તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
રાજકોટ રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ૧૮.૪૬૭ કિલો ગાંજા સાથે છત્તીસગઢનો કર્મવીર પાટીલ ઝડપાયો: યુપીના હર્ષસિંહની શોધખોળ
પશ્ચિમ રેલવેના ઇ. નાયબ અધિક્ષક એચ.એમ.રાણાની રાહબરીમાં પો.ઇન્સ. જે.આર. દેસાઈના માર્ગદર્શનમાં એલસીબી પીએસઆઇ જે.એમ. પરમાર અને ટીમની કામગીરી: રામજીભાઈ, હસમુખભાઈ, ધર્મેન્દ્રસિંહની બાતમી

રાજકોટઃ રાજ્યમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા માટે ચલાવવામાં આવતા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત રાજકોટ રેલવે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ રેલવે, રાજકોટની ટીમે રાજકોટ રેલવે સ્ટેશન પરથી આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાની કિંમતના માદક પદાર્થ સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.
એલ.સી.બી. અને એસ.ઓ.જી. પશ્ચિમ રેલવે, રાજકોટની ટીમ રાજકોટ રેલવે સ્ટેશન પર આંતર રાજ્ય ટ્રેનો ઉપર વોચ રાખી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઈ રામજીભાઈ અને અન્ય પોલીસ કર્મીઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે બે શખ્સો શંકાસ્પદ અને વજનદાર ટ્રોલી બેગો સાથે ફરી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર વાંકાનેર તરફના છેડા પાસે વોચ ગોઠવીને તપાસ કરતા બે ટ્રોલી બેગમાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ કેસમાં છત્તીસગઢના સુરજપુર જિલ્લાના ભયાથાન તાલુકાના ફુસમુસી ગામના રહેવાસી કર્મવીર તુલશીદાસ પાટીલને ઝડપી પાડ્યો છે. જ્યારે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના તેદુરા ગામનો ૨૫ વર્ષીય આરોપી હર્ષસિંહ લલકસિંહ નાસી છૂટ્યો છે જેની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૯,૪૧,૧૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલમાં મુખ્યત્વે ૧૮ કિલો ૪૬૭ ગ્રામ ગાંજો કિંમત રૂ. ૯,૨૩,૩૫૦, એક ઓપ્પો મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૫,૦૦૦, રોકડ રકમ રૂ. ૧૮૦૦ અને બે ટ્રોલી બેગ કિંમત રૂ. ૧૦૦૦નો સમાવેશ થાય છે.
સફળ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ
આ સમગ્ર કામગીરી ઉચ્ચ અધિકારીઓ કે.એન. ડામોર, યશપાલ જગાણીયા, સી.પી. મુંધવા અને એચ.એમ. રાણા સાહેબની સૂચનાથી અને પો.ઇન્સ. જે.આર. દેસાઈના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. રેડ દરમિયાન અને સમગ્ર સફળ કામગીરીમાં એલ.સી.બી. પશ્ચિમ રેલવે રાજકોટના પો.સબ.ઇન્સ. જે.એમ. પરમાર, એ.એસ.આઈ. રામજીભાઈ ચંદુલાલ, એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ, પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ, પો.કોન્સ. હસમુખભાઈ રાઘવભાઈ, પો.કોન્સ. ભુપતભાઈ કાનાભાઈ, પો.કોન્સ. દિવ્યરાજસિંહ વાઘુભા, પો.કોન્સ. જયેશભાઈ નાથાભાઈ તથા એસ.ઓ.જી. પશ્ચિમ રેલવે રાજકોટના પોલીસ હેડ.કોન્સ. સિધ્ધરાજસિંહ કનુભા સહિતના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
(1:12 PM IST)










