<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

શહેર ભાજપ દ્વારા કાલે વિજય ઉત્‍સવ- ઋણ સ્‍વીકાર રેલી

કાલે સાંજે ૫ વાગે ઉપલાકાંઠેથી ભવ્‍ય રેલીનો પ્રારંભ થશે, બહુમાળી ભવન ખાતે સમાપન : ૫૦૦થી વધુ ગાડીઓ અને ૫૦૦થી વધુ સ્‍કૂટર સાથે વિજયોત્‍સવ રેલી નિકળશે, શણગારેલી ખુલ્લી જીપમાં જીતેલા ઉમેદવારો જોડાશે, હોદેદારો - કાર્યકરોને ઉમટી પડવા આહવાન

 

રાજકોટઃ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારોએ જંગી બહુમતીથી વિજય મેળવ્‍યો છે. રાજકોટ શહેરની જનતાએ વિકાસ અને વિશ્વાસના રોડમેપને ખોબલે ખોબલે મત આપી સ્‍વીકાર્યુ છે ત્‍યારે રાજકોટના નગરજનોનો ઋણ સ્‍વીકાર કરવા અને ભાજપના વિજયોત્‍સવને વધાવવા માટે આવતીકાલ તા. ૩૦ ગુરૂવારે સાંજે ૫ શહેરના સામા કાંઠા વિસ્‍તારમાં આવેલ ગીરીરાજ પાર્ટી પ્‍લોટ, જુના મોરબી રોડ ખાતેથી એક વિશાળ વિજય ઉત્‍સવ અને ઋણ સ્‍વીકાર મહારેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ વિજયોત્‍સવ અને ઋણ સ્‍વીકાર મહારેલી અંગે માહિતી આપતાં રાજકોટ મહાનગરના પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્‍લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસીંહ જાડેજાએ જણાવ્‍યું છે કે રાજકોટ  શહેરની જનતા વર્ષોથી ભાજપની વિચારધારાને હરહંમેશ સમર્થન આપતી રહી છે અને આ બાબત ફરી એકવાર સાબિત કરતાં રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણીમાં કમળના નિશાનનું પ્રતિનિત્‍વ કરતાં ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારને જંગી બુહમતીથી જીતાડયા છે અને કેન્‍દ્રમાં રહેલ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગુજરાત રાજયમાં રહેલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની સરકારના હાથ વધુ મજબુત કર્યા છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્‍વના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્‍નાકરજી, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, ઝોન પ્રભારી અને પ્રદેશમહામંત્રી અનિરુધ્‍ધભાઈ દવેના માર્ગદર્શન અને દેખરેખ હેઠળના પ્‍લાનીંગથી અને રાજકોટના મતદારોના વિશ્વાસથી આ જવલંત વિજય મળેલ છે.

આ જીતને વધાવવા અને મતદારોનો ઋણ સ્‍વીકાર કરવા રાજકોટના રાજમાર્ગો ઉપર વિજયોત્‍સવ મનાવવા ઋણ સ્‍વીકાર મહારેલીનું આવતીકાલે આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહારેલીનું સંપૂર્ણ આયોજન રાજકોટ શહેરના ઝોન પ્રભારી અને મહામંત્રી અનિરુધ્‍ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી મહામંત્રી વલ્‍લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્‍દ્રસિંહ જાડેજાની સાથે સંકલન કરી પૂર્વ શહેર અધ્‍યક્ષ નીતીનભાઈ ભારદ્વાજ, મુકેશભાઈ દોશી, પૂર્વ કોર્પોરેટર પુષ્‍કરભાઈ પટેલ અને દેવાંગભાઈ માંકડના નેતૃત્‍વમાં અને દેખરેખ હેઠળ યોજાશે. આ મહારેલી અંગેની સંપૂર્ણ વ્‍યવસ્‍થા ઉપરોકત ટીમ સંભાળવાની છે. તેમ જણાવાયું છે.

આ મહારેલીના રૂટ અને વિશેષ માહિતી આપતાં નીતીનભાઈ ભારદ્વાજ, મુકેશભાઈ દોશી, પુષ્‍કરભાઈ પટેલ અને દેવાંગભાઈ માંકડ એ જણાવ્‍યું છે કે, આવતીકાલ તા. ૩૦ને ગુરૂવાર સાંજે ૫ કલાકેથી ગીરીરાજ પાર્ટી પ્‍લોટ જુના મોરબી રોડ ખાતેથી શરૂ થશે અને આ મહારેલી ક્રમશઃ માનવ સેવા ટ્રસ્‍ટ, વોર્ડ નં.૪ નું કાર્યાલય, રણછોડદાસજી બાપુ આશ્રમ, પાણીનો ધોડો, બાલક હનુમાનજી, સંત કબીર રોડ, ચુનારાવાડ ચોક, જીલ્‍લા ગાર્ડન, ૮૦ ફુટ રોડ, સોરઠીયાવાડી સર્કલ , ભકિતનગર સર્કલ , નાગરિક બેંક ઉદ્યોગનગર શાખા, ઢેબર રોડ અટીકા ફાટક તરફ , માલવીયા ચોક, સ્‍વામીનારાયણ ચોક, મવડી રોડ, મવડી ઓવરબ્રીજ નીચે, ૧૫૦ કુટ રીંગ રોડ , નાના મવા રોડ સર્કલ, ઈન્‍દીરા સર્કલ , રૈયા સર્કલ - આમ્રપાલી સીનેમા - અન્‍ડરબ્રીજ - કિશાનપરા ચોક - અકિલા ચોક (જીલ્‍લા પંચાયત ચોક) , બહુમાળી ભવન - સરદાર પટેલ પ્રતિમા ખાતે સમાપન કરવામાં આવશે.

આ મહારેલીમાં શણગારેલ જીપ તથા ગાડીઓમાં ભાજપના વિજયી તમામ ઉમેદાવારો ઉપસ્‍થિત રહશે. સાથો સાથ રાજકોટ મહાનગરના સાંસદો, ધારાસભ્‍યો, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, રાજકોટ મહાનગરના સંગઠનના સૌ હોદ્દેદારો તેમજ યુવા મોરચા, મહિલા મોરચો, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં જોડાશે.

આ મહારેલીનું મુખ્‍ય નાસિક ઢોલ, શણગારેલી છત્રી સાથે પરંપારિક વેશ ભુષા સાથે યુવાનો રહેશે. ડી.જે. અને સંગીતના તાલે યોજાનાર આ મહારેલીમાં ૫૦૦ થી વધારે ગાડીઓ, જીપ તથા ૫૦૦ થી વધુ સ્‍કુટરો જોડાશે. આ મહારેલીના રૂટ ઉપર ભાજપનો કેશરીયો ધ્‍વજ લહેરાશે. ભાજપના બહેનો કેસરી સાડીના ડ્રેસ કોડમાં જોડાશે. મહારેલીના રૂટના અલગ અલગ પોઈન્‍ટ ઉપર મહારેલીનું સ્‍વાગત અને અભિવાદન પણ કરવામાં આવશે.

આ મહારેલી રાજકોટ શહેરના ઇતિહાસમાં આજ સુધી કયારેય પણ ન યોજાઈ હોય તેવી જાજરમાન અને અભુતપૂર્વ સ્‍વરૂપે યોજાશે. આ મહારેલીના રૂટની તમામ વ્‍યવસ્‍થા રાજકોટ મહાનગરના વિવિધ યુવા મોરચા, મહિલા મોરચો, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ટીમ દ્વારા સંભાળવામાં આવશે. તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયું છે.

(2:46 PM IST)