તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 21st October 2026
ગિરનારની ગુફાઓથી સંતોની ગાથા સુધી... ચાર પુસ્તકોમાં ઝીલાયો ગિરનારનો અનોખો વારસો
‘ગિરનાર મહોદય', ‘ગિરનારના મર્મીઓ', ‘અહાલેક ગિરનારી', ‘બં ગિરનારી' : ચાર પુસ્તકો ‘ગિરનાર મહોદય', ‘ગિરનારના મર્મીઓ', ‘અહાલેક ગિરનારી' અને ‘બં ગિરનારી'માં ગિરનારનાં વિવિધ આયામોનું આલેખન * લેખક ડો. જીત જોબનપુત્રાના વર્ષોના વિચરણ અને સંશોધનથી ઉજાગર થઈ ગિરનારની અનેક અજાણી વિગતો *૨૭૨ અવધૂતોનાં ચરિત્રોથી માંડીને ભક્તો, સૂફીઓ અને ગિરનારની રહસ્યમય પરંપરાઓ સુધીનું વિસ્તૃત આલેખન *પ્રકૃતિ, ઇતિહાસ, આધ્યાત્મિકતા અને ગિરનારી સંતોની અજાણી પરંપરાઓનો અનોખો દસ્તાવેજ *જીત જોબનપુત્રાએ ગિરનારનાં જંગલોમાં વર્ષો સુધી ભ્રમણ કરીને એકત્રિત કરેલી દુર્લભ માહિતી, અજાણી સંતપરંપરાઓ, ભક્તો અને સૂફીઓનાં ચરિત્રો તથા સ્થાનિક વારસાની વિશેષતાઓને શબ્દોમાં કંડારી.

ગુજરાતની ધરતી પર અનેક ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક ધરોહરો આવેલી છે પરંતુ ગિરનારનું સ્થાન વિશિષ્ટ છે. જૂનાગઢની ઓળખ સમાન ગિરનાર માત્ર પર્વતમાળા નથી તે આસ્થાનું કેન્દ્ર, પ્રકૃતિનો અદ્વુત ખજાનો, ઇતિહાસનો સાક્ષી અને અનેક રહસ્યોને પોતાની અંદર સમાવીને બેઠેલો જીવંત વારસો છે. ગિરનારની વિશાળતા તેની પર્વતમાળાઓ, શિખરો, વનરાજિ, પ્રાચીન સ્થળો અને ધાર્મિક પરંપરાઓ વર્ષોથી જિજ્ઞાસુઓ, યાત્રાળુઓ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓને આકર્ષતી રહી છે. આવા ગિરનારને જુદા જુદા લ્લષ્ટિકોણથી સમજવાનો અવસર ચાર પુસ્તકોના મુખપૃષ્ઠો પરથી મળે છે. ગિરનારની ગરિમાને ડો. જીત જોબનપુત્રા એ તેમના ચાર પુસ્તકો ‘ગિરનાર મહોદય', ‘બં ગિરનારી', ‘અહાલેક ગિરનારી' અને ‘ગિરનારના મર્મીઓ' થકી ગિરનાર પ્રત્યેની જિજ્ઞાસા જગાવી છે. આ પુસ્તકોના શીર્ષકો અને મુખપૃષ્ઠો સૂચવે છે કે ગિરનારને માત્ર પર્વત તરીકે નહીં પરંતુ તેની પ્રાકૃતિક ભવ્યતા, આધ્યાત્મિક અનુભૂતિ અને વિશિષ્ટ ઓળખના વિવિધ આયામોથી જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગિરનાર જેવા વિષયને કેન્દ્રમાં રાખીને પુસ્તકસર્જન કરવું એ માત્ર સ્થળવર્ણન પૂરતું કાર્ય નથી. તેના માટે સ્થળ પ્રત્યેની આત્મીયતા, ઐતિહાસિક સંદર્ભો પ્રત્યેની જિજ્ઞાસા, પ્રકૃતિનું સૂક્ષ્મ નિરીક્ષણ અને સ્થાનિક વારસાને સમજવાની લ્લષ્ટિ જરૂરી બને છે. આ લ્લષ્ટિએ આ ચાર પુસ્તકોનો સમૂહ વાચકોને ગિરનાર વિશે વધુ જાણવાની પ્રેરણા આપે છે. આ અગાઉ ડો. જીત જોબનપુત્રાનું પુસ્તક 'ગિરનારનાં ગૂઢ રહસ્યો' પ્રગટ થયેલું. વાચકો દ્વારા તેને અપ્રતિમ આવકાર મળેલો. પ્રવીણ પ્રકાશનનાં પુસ્તકોમાં તો તે બેસ્ટ સેલર નીવડેલું. લેખક પોતે ગિરનારનાં જંગલોમાં વર્ષો સુધી ફરેલા છે અને અનેક સાધુ સંતો, ભક્તો, સૂફીઓ, મર્મીઓ, ગંજેરીઓ, ચરસીઓ, રખડુઓ અને કઠિયારાઓના પરિચયમાં આવ્યા છે. ગિરનારના અગોચર ખૂણે એકલપંડે રઝળપાટ કરી છે. આથી તેમને ગિરનારના રહસ્યમય અનુભવો થયા છે. તેમની વાતોમાં સચ્ચાઈનો રણકો છે. લેખકની વિશેષતા એ છે કે તેમણે જેવું જોયું અને જાણ્યું તેવું યથાતથ લખ્યું છે. તેમણે ક્યાંય પોતાની રીતે કલ્પનાના રંગો નથી પૂર્યા. તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તકોમાં તેમણે એવી વિગતો પ્રસ્તુત કરેલી છે કે જેની હજુ સુધી કોઈને માહિતી નથી. તેમનાં પુસ્તકોમાં નવીનતા છે, મૌલિકતા છે. દેહાણ સંતો ઉપર અને સંત કવિઓ પર તો ઝાઝું ખેડાણ થયું છે પણ ગિરનારના રૂખડિયા સંતો પર હજુ સુધી કોઈએ લખ્યું નથી ! એની વિગતો સહુ પ્રથમ જીત જોબનપુત્રાએ ઉજાગર કરી છે. તેમનાં પુસ્તકોનો સારાંશ આ પ્રમાણે છે.
૧. ‘ગિરનાર મહોદય' : ગિરનારની ભવ્યતાનું દર્શન
‘ગિરનાર મહોદય' શીર્ષક ગિરનારના મહિમા, તેની ભવ્યતા અને વિશિષ્ટતાનો સંકેત આપે છે. મુખપૃષ્ઠ પર ગિરનારની વિશાળ શિલાઓ, હરિયાળી અને પર્વતની રચનાનું અનોખું લ્લશ્ય જોવા મળે છે. પ્રકૃતિની વિવિધ રંગછટાઓ ગિરનારના સૌંદર્યને વધુ આકર્ષક બનાવે છે. ‘ગિરનાર મહોદય'માં ગિરનારની પહાડીઓ, ગુફાઓ, ઝરણાંઓ અને શિલાઓનો નામજોગ ભૌગોલિક પરિચય આપ્યો છે. ગિરનારનાં જંગલોમાં આવેલાં નાનાંમોટાં દેવસ્થાનો અને ગિરનારી સાધુઓની લાક્ષણિકતાઓ સાથે ગિરનારમાં વિકસિત પરંપરાઓનું નિદર્શન કર્યું છે. આમાં કાઠિયા ખાખચોક, ગોદડ અખાડા, સરભંગ ધૂણો, સવરા મંડપ, જૈનોની યતિ પરંપરા, બીલખા પાવૈયાનો મઠ, મચ્છુમા, કોયલા વીર, ખીમડિયાદાદા, દાડમાદાદા તથા રખાદાદા તેમજ માઈસાબમા મિસરા અને બાવાગોર વિશેષ ઉલ્લેખનીય છે. ગિરનારમાં નિકટના મિત્રોને થયેલા પારલૌકિક અનુભવોની પણ વાતો કરી છે.
પુસ્તકના લેખક જીત જોબનપુત્રા પ્રસ્તાવનામાં જણાવે છે કે, સ્કંદપુરાણના પ્રભાસખંડમાં વષાપથ ક્ષેત્ર અંતર્ગત ગિરનાર માહાત્મયનું નિરૂપણ થયું છે. તેના એક ગુજરાતી ભાષાંતરમાં પ્રત્યેક અધ્યાયના અંતિમ નામાચરણમાં આ રીતનું વર્ણન આવે છે ઇતિ શ્રી સ્કંદપુરાણે પ્રભાસષ વષાપથે શ્રી ગિરિનાર મહોદયે શ્રી ગુર્જરભાષાયાં. નામ...અધ્યાય આમ ગિરનારને મહોદય કહ્યો છે! મહોદયનો સંકીર્ણ અર્થ મહાનુભાવ કે મહાશય તે ઠીક છે પણ તેને સમજવા માટે સર્વે વિશેષણોને અતિક્રમી જવાં પડે છે. તે વિશાળ અર્થમાં ‘મહા ઉદય' એટલે કે ‘મહોદય' છે. ‘મહોદય'ની વિભાવનામાં મહાયશસ્વી ઉન્નત, સ્વામી કે મહાત્મા જેવાં સઘળાં વિશેષણો પણ ઓછાં પડે છે. ગિરનારમાં સર્વ પ્રકારનું ઐશ્વર્ય છે, આથી ગિરનાર ‘મહોદય' છે!
ગિરનારનો એક પણ ડુંગર એવો નથી કે જેના પર લેખકને જવાનું ન થયું હોય. એ પછી ઓઘડ હોય કે અનસૂયા હોય, માખણકુંડી હોય કે મહાદેવિયો હોય, કાળીધાર હોય કે કાળી-કડવાળી હોય, ગધેસંગ હોય કે ગાયત્રીનો હોય, જોગીઢોરો હોય કે જોગણિયો હોય, ભેંસલો હોય કે ભૂંડ-તળાવ હોય, રૂડિયામેડી હોય કે લાખામેડી હોય, સુતારિયો હોય કે ભંગડો હોય, સાંઢિયા-ટૂંડ હોય કે હાથીપાણો હોય. વર્ષોના વિચરણ પછી તેમણે 'ગિરનાર મહોદય'માં પ્રત્યક્ષ પ્રમાણેલી વિગતો આપવા પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રસ્તુત પુસ્તકમાં ગિરનારની વાતો અંતર્ગત ગિરનારના ભૌગોલિક પરિચયમાં પર્વતો, નદીઓ, ગુફાઓ અને શિલાઓ વિશે રૂપરેખા આપી છે. એમાં ગિરનારનો જ ભાગ ગણાતા ગીર વિસ્તારને પણ આવરી લીધો છે. સ્થાનિક નામોથી ભૌગોલિક ઓળખાણ આપી છે. એ સંભવ છે કે એનાં પ્રાચીન નામો કંઈક અલગ જ હોય. ગિરનારમાં વર્ષોથી મુમુક્ષુઓ, સાધકો, પરિવ્રાજકો અને પરમહંસો આવતા રહ્યા છે. આથી ઘણી બધી સાધુશાહી ધારાઓ વિકસિત થઈ છે. એને અનુલક્ષીને ભાતભાતના સંતો, તેમની લાક્ષણિકતાઓ અને તેમની પરંપરાઓનું આલેખન કર્યું છે. આ ઉપરાંત નિકટના પરિચિતોને ગિરનારમાં જે કેટલાક અગમ્ય અનુભવો થયા તેનું ‘ગિરનારની પારલૌકિક ઘટનાઓ'ના વિભાગમાં નિરૂપણ કર્યું છે. ગિરનારને જેવો જોયો અને જાણ્યો એ અનુસાર જ યથાતથ લેખકે લખ્યું છે.
પુસ્તકની શરુઆતમાં ગિરનાર પર આવેલ વિવિધ અલભ્ય ગુફાઓના રંગીન ફોટાઓ જોવા લાયક છે. આવા ફોટાઓ ભાગ્યેજ જોવા મળે છે. પુસ્તકમા વિભાગ એકમાં ગિરનારની વાતોનો ઉલ્લેખ કરાયો છે. જેમાં ગિરનારનો ભૌગોલિક પરિચય અને તેની પહાડીઓ, ગિરનારની ઘોડીઓ, તેનાં પ્રમુખ શિખરો વનો અને તેની શિલાઓ, ગિરનારના પાણીનાસ્ત્રેત, ગિરનારની ગુફાઓ, લક્ષ્મણ ટેકરી, દાતાર અને દક્ષિણ ગિરનારની ગુફાઓ, પૌરાણિક અને વર્તમાન દેવસ્થાનો, ખાંભીઓ અને પાળિયાઓ, હઠયોગીઓ અને વ્રતધારીઓ, જંગલનાં ભયસ્થાનો અને સાધુઓના વસવાટ, ગિરનાર ક્ષેત્રમાં સૂફી પરંપરા, બૃહદ ગિરનાર, ગીરનાં સ્થાનો અને સંતોઃ રૂપરેખા.. વગેરે ૨૪ જેટલા વિભાગોમાં દુર્લભ વાતોને લેખકે વણી લીધી છે.
જ્યારે વિભાગ ૨ માં ગિરનારની પરંપરાઓનો સમાવેશ કરાયો છે. જેમાં લક્ષ્મણટેકરીની પરંપરા અને રામકિશનદાસબાપુ, ચીપિયાવાળા બાવા અને તેની પરંપરા, મહાત્મા ગોરધનદાસ અને ઉપરકોટ રામચંદ્રજી મઠની પરંપરા, ગોપાલાચાર્ય અને ખોરાસાની પરંપરા, ગૈબાનંદજી અને પલટૂસાહેબની પરંપરા, દશનામના ઉપસંપ્રદાયો અને ગોદડ અખાડા, સ્વતંત્ર નિરંજની નીલકંઠ અખાડાની પરંપરા અને સદાશિવ મહારાજ, ગોદડિયાબાપા - રામવાડીની પરંપરા, મચ્છુમા અને જૂનાગઢનો અપૈયો, ખીમડિયાદાદા, લુપ્ત સંપ્રદાયો અને યતિ પરંપરા.. વગેરે વિવિધ પરંપરાઓનો વિગતવાર ઉલ્લેખ કરાયો છે.
આજ પુસ્તકના વિભાગ ૩ માં ગિરનારની પારલૌકીક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં દાતારના દિવ્ય સંત, ઉપલાં વાઘેશ્વરી, દાતારના જંગલમાં માર્ગદર્શન, અગોચર ઘટનાઓ, ગુપ્ત ગિરનારી મહાત્મા, સતીઆઈમા, કૃપાના અનુભવો, જોગણિયાનો અગોચર આત્મા.. વગેરે જેવી અલૌકીક ઘટનાઓનું અદભૂત વર્ણન કરાયું છે. ૩૦૪ પાનાના આ પુસ્તક ‘ગિરનાર મહોદય' માં લેખક ડો. જીત જોબનપુત્રાએ ગિરનારના ગૂઢ રહસ્યોનું દિવ્ય વર્ણન કર્યું છે.
૨. ‘ગિરનારના મર્મીઓ' (ભક્તો, સૂફીઓ અને પરિવ્રાજકો)
ગિરનારના ઊંડાણમાં રહેલી વિશેષતાઓને જાણવાની જિજ્ઞાસા રાખતા લોકોને આ પુસ્તક ‘ગિરનારના મર્મીઓ' ગિરનારના અંતરંગ, તેની વિશિષ્ટતાઓ અને તેની સાથે જોડાયેલા અજાણ્યા પાસાં વિશે વિચારવા પ્રેરે છે. ‘મર્મ' શબ્દમાં રહસ્ય, ગહનતા અને કોઈ વિષયના આંતરિક અર્થને સમજવાનો ભાવ સમાયેલો છે. ગિરનારનાં કેટલાંક પાસાં આંખે દેખાય છે જ્યારે કેટલાંકને સમજવા માટે અભ્યાસ, નિરીક્ષણ અને ઐતિહાસિક સંદર્ભોની જરૂર પડે છે. તેની પ્રાકૃતિક રચના, વન્યજીવન, પ્રાચીન અવશેષો, ધાર્મિક પરંપરાઓ અને સ્થાનિક માન્યતાઓ જેવા વિષયો ગિરનારની ઓળખને અનેક સ્તરે સમૃદ્ધ બનાવે છે. આ પુસ્તકમાં ચોક્કસ કયા મર્મો, પ્રસંગો કે સંશોધન રજૂ કરાયાં છે તે જાણવા પુસ્તકની અંદરની વિગતો જોવી જરૂરી છે. તેમ છતાં શીર્ષક ગિરનારને ઊંડાણપૂર્વક સમજવાની દિશામાં વાચકનું ધ્યાન દોરે છે.
આ પુસ્તકમાં ગિરનારમાં ભજન કરી ગયેલા ૮૪ ભક્તો, ૨૪ સૂફીઓ અને ૩૧ પરિવ્રાજકોનો પરિચય આપ્યો છે. લેખક ડો. જીત જોબનપુત્રા વર્ણનમાં પ્રામાણિક રહ્યા છે. જેવું જોયું-જાણ્યું તેવું લખ્યું છે. ભક્તોમાં છગનબાપા, જાલમસંગ જાડેજા, ધનશંકર પંડિત, નાથા ભગત, બાબુભાઈ ઠક્કર, બાબુભાઈ રાજાભાઈ, મુગટલાલ શુકલ, રસિકલાલ ભટ્ટ અને વીરમ ભગતનાં નોંધનીય ચરિત્રો છે. સૂફીઓમાં અલ્લાવાળાબાપુ, જામિયલશા દાતાર, પટેલબાપુ, પીર ભાકરશા, બસીરબાપુ, વાલી-એ-સોરઠ અને રોશનમા વિશેષ ઉલ્લેખનીય છે. પરિવ્રાજકોમાં કિનારામ અઘોરી, કૃષ્ણાત્મજજી મહારાજ, તરસેમલાલજી, બાલકનાથજી, શાંતિવિજય સૂરિશ્વરજી અને સચ્ચાબાબા ગિરનારી અંગેની વિરલ માહિતી છે.
આ પુસ્તકમાં પણ શરૂમાં દુર્લભ ફોટાઓ વાંચકને દિગ્મુઢ કરે તેવા છે. કલંદરી ગુફા, દાતાર બાપુના આભૂષણો, અનામી ગિરનારી સંત નાથજીના દર્શન, ઉપલા દાતારના પૂ. વિઠ્ઠલબાપુના અંતિમ દર્શન, અઘોરીની બેઠક સહિતના ફોટાઓ લેખકે પુસ્તકમાં પ્રસિધ્ધ કર્યા છે. લેખક જીત જોબનપુત્રા લખે છે કે, પરાપૂર્વથી ગિરનાર સંતો, ભક્તો, અવધૂતો, સૂફીઓ, નજૂમીઓ, દરવેશો અને પરમહંસ પરિવ્રાજકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. તે સાધુઓનું પિયર છે. માણસ થાકે છે, હારે છે, કંટાળે છે ત્યારે ગિરનારનું શરણ લે છે. ગિરનાર શાશ્વત છે, સનાતન છે. ગિરનારમાં સર્વને કંઈ ગમતું લાધી જાય છે. આ ‘ગમતું' છે તે જ એક રહસ્ય છે. તે સાપેક્ષ છે. પુસ્તક ગિરનારના મર્મીઓ'માં ભક્તો, સૂફીઓ અને પરિવ્રાજકોનો સમાવેશ કર્યો છે. ગિરનારના અવધૂતો વિશે બે ભાગમાં અલગ પુસ્તકો થયાં છે. લેખકે ક્યાંય પણ મનઘડંત લખ્યું નથી. જે મળ્યું છે તે યથાતથ લખવા પ્રયત્ન કર્યો છે. ગિરનારમાં નામી અનામી અનેક મહાપુરુષો અને મહાત્માઓ થઈ ગયા છે. જે વેગ પહોચ્યો તેની આ પુસ્તકમાં પ્રસ્તુતિ કરી છે.
પુસ્તકના વિભાગ ૧ ગિરનારના ભક્તો માં લેખકે ગિરનારના અનેક ભક્તો વિશે માહિતી આપી છે. જેમાં અજારામબાપુ, અરવિદબાપુ, આપા દયાળ, જર્મનબાપુ, જાલમસંગ જાડેજા, જીવુભાબાપુ, કાનજીબાપા - ચરખડી, નાથા ભગત, ગંગારામજી, ગુલાબગિરિબાપુ- ભવનાથ, પાગલાનંદજી, પાયલમાસી પાવૈયા.. સહિત અનેક ભક્તોનો ઉલ્લેખ કરાયો છે. કુલ ૮૪ ગિરનારી ભક્તોનો આ પુસ્તકમાં સમાવશ કરાયો છે. જ્યારે પુસ્તકના વિભાગ ૨ માં ગિરનારના સૂફીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ૨૩ સૂફીઓની વાતો વણી લેવાઇ છે જેમાં ઈશ્વરબાપુ દાતારી, ગફારમિયાંબાપુ, ગંજપીર, બહારઅલીશા, નિઝામશા બાવા, મસ્તાનબાપુ - વીરડાવાળા, ભુવાબાપુ, રોશનમા, હીરબાઈમા, પટેલબાપુ, જામિયલશા દાતાર અને પીરપઠ્ઠા.. સહિતનો સમાવેશ થાય છે. કોઇ કોઇ જગ્યાએ શક્ય બન્યું ત્યાં સૂફીઓના નાના ફોટો પણ મુકાયા છે. આ સૂફીઓના પરચાઓનું અહિ વર્ણન કરવામાં આવ્યું છે. પુસ્તક થકી આપણને જાણે તેમનો સાક્ષાત્કાર થયો હોય તેવો અહેસાસ થાય છે.
પુસ્તકના વિભાગ ૩ માં ગિરનારના પરિવ્રાજકોનો સમાવેશ કરાયો છે. ૩૨ પરિવ્રાજકોનું વર્ણન અહિ કરાયું છે. જેમાં કીનારામ અઘોરી, કૃષ્ણાત્મજજી મહારાજ, ગિરનારીબાપુ, પપા સ્વામી રામદાસ, પવહારી બાબા, યોગાનંદ સરસ્વતી - ગાંડા મહારાજ, યોગી રામનાથ અઘોરી, રાજા ભરથરી, શંકર મહારાજ, બાબા શ્યામગિરિ સવાઈ, શાંતિવિજયસૂરિશ્વરજી, સચ્ચાબાબા ગિરનારી અને કચ્ચાબાબા, સદ્ગુરુપ્રસાદ શરણ.. સહિતનાનો ઉલ્લેખ કરાયો છે. આ તમામ પરિવ્રાજકોએ કરેલ સાધના, મેળવેલ સિધ્ધિઓનું અહિ વર્ણન કરાયું છે. ૨૪૮ પાના ના આ દળદાર પુસ્તક અદ્વિતીય છે.
૩. ‘અહાલેક ગિરનારી' (ગિરનારના અવધૂતો ભાગ- ૧)
૪. ‘બં ગિરનારી' (ગિરનારના અવધૂતો ભાગ- ૨)
ઉપરોક્ત બંને પુસ્તકોમાં ગિરનારના સંતો અને અવધૂતોનાં ૨૭૨ ચરિત્રો આપ્યાં છે. આની વિશેષતા એ છે કે મોટાભાગના સંતોનાં જીવનચરિત્રો પ્રથમવાર જ ઉજાગર થયા છે. પ્રસ્તુત બંને ભાગોમાં અઘોરાનંદ તીર્થ, અમૃતગિરિબાપુ, ઉદાસીનબાપુ, ઓમકારગિરિબાપુ, કપાસીબાપુ, કાશ્મીરીબાપુ, કેશવાનંદબાપુ, કેસરનાથબાપુ, ચંદ્રમણિગિરિ-નાગી માતાજી, જનાર્દનદાસબાપુ, જમનાપુરીબાપુ, ડામવાળાબાપુ, તપસીબાપુ, ત્રિલોકનાથબાપુ, નેપાળીબાપુ, પહુડિયાબાપુ, બકરીબાપુ, બખડજંતરબાપુ, બનારસીદાસબાપુ, પીર ભાગીનાથજી, માધવાનંદજી, મુક્તાનંદ પરમહંસ, મૌનીબાપુ-શીલ, રાધિકાદાસબાપુ, રામફળદાસબાપુ, લક્ષ્મણગિરિજી, શંકરનાથબાપુ, શાંતાનંદ બ્રહ્મચારી, સરસ્વતીદાસબાપુ, સુદામાદાસબાપુ, હનુમાનદાસબાપુ અને હરભોલેબાપુ જેવા સિદ્ધ સંતોની અજાણી વાતોનું પહેલીવાર જ રહસ્યોદ્ધાટન થયું છે.
‘અહાલેક ગિરનારી' ( ગિરનારના અવધૂતો ભાગ- ૧) પુસ્તક 'ગિરનારના અવધૂતો'માં લેખક જીતભાઇ જોબનપુત્રાએ સંગીન માહિતી આપવા પ્રયત્ન કર્યો છે. ગિરનારમાં સંત-સાધુ-સાંઈની જેટલી ચમત્કાર કથાઓ મળે છે તેટલી ભાગ્યેજ કોઈ એક સ્થળ વિશે હશે. લેખકે અત્રે આલેખિત સંતોના જીવનમાં બનેલી કેટલીક ચમત્કારિક ઘટનાઓના સાક્ષી તેમના સેવકો બન્યા છે. તેઓએ બનાવની વિગતો આપી છે પણ તેમનાં નામ લખવાની ના પાડી છે તેથી તેવી ઘટનાઓ નામજોગ નથી આલેખી. જોકે, તેથી પ્રસંગોનું મહત્વ જરાય ઓછું નથી થતું. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે ક્યાંય મારી કલ્પના નથી ઉમેરી પણ માહિતીદાતાઓના વર્ણનને યથાતથ મૂકવા અને તેમના -વિશ્વાસુ રહેવા પ્રયત્ન કર્યો છે. આ પુસ્તક વાંચીને રહસ્યવાદીઓ અને જિજ્ઞાસુઓ ગિરનાર જશે ત્યારે નવા લ્લષ્ટિકોણથી જશે. તે સહુને ગિરનારનું પરમ તત્ત્વ અવશ્ય લાધી જશે.
પુસ્તકમાં છેલ્લા ૮ પાનામાં દુર્લભ રંગીન ફોટાઓમાં મહાત્માઓ, સાધુઓના દર્શનનો લ્હાવો મળે છે. સમગ્ર પુસ્તકમાં ૧૩૬ મહાત્માઓની માહિતી, પરચાઓ અપાયા છે. કેટલાક મહાત્માઓના નાના ફોટા પણ દર્શનીય છે. ૩૩૬ પાનાનું આ પુસ્તક ગિરનારના અવધૂતોનો સાક્ષાત્કાર કરાવી જાય છે.
જ્યારે ‘બં ગિરનારી' (ગિરનારના અવધૂતો ભાગ- ૨) પુસ્તકમાં લેખક જીતભાઇ જોબનપુત્રાએ અન્ય ૧૩૬ અવધૂતો, સંતો, માતાજીઓનો પરિચય ૩૦૪ પાનામાં આવરી લીધો છે. તેઓ લખે છે કે, પ્રસ્તુત પુસ્તક 'બં ગિરનારી' એ ગિરનારના અવધૂતોનો ભાગ બીજો છે. આમાં ૧૩૬ સંતોનો નાનો-મોટો પરિચય આપ્યો છે. પુસ્તક 'અહાલેક ગિરનારી' ભાગ- ૧માં પણ ૧૩૬ ગિરનારી સંતોનો પરિચય આપવામાં આવ્યો છે. હવે પછી આપ કોઈને ગિરનારની યાત્રાએ જવાનું થાય તો 'અહાલેક ગિરનારી' તથા 'બં ગિરનારી'નો ઉદ્ધોષ અવશ્ય કરજો. આથી સૂક્ષ્મ રૂપે વિહરતા નામી અનામી અનેક પુણ્યશ્લોક ગિરનારી સંતોની કૃપા પ્રાપ્ત થશે. ગિરનારી મહારાજના સ્મરણ માત્રથી પાપો ટળી જાય છે.
ગિરનારની વિશેષતા એ છે કે અહીં પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજાથી અલગ નથી. પર્વતની શિલાઓ, વનરાજિ, ઊંચાં શિખરો અને વિશાળ પર્વતમાળા તેની પ્રાકૃતિક ઓળખ ઊભી કરે છે જ્યારે પ્રાચીન ધાર્મિક સ્થળો, યાત્રામાર્ગો અને પરંપરાઓ તેને સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક મહત્ત્વ આપે છે. આ ચાર પુસ્તકોનાં મુખપૃષ્ઠો ગિરનારના જુદા જુદા લ્લશ્યો રજૂ કરે છે અને તેમનાં શીર્ષકો વાચકને અલગ અલગ દિશામાં વિચારવા પ્રેરે છે. એક તરફ ગિરનારની ભવ્યતા, બીજી તરફ તેની વિશિષ્ટ ઓળખ, ત્રીજી તરફ લોકપરંપરા અને ચોથી તરફ તેના મર્મને જાણવાની જિજ્ઞાસા આ બધું મળીને ગિરનાર પ્રત્યેનું આકર્ષણ વધારે છે. ગિરનારને સમજવો એટલે ગુજરાતની એક મહત્ત્વપૂર્ણ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ધરોહરને નજીકથી ઓળખવી. લેખક જીત જોબનપુત્રાએ ચાર પુસ્તકો થકી ગિરનારને જીવ્યો છે. ગિરનાર વિશેનું લેખન નવી પેઢીને પોતાના વારસા સાથે જોડવામાં, પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા કેળવવામાં અને સાધુ, મહાત્માઓના ઇતિહાસ વિશે જિજ્ઞાસા જગાવવામાં ઉપયોગી બની રહેશે. ‘ગિરનાર મહોદય', ‘બં ગિરનારી', ‘અહાલેક ગિરનારી' અને ‘ગિરનારના મર્મીઓ' આ ચારેય પુસ્તકોનાં નામો ગિરનારને જાણવાની અને સમજવાની પ્રેરણા આપે છે. ગિરનારપ્રેમીઓ વાંચકો માટે આ પુસ્તકોની અંદરની સામગ્રી ખરેખર જાણવા અને માણવા જેવી છે.
લેખક જીત જોબનપુત્રાનો પરિચય
જીત જોબનપુત્રાનો જન્મ ગોંડલ તાલુકાના આંબરડી ગામે થયો હતો. અભ્યાસ અર્થે તેઓ નાનપણથી જ જૂનાગઢ આવી ગયા હતા. ફિલોસોફીમાં પ્રથમ વર્ગ સાથે અનુસ્નાતક થઈ તેમણે ‘શૈવ અને શાક્ત મતોની સાધના ધારા અને તેની તાત્ત્િવક મીમાંસા' પર પીએચ.ડી. કર્યું. સ્ટેટ બેંકમાં ઑફિસર તરીકે ઘણાં ગામોમાં ફર્યા. ઈ.સ. ૨૦૧૬માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને જૂનાગઢને જ પોતાની કર્મભૂમિ બનાવી. મૂલતઃ અજ્ઞેયવાદી પણ ગિરનારમાં આડેધડ રખડપટ્ટીથી રહસ્યવાદના પાયા નંખાયા. ગિરનારનાં ગહન જંગલોના પરિભ્રમણથી કેટલાક અગોચર અનુભવો થયા. કેવળ તર્કથી જ મૂલ્યાંકન ન થાય તેવી ઇન્દ્રિયાતીત શક્તિઓથી ગિરનાર સભર છે એવી માન્યતા લ્લઢીભૂત થઈ. રહસ્યવાદ પ્રત્યેના લગાવને કારણે અપૂજ દેવાલયો, ધૂણાઓ, સંતોનાં આસનો અને ગુફાઓ વિશે જાણવાનો શોખ વિકસ્યો. ગિરનાર સિવાય પણ ગીરની ટેકરીઓ, બરડો, ઓસમ, ઇત્યાદિ, સ્થાનિક ડુંગરોમાં બહુ ભ્રમણ કર્યું. હિમાલયમાં અમરનાથ, ચાર ધામ અને કૈલાસ-માનસરોવરની યાત્રાઓ પણ કરી.
નિબંધ વિચરણના સંસ્મરણો રૂપે તેમનાં ગિરનાર વિષયક પાંચ પુસ્તકો -‘ગિરનારનાં ગૂઢ રહસ્યો', ‘ગિરનાર મહોદય', 'ગિરનારના મર્મીઓ', 'અહાલેક ગિરનારી' (ગિરનારના અવધૂતો ભાગ-૧) અને ‘બં ગિરનારી' (ગિરનારના અવધૂતો ભાગ-૨) પ્રગટ થયાં. તેમની વાતોમાં સચ્ચાઈનો રણકો છે. એમનાં જિજ્ઞાસા, ઉત્સાહ અને ઉમંગ તો એવાં કે પોતે ગિરનાર ચડીને આવ્યા હોય અને કોઈ ગિરનારની અજાણ ગુફા વિશે વાત કરે તો તેઓ તુરંત પાછા એ જ ઘડીએ ગિરનાર જવા નીકળી પડે! તેઓ સાચા અર્થમાં 'ગિરનાર પુરુષ' છે. તેમને સતત નવું નવું જાણવું ગમે છે. ‘જોઈ લેવું, જાણી લેવું' એ તેમનું માનીતું સૂત્ર છે.
જીતભાઈ ગિરનારને
જીવ્યા છેઃ નરોત્તમ પલાણ
ચારેય પુસ્તકો અંગેની પ્રસ્તાવનામાં વિદ્વાન લેખક, ઇતિહાસકાર અને પુરાતત્ત્વવિદ શ્રી નરોત્તમ પલાણ નોંધે છે કે, આ પ્રકાશનની જે મજા છે તે ભિન્ન ભિન્ન ગૂઢ અને વૈદકીય અનુભવો, જે તે જગ્યા કે સાધુઓના લોકાચારો જેમ કે, પાવૈયા વિધિ કે દાતારની સંદલની વિધિ. દાતારના ભંડારામાં નવનાથના પ્રતીક સમા નવ ચીપિયા છે. ગિરનાર સંબંધી આ પહેલું પ્રકાશન છે, જેમાં ગિરનાર તળેટીનો નિરંજની નીલકંઠ અખાડો, એનો કાળનિર્ણય અને મૂળ, સરભંગ ધૂણો, સેવાદાસબાપુની જગ્યા જેમાં જૂનાગઢના નવાબે સાધુઓને રહેવા માટે બોગદાં બનાવી દીધાં છે. જોગણિયા ડુંગરની સંત પરંપરા અને ગોપાલનાથથી શરૂ થયેલી સવરામંડપની પરંપરા, જગમાલ ચોકના જૈન ગોરજી, વેલાવડના રૂખડબાવા, તેમજ ભરડાવાવના પાયલમાસી, અર્વાચીન કાળના સિધી સંત લીલાશાહના હનુમાન, તથા કુતિયાણાના ભૈરવગર જેવી અનેકવિધ માહિતીનો આ ભંડાર છે. એક ટેકરી પર એકલા રહેતા સાધુ વહેલે પરોઢિયે મોટા અવાજે 'કીડીક કીડીક બં' એમ બોલ્યા કરતા. કહેતા 'ક્યા જાતપાત ?' ભગવાનને મનફાવે તેવા મંત્રથી પોકારો 'કીડીક કીડીક બં' આ છે ગિરનારનો મૌલિક સાધુ ! કહો કે આખો ગિરનાર મૌલિક છે. એમ લાગે છે કે જીતભાઈ દ્વારા અહીં જે ગિરનાર ખૂલે છે તે તો નિઃશંક અદ્વિતીય છે. જીતભાઈ ગિરનારને જીવ્યા છે અને અહીં ગિરનારને ખોંખારો ખાઈને ઊભો થતો આલેખી શક્યા છે.
(૧) ગિરનાર મહોદય (૨) ગિરનારના મર્મીઓ (૩) અહાલેક ગિરનારી અને (૪) બં ગિરનારી... આ ચારેય પુસ્તકના લેખક ડો. જીત જોબનપુત્રા છે.
પ્રકાશક અને વિતરકઃ મનસ બળવંતભાઈ જોબનપુત્રા 'ગીત', શક્તિપાર્ક સોસાયટી, ઝાંઝરડા રોડ, જૂનાગઢ - ૩૬૨૦૦૧. મો.નં. ૯૯૯૮૨૨૮૨૯૮, ઇ-મેલ [email protected]
બં ગિરનારી'
આવૃતિ પ્રથમ : ૨૬ માર્ચ, ૨૦૨૬ (રામનવમી)
મૂલ્યઃ રૂ. ૪૦૦
મુદ્રકઃ કાવ્ય પ્રિન્ટર્સ, ૧/બી, શિવ એસ્ટેટ, સીટીએમ, અમદાવાદ- ૩૮૦૦૨૬
સર્વાધિકાર સુરક્ષિતઃ શ્રીમતી મીના જોબનપુત્રા
‘ આહલેક ગિરનારી'
આવૃતિ પ્રથમ :૨૬ માર્ચ, ૨૦૨૬ (રામનવમી)
મૂલ્યઃ રૂ. ૪૫૦
મુદ્રકઃ કાવ્ય પ્રિન્ટર્સ, ૧/બી, શિવ એસ્ટેટ, સીટીએમ, અમદાવાદ- ૩૮૦૦૨૬
સર્વાધિકાર સુરક્ષિતઃ શ્રીમતી મીના જોબનપુત્રા
ગિરનારના મર્મીઓ
આવૃતિ પ્રથમઃ ૨૬ માર્ચ, ૨૦૨૬ (રામનવમી)
ટાઇપીંગ અને મુખપૃષ્ઠ સજાવટઃ મિતેશ પટેલ
મૂલ્યઃ રૂ. ૩૫૦
મુદ્રકઃ કાવ્ય પ્રિન્ટર્સ, ૧/બી, શિવ એસ્ટેટ, સીટીએમ, અમદાવાદ- ૩૮૦૦૨૬
સર્વાધિકાર સુરક્ષિતઃ શ્રીમતી મીના જોબનપુત્રા
ગિરનારના મહોદય
આવૃતિ પ્રથમઃ ૨૬ માર્ચ, ૨૦૨૬ (રામનવમી)
ટાઇપીંગ અને મુખપૃષ્ઠ સજાવટઃ મિતેશ પટેલ
મૂલ્યઃ રૂ. ૪૦૦
મુદ્રકઃ કાવ્ય પ્રિન્ટર્સ, ૧/બી, શિવ એસ્ટેટ, સીટીએમ, અમદાવાદ- ૩૮૦૦૨૬
સર્વાધિકાર સુરક્ષિતઃ શ્રીમતી મીના જોબનપુત્રા
લેખક : જીત જોબનપુત્રા (૯૪૨૭૫૬૯૬૪૭)
(2:41 PM IST)










