તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓ પસંદ કરવા ભાજપ ૩ દિ'માં સેન્સ લેશે
પ્રમુખ પદ માટે અર્જુન ખાટરિયાનું નામ સૌથી મોખરે : કોળી સમાજમાંથી અમૂક નામ ચર્ચામાં

રાજકોટ તા ૩૦ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૩૬ બેઠકોમાંથી ૩૪ બેઠકો ભાજપને મળી છે. હવે ભાજપ દ્વારા મુખ્ય પદાધિકારીઓની પસંદગી કરવા માટે સેન્સ લેવામાં આવશે ચૂંટાયેલા સભ્યો તેમ જ સંગઠનના અપેક્ષિત પદાધિકારીઓ સેન્સ આપી શકશે. સેન્સ લેવા માટે શુક્રથી રવિવાર વચ્ચે પ્રદેશના ત્રણ નિરીક્ષકો રાજકોટ આવશે નિરીક્ષકો પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડને પોતાનો અહેવાલ આપશે. પાર્લામેન્ટરી બોર્ડ તારીખ ૫ થી ૧૦ વચ્ચે મળવાની પ્રબળ સંભાવના છે નવા પદાધિકારીઓની વરણી તારીખ ૬ થી ૧૬ વચ્ચે થાય તેવા હાલના સંજોગો છે
જિલ્લા પંચાયતની સાથે સંબંધિત તાલુકા પંચાયત માટે પણ સેન્સ લેવાશે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ પક્ષના નેતા અને દંડક પદ માટે સેન્સ લેવામાં આવશે. પ્રમુખ પદ પ્રથમ અઢી વર્ષ બક્ષીપંચ અનામત છે. આહીર સમાજ અથવા કોળી સમાજને પ્રમુખ પદ મળે તેવી સંભાવના છે. વિકલ્પે રાજપૂત સમાજ અથવા ભરવાડ સમાજમાંથી વિચારણા થઈ શકે.
પ્રમુખ પદ માટે હાલ સૌથી સિનિયર સભ્યો અર્જુન ખાટરીયાનું નામ સૌથી મોખરે છે. ચુવાળિયા કોળી સમાજમાંથી સંજય પીપળીયાનું નામ ચર્ચામાં આવી શકે છે જોકે જસદણ પંથક માંથી કોળી સમાજમાંથી કોઈને પ્રમુખ પદ મળે તે બનવા જોગ છે. દેવેન્દ્રભાઇ જાપડીયા, અમરશીભાઇ ચૌહાણ વગેરેના નામનો વિચાર થઇ શકે છે. વિધાનસભાની ૨૦૨૭ ની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખની પસંદગી થશે. પાટીદાર સમાજને ઉપપ્રમુખ પદ અથવા કારોબારી અધ્યક્ષ પદ મળી શકે છે.
(2:55 PM IST)










