<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ગાડીમાં પંચર પડયું છે, મદદે આવો...ફોન આવતાં ગયેલા મેહુલને લીમડે બાંધી ધોકાવ્‍યો

વિંછીયાના મોઢુકાનો બનાવઃ યુવાન રાજકોટ સારવાર હેઠળ મેહુલનો મિત્ર એક છોકરીને ભગાડી ગયો હોઇ તેની માહિતી કઢાવવા માટે બોલાવીને મુન્‍ના, મનસુખ, રતુએ પહેલા જંગલ વિસ્‍તારમાં ઢીકાપાટા માર્યા, પછી વાડીએ લઇ જઇ બાંધીને માર માર્યોઃ છેલ્લે મેદાનમાં છોડી મુક્‍યો

રાજકોટ તા. ૨૨: વિંછયા તાબેના મોઢુકા ગામે રહેતાં યુવાનનો મિત્ર ગામની એક છોકરીને ભગાડી ગયો હોઇ આ મિત્રની માહિતી મેળવવા છોકરીના સગાએ આ યુવાનને ખોટો ફોન કરી જંગલ વિસ્‍તારમાં ગાડીમાં પંચર પડી ગયું છે, પાના પક્કડ લઇને મદદ માટે આવો તેમ કહેતાં આ યુવાન મદદ માટે જતાં તેને ત્રણ જણાએ ઢીકાપાટુનો માર માર્યા બાદ નજીકના જનડા કંધેવાડીયા ગામે વાડીએ લઇ જઇ લીમડાના ઝાડ સાથે રાંઢવાથી બાંધી બેફામ ધોલધપાટ કરી બાદમાં એક મેદાનમાં છોડી મુકતાં તે સારવાર માટે રાજકોટ દાખલ થયો છે.

જાણવા મળ્‍યા મુજબ મોઢુકા ગામે રહેતાં મેહુલ સામતભાઇ શિયાળ (ઉ.વ.૨૨) નામના યુવાનને ગઇકાલે બપોરે ત્રણેક વાગ્‍યે જનડા કંધેવાડીયા ગામ પાસે જંગલ વિસ્‍તારમાં અને વાડીમાં એમ બે જગ્‍યાએ મુન્‍નો, મનસુખ, રતુ સહિતનાએ ઢીકાપાટુ અને ધોકાથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ થતાં હોીસ્‍પટલ ચોકીના સ્‍ટાફે વિંછીયા પોલીસને જાણ કરી હતી.

મેહુલ ચાર ભાઇ અને બે બહેનમાં નાનો છે અને અપરિણીત છે. તે પિતાને ખેતી કામમાં મદદરૂપ થાય છે. મેહુલે જણાવ્‍યું હતું કે મારો એક ભાઇબંધ ગોૈતમ ગામની એક છોકરીને ભગાડી ગયો છે. આ ભાઇબંધ વિશે મારી પાસે માહિતી છે તેવુ માનીને છોકરીના સગામાં થતાં મુન્‍નાએ મને મનસુખ મારફત ફોન કરાવ્‍યો હતો. મનસુખે ફોન કરી કહ્યું હતું કે તમારા પરિચીત મુન્‍નાભાઇએ નંબર દીધો છે, અમારી ગાડીમાં જંગલ વિસ્‍તારમાં પંચર પડયું છે, અમારે મદદની જરૂર છે. તમે પાના પક્‍કડ લઇને આવો.

હું મુન્‍નાભાઇએ ઓળખતો હોઉ અને તેના નામે ફોન આવ્‍યો હોઇ હું મદદ કરવા માટે જંગલ વિસ્‍તારમાં ગયો હતો. ત્‍યારે ત્‍યાં મુન્‍નાભાઇ પોતે તેમજ તેની સાથે મનસુખ અને રતુ હતાં. આ ત્રણેયએ મને ગોૈતમ વિશે માહિતી આપવાનું કહેતાં હું જાણતો નથી તેમ જણાવતાં ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં ત્‍યાંથી મને જનડા કંધેવાડીયાની વાડીએ લઇ જઇ લીમડાના ઝાડમાં રાંઢવાથી બાંધી ફરીથી માર માર્યો હતો. છેલ્લે અમારા ગામ નજીક ટુર્નામેન્‍ટના મેદાનમાં મને છોડીને ભાગી ગયા હતાં. મેહુલની આ વાતને આધારે પોલીસે ખરેખર શું બન્‍યું? તેની તપાસ હાથ ધરી છે.

(11:46 AM IST)