. આ મશીન પાણીના અતિસૂક્ષ્મ ફુવારા છોડીને હવામાં રહેલા ધૂળના રજકણોને જમીન પર બેસાડે છે.શહેરના જે વિસ્તારો અને માર્ગો પર હવાનું પ્રદૂષણ વધુ હોય અથવા એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ નોંધાતો હોય ત્યાં મિસ્ટ કેનન મશીન ખાસ ઉપયોગી બનશે. આ મશીનોથી હવામાં ઊડતી ધૂળને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને આસપાસના વાતાવરણની ગુણવત્તામાં સુધારો થશે.
ગઈ રાત્રે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પર્યાવરણ ઇજનેર સહિત મનપાના અધિકારીઓની ટીમે શહેરના માર્ગ પર સ્વીપર અને મિસ્ટ કેનન મશીનની કામગીરીનું જીવંત પ્રદર્શન નિહાળ્યું હતું. ડેમો દરમિયાન મશીનોની કાર્યક્ષમતા અને શહેરમાં તેના સંભવિત ઉપયોગ અંગે માહિતી મેળવવામાં આવી હતી.
સ્વીપર અને મિસ્ટ કેનન સહિતની આધુનિક મશીનરી ખરીદવા પાછળ અંદાજે રૂ. ૯.૭૩ કરોડનો ખર્ચ થવાની શકયતા છે. આ ખરીદી માટે સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ટૂંક સમયમાં સમગ્ર દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.
(2:35 PM IST)










