<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

રાજસ્‍થાનના રાજુ પાસેથી ટ્રાન્‍સપોર્ટમાં મંગાવેલા ૫.૨૦ લાખના દારૂ સાથે બૂટલેગર પ્રકાશને ડીસીબીએ પકડયો

લાકડાના બોક્‍સ અંદર છ નાના બેરલોમાં અલગ અલગ બ્રાન્‍ડના ‘ચપલા' છુપાવ્‍યા હતાં માલીયાસણ પાસે સાગર ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ટીમનો દરોડોઃ રાજેશભાઇ ચાવડા અને કનકસિંહ સોલંકીની બાતમી

 

રાજકોટ તા. ૮: શહેરમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત ડીસીબીની ટીમે બાતમીને આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલીયાસણ ચોકડીએ સાગર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં દરોડો પાડી ટ્રાન્‍સપોર્ટમાં પાર્સલ મારફત રાજસ્‍થાન ઉદયપુરથી આવેલા રૂા. ૫,૨૦,૯૨૦ના વિદેશી દારૂના જથ્‍થા સાથે રીઢા બુટલેગરની છાપ ધરાવતાં શખ્‍સને પકડી લીધો છે. આ દારૂ ઉદયપુરના શખ્‍સે મોકલ્‍યો હોઇ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં દારૂ, જૂગાર, ચોરી, ચિલઝડપ સહિતના ગુનાઓ અટકાવવા અને આવા ગુના બન્‍યા હોય તો ડીટેકટ કરવા સુચના મળી હોઇ ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. રાજેશભાઇ ડી. ચાવડા, હેડકોન્‍સ. કનકસિંહ એમ. સોલંકીને બાતમી મળી હતી કે માલીયાસણ ચોકડી પાસે સાગર ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક એરીયામાં ટ્રાન્‍સપોર્ટમાં એક શખ્‍સે પાર્સલ મારફત દારૂનો જથ્‍થો મંગાવ્‍યો છે અને આ જથ્‍થો ભરવા માટે એક વાહન મંગાવ્‍યું છે.

આ બાતમીને આધારે ડીસીબીની ટીમ ત્‍યાં પહોંચી હતી અને એક વાહન પાસે ત્રણ શખ્‍સ ઉભા હોઇ તેમાં તપાસ કરતાં ઠાઠામાં લાકડાના બોકસના છ પાર્સલ જોવા મળ્‍યા હતાં. વાહન ચાલક, ક્‍લીનરને પુછતાં ટ્રાન્‍સપોર્ટનું ભાડુ કરવા આવ્‍યાનું અને ભાડુ બાંધનાર શખ્‍સ સાથે ઉભો હોવાનું કહ્યું હતું. પોલીસ આ શખ્‍સને સકંજામાં લીધો હતો. પુછતાછમાં પોતાનું નામ પ્રકાશ સુરેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૭-રહે. આંબેડકરનગર-૩, આસ્‍થા ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ) જણાવ્‍યું હતું. પોલીસે આ શખ્‍સની હિસ્‍ટ્રી ચેક કરતાં તે જુનો બૂટલેગર હોવાનું માલુમ પડયું હતું. ત્‍યારબાદ લાકડાના બોકસના પાર્સલો ચેક કરતાં અંદરથી નાની સાઇઝના છ બ્‍લુ રંગના બેરોલ નીકળ્‍યા હતાં. આ બેરલોમાંથી એઇટ પીએમ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના રૂા. ૧,૭૭,૪૦૮ના ૬૭૨ ચપલા, ગ્રીન લેબલ વ્‍હીસ્‍કીના રૂા. ૨,૬૬,૧૧૨ના  ૧૦૦૮ ચપલા, ગ્‍લોબસ ગ્રીન પ્રીમીયમ વ્‍હીસ્‍કીના રૂા. ૭૬૮૦૦ના ૭૬૮ ચપલા મળી આવ્‍યા હતાં. કુલ રૂા. ૫,૨૦,૦૦૦નો દારૂ મળી આવ્‍યો હતો.

પ્રકાશની વિશેષ પુછતાછ થતાં તેણે આ દારૂ રાજસ્‍થાન ઉદયપુરના રાજુ મારફત ટ્રાન્‍સપોર્ટથી મંગાવ્‍યાનું કબુલતાં રાજુની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ ઝડપાયેલો પ્રકાશ અગાઉ દારૂના ૧૦ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. જેમાં માલવીયાનગર, તાલકુા ,ડીસબીી, આજીડે અને ગાંધીગ્રામ પોલીસમાં તેના વિરૂધ્‍ધ આ ગુનાઓ નોંધાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડકિલ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ દીગપાલસિંહ, હેડકોન્‍સ. કનકસિંહ, ગિરીરાજસિંહ, દિપકભાઇ, સુભાષભાઇ, કોન્‍સ. રાજેશભાઇ, મનિષભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(2:22 PM IST)