<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

પડધરી તાલુકા પંચાયતની થોળીયાળીની બેઠકની પેટા ચૂટણીઃ ત્રિપાંખીયો જંગ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૩૦ :.. સ્‍થાનીક સ્‍વરાજની ચૂંટણી એપ્રિલ ર૦ર૬ માં યોજાયેલ જેમાં પડધરી તાલુકા પંચાયતની ૧૬ બેઠકો પૈકી ૧ર બેઠકો પર ભાજપ વિજય વાવટો લહેરાવી, સ્‍પષ્‍ટ જનાદેશથી પડધરી તાલુકા પંચાયતમાં ફરીથી સત્તા હાંસલ કરેલ, જયારે ૪ બેઠકો પર કોંગ્રેસ વિજેતા થયેલ. જેમાંની ૧૪ થોળીયાળીની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કલ્‍પેશભાઇ છગનભાઇ પીપરીયા માત્ર ૩ર મતની નજીવી સરસાઇથી વિજેતા થયેલ. જેનું ટૂંકા સમય ગાળામાં જ હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયેલ. જેથી ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી, યોજાય રહેલ છે.

જેમાં તા. ૧૧-૧૦-ર૬ ના મતદાન સવારના ૭ થી સાંજના ૬ વાગ્‍યા સુધી, અને મતગણતરી તા. ૧૩-૧૦-ર૦ર૬ ના થશે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો સમય પુરો થતા, ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવાર એમ ત્રણ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ યોજાશે.

ભાજના ઉમેદવાર મહેશભાઇ દેવજીભાઇ પીપળીયાએ ગાજતે વાજતે ઉમેદવારી ફોર્મ મામલતદારને રજૂ કરેલ. જેમાં ધારાસભ્‍ય દુર્લભજીભાઇ દેથરીયા, જીલ્લા પંચાયત સદસ્‍ય પ્રતિનિધિ ભવ્‍યરાજસિંહ જાડેજા, પડધરી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મનસુખભાઇ ભંડેરી, ઉપપ્રમુખ અજીતભાઇ ડોડીયા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ નીલેશભાઇ ડોડીયા, તરશીભાઇ તાલપરા, છગનભાઇ વાંસજાળીયા, શૈલેષભાઇ ગજેરા, રાજૂભાઇ બાંભવા, વિક્રમભાઇ રાઠોડ, રોહીતભાઇ ચાવડા, સહિત મોટી  સંખ્‍યામાં આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્‍થિત રહેલ.

કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઇ ગોપાભાઇ શિંગાળાએ ઉમેદવારી ફોર્મ મામલતદારને રજૂ કરેલ. જેમાં પડધરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચતુરસિંહ જાડેજા, શૈલેષભાઇ કપુરીયા, ઘનશ્‍યામસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા, સુરેશભાઇ લોખિલ, ભરતભાઇ તળપદા, પરસોતમભાઇ લુણાગરીયા, શાંતિલાલ બોડા, ધીરૂભાઇ  તળપદા સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહેલ.

જયારે અપક્ષ ઉમેદવાર સુરેશભાઇ નારણભાઇ પારીયાએ મામલતદારને ઉમેદવારી પત્ર રજૂ કરેલ.  આમ આ બેઠક પર ત્રિપાંખીયા જંગ યોજાશે.

પડધરી તાલુકાના એક સર્વમાન્‍ય સહકારી અને રાજકીય પીઢ આગેવાનના જણાવ્‍યા અનુસાર, અત્‍યાર સુધીમાં એક જ વખત ભાજપ આ બેઠક પર વિજય થયેલ છે. જો કે આ બેઠકની હાર કે જીત પર તાલુકા પંચાયતમાં સત્તા સ્‍થાને રહેલ.  ભાજપને અસર કરતા નથી. પરંતુ બન્ને રાજકીય પાર્ટી આ પ્રતિષ્‍ઠા ભર્યા ચૂંટણી જંગમાં છે.

કોંગ્રેસ પક્ષ આ બેઠક પર ફરી જીત મેળવી મળવી રાખવા માંગે છે. ત્‍યારે ભાજપ દ્વારા આ બેઠક પર જીત મેળવી., વિજય વિશસ સાથે પડધરી તાલુકા ભાજપ સંગઠન, દ્વારા ‘એડીચોટીનું જોર' લગાવી રહેલ છે.

(12:30 PM IST)