<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

સમૃધ્‍ધી ભવનની ઓફિસમાંથી રતનપરના ચંદ્રેશ અને રાજેશ ૨.૫૪ લાખના દારૂ સાથે ઝડપાયા

રાજસ્‍થાન આબુ રોડથી જથ્‍થો લાવી ‘કટીંગ' કરે એ પહેલા પકડી લેવાયા ડીસીપી રાકેશ દેસાઇની સુચનાથી પીએસઆઇ એસ. વી. ચુડાસમા, ટીમના એએસઆઇ જે. વી. ગોહિલ, એએસઆઇ હરપાલસિંહ જાડેજા સહિતનો દરોડોઃ બંને શખ્‍સની અગાઉ એટ્રોસીટી, દારૂ અને જૂગારના કેસોમાં સંડોવણી

 

 

રાજકોટ તા. ૧૨: શહેર એલસીબી ઝોન-૨ ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરી અટકાવી છે. સ્‍ટાફે ગોંડલ રોડ પર  સમળદ્ધિ ભવનમાં ઓફિસ ધરાવતાં રાજકોટના રતનપરના શખ્‍સે ભાગીદાર સાથે મળી રાજસ્‍થાન આબુ રોડ પરથી રૂા. ૨,૫૪,૦૬૪નો વિદેશી દારૂ ઓફિસમાં ઉતાર્યો હોઇ તે કટીંગ કરે એ પહેલા પોલીસ ત્રાટકી હતી અને બંનેને ઝડપી લઇ દારૂ, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨,૭૪,૦૧૪નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પીએસઆઇ એસ. વી. ચુડાસમાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે  ગોંડલ રોડ પર આવેલ સમળદ્ધિ ભવનના ચોથા માળે ઓફિસ નં. ૨૪-એ માં ચંદ્રેશ  અને રાજેશ નામના શખ્‍સો પોતાની ઓફિસમાં વિદેશી દારૂનો જથ્‍થો ઉતારીને વેચાણ કરી રહ્યા છે. તેના આધારે ટીમે દરોડો પાડતાં ઓફિસમાં બે શખ્‍સો મળ્‍યા હતાં. પુછતાછમાં પોતાના નામ ચંદ્રેશભાઈ ભરતભાઈ ભલસોડ (ઉ.વ. ૩૫, ધંધો વાયરિંગ કામ, રહે. રતનપર ગામ, ગીર ડેરીની બાજુમાં, રાજકોટ) અને રાજેશ ગણપતદાસ રામાવત (ઉ.વ.૫૦, ધંધો ડ્રાઇવિંગ, રહે. રતનપર ગામ, રાજકોટ) હોવાનું જણાવ્‍યું હતું.

ઓફિસમાં પ્રવેશ કરી તપાસ કરતા કબાટ અને સોફા પાસે કાળા તથા બ્‍લુ રંગના કુલ ૮ થેલા મળી આવ્‍યા હતા. જે ખોલીને જોતા અંદરથી ફોર સેલ ઇન રાજસ્‍થાન ઓન્‍લી માર્કાવાળી ૧૮૦ એમ.એલ.ની વિદેશી દારૂની સીલપેક ચપલા મળી આવ્‍યા હતાં.  પોલીસે રોયલ ચેલેન્‍જના ૩૩૬ ચપલા રૂ. ૧,૦૪,૮૩૨ના, એઇટ પીએમના૧૯૦ ચપલા રૂા. ૫૦,૧૬૦ના, ગ્રીનલેબલના ૧૪૪ ચપલા રૂા. ૩૮૦૧૬ના અને ઓલસીઝન્‍સના ૧૪૪ ચપલા ૪૮૩૮૪ના તથા મેકડોવેલ્‍સ નંબર વનના ૪૮ ચપલા રૂા. ૧૨૬૭૨ના મળી કુલ રૂા. ૨,૫૪,૦૬૪નો દારૂ મળ્‍યો હતો. તેમજ બે મોબાઇલ ફોન રૂા. ૨૦ હજારના પણ કબ્‍જે કરાયા હતાં.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ ચંદ્રેશ ભલસોડ વિરૂધ્‍ધ અગાઉ આજીડેમ, કુવાડવા પોલીસમાં દારૂનો એક અને એટ્રોસીટીનો એક ગુનો તથારાજેશ વિરૂધ્‍ધ ભક્‍તિનગર, એ-ડિવીઝન, તાલુકા, યુનિવર્સિટીમાં દારૂ-જૂગારના પાંચ ગુના નોંધાયા હતાં. આ બંને રાજસ્‍થાનના આબુ રોડ પરથી દારૂનો જથ્‍થો વેંચવા માટે ભરી લાવ્‍યાનું રટણ કર્યુ હતું. જો કે કટીંગ કરે એ પહેલા પોલીસ ત્રાટકી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક અને ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ જે. વી. ગોહિલ, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્‍દ્રભાઇ વાધીયા, શક્‍તિસિંહ ગોહિલ, સત્‍યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, શીવભદ્રસિંહ ગોહિલ, મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી

(2:35 PM IST)