તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
રમતાં રમતાં છોકરાઓએ કપાસ સળગાવ્યોઃ ભડકાથી દાઝી જતાં ૪ વર્ષના ગણેશનું મોત
અમરેલીના ગરીયા ગામનો બનાવઃ બાળકે સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૫: બાળકો રમત રમતમાં ઘણીવાર મુશ્કેલી ઉભી કરી લેતાં હોય છે. વધુ એક આવી ઘટના બની હતી. જેમાં વાડીએ અલગ અલગ મજૂરોના બાળકો રમતાં હતાં તે પૈકી કોઇ છોકરાએ કપાસ સળગાવતાં ચાર વર્ષનો બાળક પણ સાથે રમતો હોઇ તે ભડાકાની લપેટમાં આવી જતાં દાઝી જતાં તેનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ અમરેલીના ગરીયા ગામે રાજુભાઇની વાડીએ રહેતો મુળ મધ્યપ્રદશેના તોલસીંગ ભુરીયાનો દિકરો ગણેશ ભુરીયા (ઉ.વ.૪) તા. ૨૩/૧૦ના રોજ વાડીએ રમતો હતો ત્યારે દાઝી જતાં અમરેલી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. અહિ આજે વહેલી પરોઢે તેનું મોત થતાં મજૂર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતકના પિતા તોલસીંગ ભુરીયાએ જણાવ્યું હતું કે ૨૩મીએ અમે વાડીમાં કામ કરવા ગયા હતાં ત્યારે મારા તથા બીજા મજૂરોના બાળકો વાડીના મકાને રમતા હતાં. આ વખતે માળીયા પર કપાસ ભરીને રાખ્યો હોઇ બાળકો રમતાં રમતાં ત્યાં સીડી વાટે ચડી ગયા હતાં. જ્યાં કોઇ એક બાળકે કપાસ સળગાવતાં ભડકો થયો હતો. બીજા બાળકો તો ભાગીને બચી ગયા હતાં પરંતુ મારો દિકરો ગણેશ આગની લપેટમાં આવી જતાં દાઝી ગયો હતો.
મૃત્યુ પામનાર ગણેશ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. દિકરાના મોતથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે. અમરેલી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(2:28 PM IST)










