તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
મેટોડા જીઆઈડીસીના કેમિકલ પ્રદૂષણથી ૬ ગામોની ૩ હજાર વીઘા ખેતી બરબાદ-જીવસૃષ્ટિ ખતરામાં: આજે ઉપવાસ આંદોલન
લોધિકાના રાતૈયા સહિત મેટોડા, ખીરસરા, અમરેલી, સુવાગ અને ઇટાળા ગામોમાં નદી-નાળાના ફીણવાળા ઝેરી પાણીથી ફળદ્રુપ જમીન બિનઉપજાઉ બની, લોકો-પશુઓના આરોગ્ય પર ખતરોઃ તંત્ર માત્ર સેમ્પલ લઈને દેખાડો કરતું હોવાનો ગ્રામજનોનો આક્રોશઃપ્રદૂષણ બોર્ડને રજૂઆત છતાં પગલા નહીં ભરાતા રોષ

ખીરસરાઃલોધિકા તાલુકાના રાતૈયા ગામે મેટોડા જીઆઇડીસી વિસ્તારના કેમિકલ યુક્ત પાણીના મામલે રાતૈયા ગામે એક દિવસીય ઉપવાસ આંદોલન લોધિકા તાલુકા ના રાતૈયા મેટોડા વડ વાજડી સહિતના ખેડૂતો આ પાણીથી પરેશાન છે તેમજ સિમા માણસો કે ખેડૂતો કે પશુ આ પાણી પીતા નથી તેમજ રાતૈયા ગામ ના ગ્રામપંચાયતના પાણીના બોર સુધી આ કેમિકલ યુક્ત પાણી પહોંચી જતા રાતૈયા મેટોડા ખીરસરા રણમલજી સહિત ના ગામોના લોકો આ ઉપવાસ આંદોલનમા જોડાયેલ છે. (તસ્વીરઃ ભીખુપુરી ગોસાઈ-ખીરસરા)
(ભીખુપુરી ગોસાઈ દ્વારા) ખીરસરા, તા.૩૦: સ્વચ્છતાની વાતો વચ્ચે રાજકોટ નજીક લોધિકા તાલુકાના રાતૈયા ગામ સહિત ૬ ગામોની ખેતીમાં મેટોડા GIDC માંથી નીકળતો કેમિકલયુક્ત કચરો ફરી વળતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
નદી-નાળાનું પાણી પ્રદૂષિત થવા સાથે આ ફીણયુક્ત ગંદકી આશરે ૩૦૦૦ વીઘા ખેતરોમાં ફરી વળતા ખેડૂતોમાં અને લોકોમાં તીવ્ર રોષ જાગ્યો છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર પગલા નહીં ભરતા આજે તા.૩૦ના રોજ સવારે ૮-૩૦ થી રાત્રે ૧૨ સુધી ઉપવાસ આંદોલન અને વિરોધ પ્રદર્શન યોજવાનું ગ્રામજનોએ જાહેર કર્યું છે.
આ અંગે રાતૈયા ગામના સરપંચ મહાવીરસિહ જાડેજાએ જણાવ્યું કે, કેમિકલવાળું અને અત્યંત દુર્ગંધ મારતું આ પાણી અમારા ડેમમાં આવે છે. રાતૈયા, મેટોડા, ખીરસરા, અમરેલી, સુવાગ અને ઇટાળા એમ ૬ ગામોના ખેતરોની જમીનમાં આ પાણી વહે છે, જેના કારણે ખેતરોની ફળદ્રુપ જમીન બિનઉપજાઉ બની રહી છે.
એટલું જ નહીં, આ અત્યંત પ્રદૂષિત પાણીથી ગ્રામજનો તેમજ પશુઓના આરોગ્ય ઉપર ગંભીર ખતરો સર્જાયો છે. અગાઉ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ આ પાણી બોટલમાં લઈ જઈને રજૂઆત કરી હતી, પરંતુ માત્ર સેમ્પલ લેવાની કામગીરીનો દેખાડો જ થયો છે, આ સમસ્યાનું નિવારણ થયું નથી. નદી-નાળાના પાણીમાં ફીણ, લોકો અને પ્રાણીઓના આરોગ્ય પર ખતરા સામે તંત્ર માત્ર કામનો દેખાડો કરતું હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ છે
(12:02 PM IST)










