News of Tuesday, 27th October 2026
કેસરિયા શકિત પ્રદર્શન સાથે ભાજપની પદયાત્રા : ધુરંધરો જોડાયા
‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત આયોજન :તરૂણ ચુગ, જગદીશ વિશ્વકર્મા, અજય મહાવર, મનસુખ માંડવીયા, નિમુબેન બાંભણીયા, અનિરૂધ્ધ દવે, રિવાબા જાડેજા તથા કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિત સોૈરાષ્ટ્રભરના હજારો કાર્યકરો ઉમટયા

વિપક્ષ કોંગ્રેસને ભરી પીવા શાસક ભાજપ તૈયાર : રાજકોટઃ આજે બહુમાળી ચોકથી વિપક્ષના ભ્રામક પ્રચારના આક્ષેપ સાથે ભાજપે વિશાળ શકિત પ્રદર્શન સાથે પદયાત્રા યોજી હતી. ત્યારે સવારે સમગ્ર તૈયારીઓનું ભાજપ આગેવાનો દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, પૂર્વમંત્રી અરવિંદ રૈયાણી, મનીષ રાડીયા, પુષ્કર પટેલ, કેતન પટેલ, અશ્વિન પાંભર, હિરેન ખીમાણીયા, કશ્યપ શુકલ, દિનેશ કારીયા, કોૈશીક ચાવડા, સંજય દવે, મનોજ ચાવડા સહિતના આગેવાનોએ વ્યવસ્થાને નિહાળી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)(૨.૧૮)
રાજકોટ, તા. ૨૭: ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન-૨૦૨૬ અંતર્ગત આજે મંગળવાર, તા. ૨૭ ઓક્ટોબરના રોજ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિપક્ષ દ્વારા કથિત રીતે ફેલાવવામાં આવતી અરાજકતા અને ભ્રામક પ્રચારનો વિરોધ કરવા યોજાનારી આ પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના દિગ્ગજ નેતાઓ સહિત સૌરાષ્ટ્રભરના સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. પદયાત્રાને લઈને રાજકોટ શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.
ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળ યોજાનારી આ પદયાત્રાનો પ્રારંભ આજે બપોરે ૪.૩૦ કલાકે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે સભા યોજીને કરવામાં આવશે. ત્યારબાદ પદયાત્રા અકિલા ચોક, સર્વેશ્વર ચોક, રામકળષ્ણ આશ્રમ અને માલવિયા ચોક થઈ ત્રિકોણબાગ ખાતે પહોંચ્યા.
આ પદયાત્રામાં ભાજપના પ્રદેશ સહસંગઠન મહામંત્રી અરુણ બિન્નાડી, પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા પૂર્વ પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લાઓ અને મહાનગરોના ભાજપ પ્રમુખો, મહામંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તથા સંગઠનના વિવિધ હોદ્દેદારો પણ પદયાત્રામાં જોડાશે. ભાજપ દ્વારા આ પદયાત્રાને વિશાળ જનસમર્થન સાથે સફળ બનાવવા સંગઠનના તમામ સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ભાજપના જણાવ્યા મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ દ્વારા ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે કરવામાં આવતા આક્ષેપો તથા વિરોધ પ્રદર્શનોના પગલે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાજપે વિપક્ષ પર ભ્રામક માહિતી ફેલાવીને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ નબળો પાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. આ પદયાત્રાના માધ્યમથી વિપક્ષના આક્ષેપોનો જનતા સમક્ષ જવાબ આપવામાં આવશે તેમ પક્ષ દ્વારા જણાવાયું છે. પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની પદયાત્રા યોજાઈ હતી.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે તથા મહામંત્રીઓ વલ્લભ દુધાત્રા, લલિત વાડોલિયા અને યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડના સંગઠનના હોદ્દેદારોને પદયાત્રાની તૈયારીઓમાં જોડવામાં આવ્યા છે. વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, બૂથ ઇન્ચાર્જ, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ, પેજ પ્રમુખો, વિવિધ મોરચાના હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો તેમજ વિવિધ સેલના કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સંગઠન દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી.
ભાજપના દાવા મુજબ પદયાત્રાને વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, સાધુ-સંતો, વકીલો, તબીબો, ઉદ્યોગપતિઓ, વેપારી સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા વિવિધ સમાજના આગેવાનોનું સમર્થન મળી રહ્યું છે. પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાવાની અપેક્ષાને પગલે શહેર ભાજપ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું.(૨.
(2:40 PM IST)










