તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 19th June 2026
સરદાર પટેલ ભવન ખાતે રવિવારે ‘સેન્ટર ફોર યોગા એકસલન્સ'નું ઉદ્દઘાટન
ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા : એક છત નીચે મળશે યોગ અને એરિયલ સ્ટુડીયો, થેરાપી સ્ટુડીયો, એરોબીક્સ - કથક, સેમી-કલાસિકલ સ્ટુડીયો, સાઉન્ડ હિલીંગ, ગર્ભ સંસ્કાર કેન્દ્ર, બાળકો માટે ફિઝીકલ લિટરસી પ્રોગ્રામની સુવિધા : સર્વ જ્ઞાતિના ભાઇ-બહેનોને લાભ લેવા અનુરોધ

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન - રાજકોટ દ્વારા આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પાવન અવસરે રાજકોટ ખાતે એક નૂતન ‘સેન્ટર ફોર યોગા એકસલન્સ' (યોગા સ્ટુડીયો)નું ઉદઘાટન કરવામાં આવનાર છે. શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિના ઉદ્દેશ્ય સાથે શરૂ થઇ રહેલા આ કેન્દ્રનો શુભારંભ તા. ર૧ રવિવારે સવારે ૯:૩૦ કલાકે શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, રાજકોટ ખાતે કરવામાં આવશે.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તેમજ ઉદ્દઘાટક તરીકે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિશ્રી પ્રો. સુકાંત કુમાર સેનાપતિજી તેમજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. આ સંસ્થામાં હવેથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી - વેરાવળ દ્વારા માન્યતા પ્રાપ્ત ‘ડિપ્લોમા ઇન યોગ'નો અભ્યાસક્રમ પણ થઇ શકશે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
આ સેન્ટરમાં ભાઇઓ, બહેનો તેમજ બાળકો માટે જુદા-જુદા સ્પેશિયલાઇઝડ સેકશન અને સ્ટુડીયો બનાવવામાં આવ્યા છે.
થેરાણી સ્ટુડીયો : અહીં રોગ આધારિત વિશેષ યોગ સત્રો ચલાવવામાં આવે છે. જેમાં વજન ઘટાડવા માટેનો સ્પેશિયલ વેટ લોસ પ્રોગ્રામ, ડાયાબીટીસ, પાચનની સમસ્યાઓ (ગટ હેલ્થ), હાઇ બ્લડપ્રેશર, હૃદયની તકલીફો, જેવી બીમારીઓ માટે ખાસ યોગ કરાવવામાં આવશે. આ ઉપરાંત સાઉન્ડ મેડીટેશન, રાગ થેરાપી, સાયક્લિક-એડવાન્સ મેડિટેશન, યોગ નિદ્રા જેવી સેવાઓ સામેલ છે. ગર્ભવતી બહેનો માટે પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી બાદના ખાસ યોગા સત્રો પણ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
યોગ/એરિયલ સ્ટુડીયો : સામાન્ય ફિટનેસ માટેના રેગ્યુલર યોગ વર્ગો ઉપરાંત પ્રોપ્સ સાથે એરિયલ યોગ અને બંજી જમ્પિંગની આધુનિક સુવિધા અહીં ઉપલબ્ધ છે. બાળકોના સર્વાંગી વિકાસ અને જિલ્લાથી લઇને ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાઓની તૈયારી માટે ખાસ યોગ વર્ગો તેમજ ૩ થી ૮ વર્ષના બાળકો માટે ‘ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ' પણ ચલાવવામાં આવે છે.
એરોબિક્સ/કથક/સેમી-કલાસિકલ સ્ટુડીયા : ફિટનેસ પ્રેમીઓ માટે બોલ, સ્ટીક, સ્ટેપર, બેલ્ટ, વોલ વર્કઆઉટ અને બોલીવુડ મ્યુઝિક સાથે એરોબિકસ અને ઝુમ્બાના વર્ગો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત શાષાીય નૃત્ય કથક (એકેડેમિક) અને સેમી-કલાસિકલ નૃત્યના વર્ગો પણ શરૂ થશે.
આ ઉપરાંત હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે અહીં ડાયેટિશિયન ગાઇડન્સ અને આયુર્વેદ કન્સલ્ટિંગની સુવિધા પણ આપવામાં આવશે.
આ સેન્ટર ખાતે દરેક પ્રવૃત્તિઓ માટે કવોલિફાઇડ અને સર્ટિફાઇડ નિષ્ણાતોની વિશાળ ટીમ કાર્યરત રહેશે. જેમાં દિપક પટેલ, અંકિત ગમઢા, ડૉ. પૂજા માકડિયા (સુતરીયા), ડૉ. ધ્રુપલ ધામી (સગપરીયા), નિરાલી દવે, કિન્નરી ચુડાસમા, સ્મિતા રાજદેવ, જીતેન મણિયાર, શ્રુતિ અસલાલીયા, આર્યદિપસિંહ જાડેજા, સંગીતા નસીત, મિતાલી મુંડીયા, બંસી સવજાની, ચાર્મી ચોટાઇ, સારંગી સોની (કનેરિયા), અંકિતા પટેલ અને નીપા ચતવાણી જેવા ઉચ્ચ ડિગ્રી ધરાવતા કોચનો સામવેશ થતો હોવાનું યાદીમાં જણાવાયું છે.
રાજકોટ શહેરના ન્યુ માયાણીનગર વિસ્તારમાં ચંદ્રેશનગર, પાણીના ટાંકાની સામે આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે આ આધુનિક યોગ સ્ટુડિયોમાં જોડાવા અને વધુ માહિતી મેળવવા માટે મો. નં. ૭૦૬૯૯ર૯ર૯પ, ૯૭ર૩૭૭૬૯૦૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.
તસ્વીરમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટના જી.એલ. રામાણી (માનદ્દ મંત્રી), મનોજભાઇ સાકરીયા (ટ્રસ્ટી ખોડલધામ ટ્રસ્ટ), રાહુલભાઇ ગીનોયા (શ્રી ખોડલધામ ટ્રસ્ટ, સંગઠન કન્વીનર), પિનલબેન સાવલીયા (એકેડેમીક કમીટી મેમ્બર, એસપીસીએફ, રાજકોટ), નયનાબેન તંતી (એકેડેમીક કમીટી મેમ્બર, એસપીસીએફ, રાજકોટ), ભાલાળા ભરવ એમ. (એકેડેમીક મેનેજર, એસપીસીએફ, રાજકોટ) નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:33 PM IST)










