તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 28th September 2026
રવિવારીમાં જવાનું કહીને નીકળેલી નવોઢા સંગીતાની આજીડેમમાંથી લાશ મળતાં અરેરાટી
છ મહિના પહેલા જ લગ્ન થયા હતાં: આપઘાતનું કારણ જાણવા આજીડેમ પોલીસ દ્વારા તપાસ યથાવત

રાજકોટ તા. ૨૮: આજીડેમ ચોકડીથી અમુલ સર્કલ વચ્ચે આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતી નવોઢા ગઇકાલે રવિવારી બજારમાં જવાનું કહીને નીકળ્યા બાદ આજે તેની લાશ આજીડેમમાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. છ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં.
જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી નજીક ઝૂપડપટ્ટીમાં રહેતી સંગીતાબેન કિશનભાઇ કારોલીયા-દેવીપૂજક (ઉ.વ.૧૮) નામની નવોદિત પરિણીતા ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ પોતે રવિવારી બજારમાં ખરીદી માટે જાય છે તેમ કહીને નીકળ્યા બાદ મોડે સુધી પરત ન આવતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ પત્તો ન મળતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી.
શોધખોળ ચાલુ હતી ત્યાં આજે આજીડેમમાંથી એક યુવતિની લાશ મળી આવતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયા સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કિશનભાઇ કારોલીયાને કોઇ યુવતિની લાશ મળ્યાની જાણ થતાં તેઓ દોડી જતાં આ લાશ તેના ગૂમ થયેલા પત્નિ સંગીતાની હોવાનું જણાતાં કલ્પાંત સર્જાયો હતો. તેણીની લગ્ન છ મહિના પહેલા જ થયા હતાં. તેનો પતિ ફુગ્ગા રમકડા વેંચી ગુજરાન ચલાવે છે. પોતે એક ભાઇ અને બે બહેનમાં વચેટ હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
(3:00 PM IST)










