News of Sunday, 25th October 2026
ચોટીલા પીજીવીસીએલના હેલ્પર બિપીનભાઇ ભરતભાઇ પારેજીયા ૬૦ હજારની લાંચ લેતા ઝડપાયા : રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. રાણાની ટીમનું સફળ ઓપરેશન
વીજ ચેકીંગ બાદ મીટર પરત આપવાના બદલે દંડમાંથી બચાવવા માટે ૭૦ હજારની લાંચ માંગી ૬૦ હજાર સ્વીકારનાર આરોપી રંગે હાથે ઝડપાયો : સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે એસીબી દ્વારા કરાઈ ટ્રેપ

ચોટીલા : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા સફળ ટ્રેપ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પીજીવીસીએલ કચેરીના ચોટીલા સબ ડિવિઝન-૨ માં ફરજ બજાવતા વર્ગ-૪ ના હેલ્પર કર્મચારીને ફરિયાદી પાસેથી ૬૦,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે.
આ કેસની વિગતવાર માહિતી અનુસાર, આરોપી બિપીનભાઇ ભરતભાઇ પારેજીયા (ઉ.વ.૩૩, ધંધો: નોકરી-હેલ્પર, વર્ગ-૪, પીજીવીસીએલ ચોટીલા સબ ડિવિઝન-૨, ચોટીલા, જી. સુરેન્દ્રનગર) દ્વારા આ લાંચ લેવામાં આવી હતી. ફરીયાદીની વાડીમાં આરોપીએ વીજ ચેકીંગ કર્યું હતું અને તે દરમિયાન વાડીમાં રહેલ પીજીવીસીએલનું વીજ મીટર પોતાની કચેરીએ લઈ ગયા હતા.
ત્યારબાદ ફરીયાદીએ કચેરીએ રૂબરૂ જઈને મીટર પાછું લગાવવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆતના બદલે આરોપીએ જણાવ્યું હતું કે તમે વીજ ચોરી કરેલ હોવાથી તમારું મીટર જપ્ત કર્યું છે અને તે બદલ મોટો દંડ ભરવો પડશે. જો દંડ ન ભરવો હોય અને મીટર ફરીથી વાડીએ પાછું લગાવવું હોય તો તેના બદલામાં ૭૦,૦૦૦ રૂપિયાની લાંચ આપવી પડશે તેવી માંગણી કરવામાં આવી હતી.
ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ સમયસૂચકતા વાપરીને એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તા. ૨૫/૧૦/૨૦૨૬ના રોજ એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોટીલા ગ્રામ્ય-૨ ની પીજીવીસીએલ કચેરી ખાતે ગોઠવાયેલા આ છટકા દરમિયાન આરોપી બિપીનભાઇ ભરતભાઇ પારેજીયાએ ફરીયાદી પાસેથી નક્કી કર્યા મુજબ ૬૦,૦૦૦ રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી. આ સમયે સ્થળ પર હાજર એસીબીની ટીમ દ્વારા આરોપીને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી કબ્જે કરવામાં આવી હતી.
આ સફળ ટ્રેપની કામગીરી રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે.
(8:10 PM IST)










