<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

રાજકોટ મનપા ચૂંટણીમાં ઉમેદવારોના અબજોના આંધણ : સત્તાના સંગ્રામમાં કરોડપતિ મેદાને : સોગંદનામામાં સંપત્તિના આંકડા જોઈને મતદારો સ્તબ્ધ

ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા 40 કરોડ સાથે મોખરે : કોંગ્રેસના નયનાબા જાડેજા અને 'આપ' ના શિવલાલ બારસિયા પણ રેસમાં : કિલોગ્રામમાં સોનું અને લક્ઝરી કારના કાફલા ધરાવતા નેતાઓની જંગ!

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાર જંગ પૂર્વે જ ઉમેદવારોના સોગંદનામાએ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાડી છે. રાજકીય પ્રતિષ્ઠાની સાથે સાથે હવે સંપત્તિનું પ્રદર્શન પણ ખુલ્લેઆમ સામે આવ્યું છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના માંધાતાઓએ પોતાની મિલકતોના આંકડા જાહેર કર્યા છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલી વિગતો મુજબ, રાજકોટના રાજકારણમાં આ વખતે માત્ર મતોની જ નહીં પરંતુ મિલકતોની પણ મોટી ટક્કર જોવા મળી રહી છે, જેમાં અનેક ઉમેદવારો પાસે અઢળક સંપત્તિ, જમીનો અને કિંમતી ઝવેરાત હોવાનું સપાટી પર આવ્યું છે.

 

નરેન્દ્રસિંહ જાડેજા સૌથી શ્રીમંત, નયનાબા પાસે પણ કરોડોની સંપત્તિ:

વોર્ડ નંબર 3 ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા 40 કરોડની કુલ સંપત્તિ સાથે સૌથી ધનવાન ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. તેમની પાસે જમીન અને પ્લોટનો મોટો જથ્થો છે. બીજી તરફ, વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ઉમેદવાર અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ 17 કરોડની મિલકત જાહેર કરી છે, જેમાં 11 કરોડનો દ્વારકાનો પ્લોટ અને ભાઈ સાથે જોઈન્ટ એકાઉન્ટમાં 5.75 કરોડની એફડીનો સમાવેશ થાય છે.

 

સોનાના શોખીન અને લક્ઝરી વાહનોના માલિકો:

વોર્ડ નંબર 15 ના ઉમેદવાર વશરામ સાગઠીયા પાસે સૌથી વધુ 2 કિલો 400 ગ્રામ સોનું હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેમની કુલ મિલકત 1.60 કરોડ છે. વોર્ડ નંબર 14 ના ઉમેદવાર હિરેન ખીમાણીયા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી 12 ટ્રક અને 4 લક્ઝરી કાર ધરાવે છે, તેમની કુલ મિલકત 21.38 કરોડ છે. કોંગ્રેસના હિતેન્દ્રસિંહ ચુડાસમા પણ 5 કાર અને 2.36 કરોડની સંપત્તિના માલિક છે.

 

આપ અને અન્ય કરોડપતિ ઉમેદવારો:

આમ આદમી પાર્ટીના સૌથી ધનિક ઉમેદવાર શિવલાલ બારસિયા છે, જેમની પાસે 17.76 કરોડથી વધુની જમીન અને મિલકતો છે. આ ઉપરાંત, ઘનશ્યામ હેરભાએ 16.83 કરોડ, અતુલ રાજાણીએ 8.58 કરોડ અને પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ પાસે 1.52 કરોડની મિલકત હોવાનું જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ઘનશ્યામ હેરભા, ડો. પ્રદિપ ડવ અને અતુલ રાજાણી સામે ભૂતકાળમાં નોંધાયેલા ગુનાહિત કેસોનો ઉલ્લેખ પણ સોગંદનામામાં કરવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ અને માલેતુજાર ઉમેદવારો હવે પ્રચાર મેદાનમાં પોતાની શક્તિ પ્રદર્શિત કરવા માટે સજ્જ થયા છે.

(10:05 PM IST)