<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

મવડીના ક્રિષ્‍ના પાર્કનો ચેતન પ્રજાપતિ રાવકીથી ગૂમ થયા બાદ ખાણમાંથી લાશ મળીઃ પિતાએ શંકા દર્શાવી

પિતા શશીકાંતભાઇ દેવગાણીયા દિકરાને શોધતાં રાવકી પહોંચ્‍યા ત્‍યારે દિકરાની સાથે કામ કરતાં બિહારના રાહુલે તેનો મોબાઇલ-પર્સ કાઢી આપ્‍યાઃ ચેતન જે ખાણમાં ડુબ્‍યો હતો ત્‍યાં પણ તેમને લઇ ગયોઃ ભૈયા પાસે પર્સ-મોબાઇલ ક્‍યાંથી આવ્‍યા? વૃધ્‍ધ પિતાએ શંકા દર્શાવતા લોધીકા પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું

ગૂમ થયા બાદ જેની ખાણમાંથી લાશ મળી તે ચેતન અને વિગતો જણાવતાં તેના પિતા શશીકાંતભાઇ દેવગાણીયા અને સગાસંબંધી જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૬: મવડીના ક્રિષ્‍ના પાર્કમાં રહેતો પ્રજાપતિ યુવાન બુધવારે સવારે ઘરેથી લોધીકાના રાવકી ગામે કંપનીમાં કામે જવાનું કહીને નીકળ્‍યા બાદ મોડી સાંજ સુધી પાછો ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે ગઇકાલે બપોર બાદ તેનો ફોન લાગતાં તે ફોન આ યુવાનના શેઠે રીસીવ કરતાં યુવાનના પિતા સહિતના સ્‍વજનો રાવકી પહોંચ્‍યા હતાં. શેઠે  પોતાને આ ફોન-પર્સ બિહારી કર્મચારીએ આપ્‍યાનું કહેતાં આ બિહારીની યુવાનના પિતાએ પુછતાછ કરતાં તેણે પોતાને આ પર્સ-ફોન નજીકની ખાણ પાસેથી મળ્‍યાનું કહ્યું હતું. પિતા સહિતના લોકો ખાણ પાસે જતાં તેમાંથી ગૂમ દિકરાની કોહવાયેલી ફુલાયેલી લાશ મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ અંગે પિતાએ શંકા દાખવતાં મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું છે.

જાણવા મળ્‍યા મુજબ મવડી ક્રિષ્‍ના પાર્ક-૪ બ્‍લોક નં. ૫માં રહેતો વાટલીયા પ્રજાપતિ યુવાન ચેતન શશીકાંતભાઇ દેવગાણીયા (ઉ.વ.૨૫) બુધવારે સવારે લોધીકાના રાવકી ગામે કંપનીમાં કામે જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ થયો હતો. ગઇકાલે તેની લાશ કંપની નજીક આવેલી ખાણમાંથી મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં લોધીકા પોલીસે પંચનામુ કરી કોહવાયેલા, ફુલાઇ ગયેલા ચેતનના મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર ચેતન વૃધ્‍ધ માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તે અપરિણીત હતો.  પિતા શશીકાંતભાઇ દેવગાણીયાએ કહ્યું હતું કે મારો દિકરો છએક મહિનાથી રાવકીની કોઇ કંપનીમાં વીએમસી ઓપરેટર તરીકે નોકરીએ જતો હતો. તે રાજકોટથી રિક્ષામાં અપડાઉન કરતો હતો. બુધવારે સવારે તે ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળ્‍યો હતો. મોડી સાંજ સુધી તે ઘરે ન આવતાં અને તેનો ફોન જોડતાં ફોન પણ લાગતો નહોતો. મોડી રાત સુધી અમે ફોન જોડવાનું ચાલુ રાખ્‍યું હતું પણ ફોન બંધ આવતો હોઇ તે કદાચ કામ માટે રોકાઇ ગયો હશે અથવા સુઇ ગયો હશે તેમ માની લીધુ હતું.શશીકાંતભાઇએ વધુમાં જણાવ્‍યું કે ગુરૂવારે બપોર બાદ મેં ફરીથી ફોન જોડતાં લાગ્‍યો હતો અને એ ફોન ચેતનના શેઠે ઉપાડયો હતો. તેણે અમને રાવકી આવવા કહ્યું હતું. અમે ત્‍યાં પહોંચ્‍યા હતાં અને ચેતન વિશે પુછતાં તેણે ચેતનનો ફોન અને પર્સ અમને આપ્‍યા હતાં. આ તેમની પાસે ક્‍યાંથી આવ્‍યા પુછતાં તેમણે બીહારી કર્મચારી રાહુલે આપ્‍યાનું કહ્યું હતું અને રાહેુલને ત્‍યાં જ બેસાડી રાખ્‍યો હોઇ અમે તેને પુછતાં તેણે પોતાને કંપની નજીકની ખાણ પાસેથી ચીજવસ્‍તુ મળી હોવાનું કહ્યું હતું. આથી અમે તેને જગ્‍યા બતાવવા સાથે લઇ ગયા હતા. ત્‍યારે ખાણમાં પાણીમાં માત્ર માથુ દેખાતુ હોઇ મેં ખેંચીને બહાર કાઢતાં તે મારા દિકરાની લાશ હતી.

 આ લાશ જોતાં જ રાહુલ ભેૈયા દોટ મુકીને ભાગી જતાં અમને શંકા ઉપજતાં પોલીસને જાણ કરી હતી. રાહુલે ભૈયો મારા દિકરા ચેતન સાથે જ કામ કરતો હતો. દિકરો અકસ્‍માતે પડી ગયો કે બીજુ કંઇ બન્‍યું? તે અંગે અમને શંકા છે. અમારો દિકરો ન્‍હાવા ગયો કે અકસ્‍માતે પડી ગયો હોય તો તેના ફોન-પર્સ બિહારી શખ્‍સ રાહુલ પાસે ક્‍યાંથી આવ્‍યા? તેની તપાસ કરવા અમે પોલીસને રજૂઆત કરી છે. તેમ વધુમાં શશીકાંતભાઇએ જણાવ્‍યું હતું. પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. બીજી તરફ પ્રાથમિક તપાસમાં રાહુલ લપસી પડયાની માહિતી પોલીસને મળી હોઇ વધુ તપાસ થઇ રહી છે. એકના એક દિકરાના ભેદી મોતથી મવડી ક્રિષ્‍ના પાર્કના પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. (

 

 

 

(3:06 PM IST)