News of Monday, 6th July 2026
કેનેડાના શેર બજાર અને ક્રિપ્ટોમાં રોકાણ પર ડબલના નામે ૧ કરોડ ખાઇ જવાતાં યુવાન મરવા મજબૂર થયો
કોઠારીયા રોલેક્ષ રોડ પર વિરાણી રેસીડેન્સીમાં રહેતાં યુવાને ગયા મહિને આપઘાત કર્યો હતો તેમાં ચોંકાવનારી વિગતો ખુલીઃ મકાનના ભાડૂઆત યશે મિત્રતા કેળવી માતા જોશનાબેન સાથે મળી હિતેષ બારસીતાને લાલચ આપી નાણા ઉસેડી લીધા હતાં : ૧૬૩ ગ્રામ સોનુ ગિરવે મુકી, કાર પર લોન લઇ, મિત્રો, સાસરિયા પક્ષ પાસેથી ઉછીના લઇને, ફાયનાન્સ કંપનીઓમાંથી લોન લઇને હિતેષે નાણા આપી દીધાઃ આપઘાત કરી લેનારા હિતેષના મોટા ભાઇ ધર્મેશભાઇ બારસીતા-પટેલની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે મુળ કોટડા સાંગાણીના યશ લુણાગરીયા અને તેના માતા જોશનાબેન ધીરૂભાઇ લુણાગરીયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી : હિતેષે શરૂઆતમાં ૧ લાખ આપ્યા તે મોટા ભાઇને ખબર પડી જતાં પાછા લઇ લીધાઃ પણ ફરીથી તેને એવો લલચાવ્યો કે ૧ કરોડ આપી દીધા

રાજકોટ તા. ૬: શેર બજાર, આઇપીઓમાં રોકાણ કરવાથી ટુંકા ગાળામાં મોટો નફો મળશે તેવી લાલચ આપી લોકોને છેતરી લેવાના કિસ્સા અવાર-નવાર પોલીસ ચોપડે ચડે છ.ે દરમિયાન શહેરમાં આવી જ રીતે એક યુવાનને તેના જ મકાનમાં નીચેના માળે ભાડેથી રહેતાં મા-દિકરાએ મળી કેનેડાની શેર બજારમાં અને ક્રિપ્ટોમાં રોકાણ પર મોટુ વ ળતર મળશે તેમ કહી ૧ કરોડ રૂપિયા ઉસેડી લીધા હતાં. રોકાણ કરનારા યુવાને વારંવાર પોતાના રૂપિયા પાછા માંગવા છતાં તેને પરત નહિ અપાતાં તેણે આપઘાત કરી લીધો હતો. પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ભાગી ગયેલા મુળ કોટડા સાંગાણીના મા-દિકરાને શોધવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં કોઠારીયા રોલેક્ષ રોડ સરદાર ચોક વિરાણી રેસીડેન્સી-૨, મિલન પાઉભાજી સામે રહેતાં ધર્મેશભાઇ વલ્લભભાઇ બારસીતા (ઉ.વ.૩૩) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી તેના જ ભાડુઆત મુળ કોટડાસાંગાણીના યશ ધીરૂભાઇ લુણાગરીયા અને જોશનાબેન ધીરૂભાઇ લુણાગરીયા સામે બીએનએસની કલમ ૧૦૮, ૩૧૮ (૪), ૩ (૫) મુજબ ધર્મેશભાઇના નાના ભાઇ હિતેષભાઇ બારસીતા (ઉ.વ.૩૦) પાસેથી રોકાણના નામે ૧ કરોડ મેળવી લઇ પાછા ન આપી હિતેષને મરી જવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કર્યો છે.
ધર્મેશભાઇએ ફરિયામદાં જણાવ્યું છે કે હું બે ભાઇમાં નાનો છું, અમે બંને ભાઇઓ પરીણીત છીએ. અમારે માતા મનિષાબેનના નામનું ત્રણ માળનું મકાન છે. તેમાં નીચેના માળનું મકાન યશ અને તેના માતા જોશનાબેન લુણાગરીયાને ત્રણેક વર્ષથી ભાડેથી આપ્યું હતું. ધર્મેશભાઈના નાના ભાઈ હિતેશભાઈ સાથે ભાડૂઆત યશને મિત્રતા જેવો સંબંધ બંધાયો હતો. આશરે દોઢેક વર્ષ પહેલાં યશ અને તેની માતા જોસનાબેને હિતેશને લાલચ આપી હતી કે જો તેઓ કેનેડાની શેરબજારમાં તેમજ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરશે તો ખૂબ જ મોટું વળતર મળશે. શરૂઆતમાં હિતેશે રૂ. ૧ લાખ આપ્યા હતાં. આ અંગે ે ધર્મેશભાઈને જાણ થતાં તેમણે પરત મેળવી લીધા હતા.
પણ ત્યારબાદ આરોપીઓએ હિતેશને અંધારામાં રાખી ઊંચા વળતરની મોટી-મોટી લાલચો આપી અલગ-અલગ તબક્કે લાખો રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. આરોપી યશ અને તેની માતાએ હિતેશભાઈને પોતાની માયાજાળમાં એવા ફસાવ્યા કે હિતેશે પોતાના ઘરના ૧૬૩ ગ્રામ સોનાના દાગીના અલગ-અલગ ફાઈનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકી દીધા હતા. આ ઉપરાંત પોતાની ટાટા કાર પણ ગીરવે મુકી દીધી હતી તેમજ મિત્રો અને સાસરીયા પક્ષમાંથી પણ ઉછીના નાણાં લાવીને આરોપીઓને આપ્યા હતા.
આ ઉપરાંત યશે હિતેષભાઇ પાસે બેંક ઓફ બરોડા, પુનાવાલા ફિનકોર્પ અને ક્રિસ્ત ફાઈનાન્સ જેવી અલગ-અલગ કંપનીઓમાંથી પર્સનલ લોન લેવડાવી હતી અને ઘરના અન્ય ૩૪ ગ્રામ સોનાના દાગીના પણ શિવશક્તિ ફાઈનાન્સમાં ગીરવે મુકાવી દીધા હતા. આમ આરોપી માતા-પુત્રએ હિતેશભાઈ પાસેથી ઓનલાઈન પેમેન્ટ, કયુઆર કોડ અને રોકડા સ્વરૂપે કુલ રૂ. ૧ કરોડ જેવી માતબર રકમ પડાવી લીધી હતી.જ્યારે હિતેશભાઈએ વળતર અને પોતાની મુળ રકમ પરત માંગવાનું શરૂ કર્યું ત્યારે યશ અને તેના માતાએ વાયદાઓ આપવાનું શરૂ કર્યુ હતું. આરોપીઓ અવારનવાર કહેતા કે-રૂપિયા હમણાં ડબલ થઈ જશે તેમ કહી વધુ રોકાણ કરાવતા ગયા હતાં. છેલ્લે જ્યારે હિતેશભાઈ આર્થિક ભીંસમાં આવી ગયા અને પોતાના નાણાંની આકરી ઉઘરાણી કરી ત્યારે પણ યશ અને તેની માતા જોસનાબેને રૂપિયા આપ્યા નહોતાં. અવાર-નવાર હિતેષભાઇએ તેના પત્નિ મોસમીબેનને કહ્યું હતું કે-આ લોકોને મને ત્રાસ છે, હું હવે આમાંથી નીકળી કે જીવી શકું તેમ નથી.
અંતે ગત તારીખ ૦૯/૦૬ના રોજ સવારે હિતેશભાઈ પોતાના બેડરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમણે કોઈ ઝેરી પદાર્થ પી લીધો હોવાનું જણાતા પરિવારજનો તેમને તાત્કાલિક પ્રથમ નક્ષત્ર હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે લેન્ડમાર્ક હોસ્પિટલ, રાજકોટ ખાતે લઈ ગયા હતા. આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર દરમિયાન હિતેશભાઈ થોડા ભાનમાં આવતા પોતાનું ઓક્સિજન માસ્ક હટાવી મોટા ભાઈ ધર્મેશભાઈને જણાવ્યું હતું ક-આપણા નીચે ભાડે રહેતા યશ અને તેના મમ્મીના ત્રાસથી મેં આ પગલું ભર્યું છે. આ પછી સારવાર દરમિયાન તારીખ ૧૪/૦૬ના રોજ હિતેશભાઈનું કરૂણ મોત નીપજ્યું હતું.
ધર્મેશભાઈ બારસીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે પરિવાર શોકમાં ડૂબેલો હોવાથી અને હિતેશભાઇના પત્નિ મોસમીબેનની સ્થિતિ ફરિયાદ લખાવવાની ન હોવાથી આ ફરિયાદ મોડી નોંધાવવામાં આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એચ. એન. પટેલની રાહબરીમાં હેઠળ પીએસઆઇ એમ.જે.વરૂએ યશ લુણાગરીયા અને તેના માતા જોશનાબેન લુણાગરીયા વિરૂધ્ધ વિશ્વાસઘાત અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:47 PM IST)










