તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 18th May 2026
ભગવાનનું નામ જપ કરવું એ જ જીવનનું લક્ષ્યઃ બાળ ભક્ત ભાગવતદાસ
બાળ ભક્ત ભાગવતદાસજી જન્મ પછી પહેલો શબ્દ ‘હરિબોલ' બોલ્યા હતા * મોબાઈલ, ઈન્ટરનેટ, ટીવીથી દુર ભાગવતદાસ પ્રભુભક્તિમાં લીન હોય છે * ભગવાનને જે ભોગ લાગે એ જ માર પ્રિય પ્રસાદ * ભાગવતદાસએ શ્રીમદ્ ભાગવતગિતાનું ૭ વખત સંપૂર્ણ વાંચન કરી ૧૮ અધ્યાય અને શ્લોક કંઠસ્થ કર્યા છે

નાનપણથી જ શ્રી કૃષ્ણ ભક્તિમાં લીન બાળ ભક્ત ભાગવતજી અકિલાના આંગણે પધાર્યા હતા. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે બાળ ભક્ત ભાગવતજી, અકામદાસજી, સચ્ચિદાસજી, અમનદાસજી, અશ્વિનભાઈ દેસાઈ, ધર્મેશભાઈ મકાતી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ,તા.૧૮: આજકાલ નાની ઉંમરથી બાળકો મોબાઈલ, ઈન્ટરનેટ, સોશિયલ મિડીયા વગેરેમાં રચ્યા પચ્યા રહે છે. જ્યારે ધર્મ પ્રત્યે બાળકોમાં આધ્યાત્મિકતા ઓછી જોવા મળે છે. ત્યારે નાનપણથી જ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં તરબોળ થયેલા બાળભક્ત ભાગવતજીએ આજે અન્ય લોકો માટે એક સર્વોત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. જન્મ થી જ ભક્તિમાં ઓળઘોળ બનેલા આ બાળભક્તને શ્રીમદ્ ભગવત ગીતા કંઠસ્ત છે તેમજ અનેક ભજનો પણ તેઓ ખુબ સુંદર રીતે ગાય જાણે છે. આવા બાળભક્ત ભાગવતજી અકિલાના આંગણે પધાર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે મારૂ નામ ભાગવત દાસ બ્રહ્મચાર્ય છે. હું ગોવર્ધનમાં રહું છું. અને જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રચાર થાય છે ત્યાં હું જાઉ છું. બાળ ભક્ત ભાગવતજીએ જણાવ્યું કે હું જ્યારે મા ના ગર્ભમાં હતો ત્યારથી જ મે ભગવાનની ભક્તિ કરવાનું શરુ કરી દીધું. મારા માતા હંમેશા શ્રીમદ્ ભગવતજી જ વાંચતા તેને સમંભળીને જ મારામા કૃષ્ણ ભક્તિ આવી છે.
સામાન્ય રીતે બાળકો જ્યારે બોલતા શીખે ત્યારે મા અથવા દાદા એવા શબ્દો બોલે જ્યારે આ બાળભક્ત ભાગવત જ્યારે બોલતા શિખ્યા ત્યારે પહેલો શબ્દ ‘‘હરિબોલ'' હતો. તેમના પિતા અકામ ભક્તિદાસજી એ જણાવ્યું કે અમે ગોવર્ધનમાં રહીએ છીએ. અને તેનું નામ છે ગૌરાંગ ઈન્સ્ટિીટયુટ ઓફ વૈદિક એજ્યુકેશન. અમારા શિક્ષક શ્રી વૃદાંવનચરણદાસજી પાસેથી અમને પ્રેરણા મળી છે અને શ્રી પ્રભુપાદજી અમારા દિક્ષાગુરૂ છે. જ્યારે બાળભાગવતનો જન્મ થયો ત્યારે અમે નક્કી કર્યુ હતું કે જે બાળક થાય તે રઘુનાથજીનો ભક્ત હોય. તેવું તુલસીદાસજીની ચોપાઈમાં પણ કહેવાયું છે. અમે ગર્ભદાન સંસ્કારના નિયમોનું સંપૂર્ણ પાલન કર્યુ અને નાનપણથી જ ભાગવત પ્રભુને કૃષ્ણ ભક્તિના દાયરામાં જ રાખ્યા. અમે તેમને મોબાઈલ, ઈન્ટરનેટ, ટીવી વગેરે માધ્યમોથી દુર રાખી પ્રભુભક્તિમાં લીન રાખ્યા.
બાળ ભક્ત ભાગવતદાસજીએ જણાવ્યું કે હું બ્રહ્મમુર્હુતમાં ઉઠું છું. નિત્ય ક્રિયાઓ બાદ મંગળા આરતી કરું છું, નૃસિંહ પ્રાર્થના કરૂ છું, તુલસી આરતી કરૂ છું, ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણનું નામ જપ કરુ છું, એ પછી દર્શન આરતી, પ્રભુપાદ આરતી, એ પછી હું ગુરૂકુળ જાઉ છું, એ પછી ભાગવત ક્લાસ કરૂ છું. આ પૂર્ણ થયા પછી ગૌ પૂજા કરુ છું. પ્રસાદ લઈ, થોડો આરામ લઈ ઈંગ્લિસ ક્લાસ કરુ છું, સાંજે રમવા પણ જઉ છું. સાંજે સંધ્યા આરતી પછી શ્રીમદ્ ભાગવત ગિતાના પાઠ કરૂ છું. આ બાળ ભક્્ત ભાગવતજીના ગુરૂ વૃંદાવનચંદ્રદાસજી છે. જેઓ ૪૫ વર્ષથી ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે. મે તેમની પાસેથી શિખ્યું છે કે ભગવાનનું નામ જપ કરવું એ જ જીવનનું લક્ષ્ય છે.
ભાગવતદાસજી ને પૂછ્યું કે તમે કોઈ વ્રત કે એકાદશી કરો છો? તો તેમણે જણાવ્યું હતું કે હું એકાદશી કરૂ છું જેમાં પાણી અને ફળ જ લઉં છું, અન્ન લેતો નથી. મારા પ્રિય પ્રસાદની વાત કરુ તો ભગવાનને જે ભોગ લાગે એ મારો પ્રિય પ્રસાદ છે.
ભાગવતદાસજીએ શ્રીમદ્ ભગવતગિતાનું સાત વખત સંપૂર્ણ વાંચન કર્યુ છે અને ૧૮ અધ્યાય તેમને કંઠસ્ત છે. તેમણે કહ્યું કે તેમાનો ૧૨મો અધ્યાય મને ખુબ પસંદ છે. કારણ કે તેમાં ભક્તિ યોગ છે. કારણ કે તેમાં ભગવાને કહ્યું છે કે જે મારી ભક્તિ કરે છે અને મારી સેવામાં લીન રહે છે તે મને અત્યંત પસંદ છે.
ભાગવતજીના પિતા અકામદાસજીએ જણાવ્યું હતું કે ગોવર્ધનમાં અમારો આશ્રમ છે અમારો સંપૂર્ણ પરિવાર ત્યાં રહે છે. અમે મૂળ જયપુર થી છીએ. ભાગવતજી નો જન્મ ગુરૂગ્રામામાં થયો હતો. હાલ, givegita.com નામે અમારી વેબસાઈટ છે. જેમાં અમે લોકોને નિઃશુલ્ક ગિતાના સંપૂર્ણ અધ્યાય અને પાઠ શિખવીએ છીએ. શ્રીમદ્ ભાગવત ગિતાનો પ્રચાર પ્રસાર એક માત્ર ઉદ્ેશ છે.
બાળભાગવત દાસજીએ જણાવ્યું કે ભવિષ્યમાં હુ પ્રભુપાદજી જેવો બનવા માંગુ છું તેમણે સંપૂર્ણ વિશ્વમાં પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેજ રીતે હું પણ મોટો થઈને શ્રી કૃષ્ણનો પ્રચાર-પ્રસાર કરવા માંગુ છું. તેમણે સંદેશો આપતા જણાવ્યું કે જે લોકો દેવતાઓની પૂજા કરે છે, તે દેવતાઓ માટે જન્મે છે, જે પિતૃઓની પૂજા કરે છે અને જે ભૂતો ની પૂજા કરે છે તેઓ તેના માટે જન્મે છે, જ્યારે જે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે તે ભગવાન શ્રી કૃષ્ણ માટે જન્મે છે.
ભાગવતદાસજીના નાના ભાઈ હરિઅંશ પણ શ્રી કૃષ્ણભક્તિમાં લીન છે. અકિલા ખાતે ભાગવતદાસ ભ્રહ્મચાર્ય સાથે તેમના પિતા અકામ ભક્તિદાસજી, માતા સચ્ચિદાસજી, અમનદાસજી તેમજ અશ્વિનભાઈ દેસાઈ અને ધર્મેશભાઈ મકાતી ઉપસ્થિત રહ્યા હતા
ભાગવતદાસજીને મળ્યો છે વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ
નાની ઉંમરે શ્રી કૃષ્ણ ભક્તિમાં લીન થનાર બાળ ભક્ત ભાગવતજીને વર્લ્ડ રેકોર્ડ પણ મળ્યો છે. તેમના પિતા અકામ ભક્તિદાસજી જણાવ્યું કે તેમને સૌથી યુવા ટેડેક્સ સ્પિકર તરીકે દુબઈ ખાતે લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ભાગવતજીને અર્પણ કરાયો છે. તેમણે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ત્યાં પ્રવચન આપેલું તેના માટે તેમને એવોર્ડ મળ્યો. ભાગવતદાસજી ઉપર ડોક્યુમેન્ટરી મુવી પણ બની છે. જો કે તે હજી રીલીસ થઈ નથી.
સનાતન ધર્મ જ સત્ય છે
સનાતન ધર્મ વિશે પૂછતા ભાગવતદાસ બ્રહ્મચાર્યજીએ જણાવ્યું કે આપણો ધર્મ સનાતન ધર્મ છે. જ્યારે ભગવાન ૫ હાજર વર્ષ પહેલા આવેલા ત્યારે કોઈ ધર્મ ન હતો માત્ર સનાતન ધર્મ જ હતો. એટલે ત્યારથી લઈ અત્યાર સુધી માત્ર શ્રી કૃષ્ણનું નામ જપ થાય છે. એટલે જ આજે પણ સનાતન ધર્મ છે. હું તો ભગવાનને દરરોજ જોવું છું. તસ્વીરમાં, તેમની પ્રતિમામાં, અને બધી જ જગ્યાએ ઈશ્વર છે. ભગવાન પ્રત્યેક્ષ પણ છે અને વિગ્રહમાં પણ ઈશ્વર છે. સનાતન જ સત્ય છે અને કાયમ રહેશે.
(3:32 PM IST)










