News of Wednesday, 27th May 2026
ગોંડલમાં ત્રણ દિવસ પહેલા ગૂમ થયેલા રેનીશભાઇની તળાવમાંથી લાશ મળી
ફુલાઇ ગયેલા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યોઃ માલવીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૭: ગોંડલમાં રહેતાં આધેડ ત્રણ દિવસ પહેલા ઘરેથી કંઇ કહ્યા વગર નીકળી ગયા બાદ તેની લાશ તળાવમાંથી મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવ મળ્યા મુજબ ગોંડલમાં વોરા કોટડા રોડ પર શાળા નં. ૧૬૯ની બાજુમાં રહેતાં રેનીશભાઇ બાબુભાઇ માલવીયા-પટેલ (ઉ.વ.૪૫)ની લાશ વોરા કોટડા ગામના તળાવમાંથી મળી આવતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ગોંડલ પોલીસે રાજકોટ ખસેડયો છે. મૃત્યુ પામનાર રેનીશભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે મમરાના કારખાનામાં કામ કરતાં હતાં.
ત્રણ દિવસથી રેનીશભાઇ ગુમ હોઇ પરિવારજનો શોધખોળ કરતાં હતાં. દરમિયાન વોરા કોટડાના તળાવમાં એક પુરૂષનો મૃતદેહ મળ્યો છે તેવી વાતો થતી હોઇ પરિવારજનો જોવા જતાં આ મૃતદેહ રેનીશભાઇનો હોવાનું જણાતાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ આપઘાતનો છે કે આકસ્મિક મૃત્યુનો કે અન્ય કંઇ બન્યું? તેની તપાસ પોલીસ કરી રહી છે.
(3:38 PM IST)










