News of Friday, 31st July 2026
ભાજપ લીગલ સેલ રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તેવું ઇચ્છતી હોય તો આંદોલનને સમર્થન આપવું જોઇએઃ રાજકોટ બાર એસો.
પ્રમુખ દ્વારા સરકાર વિરૂધ્ધ નિવેદન આપેલ નથીઃ રાજકીય આગેવાનોને બાર એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી છેઃ આંદોલનમાં જોડાવવા બાર. એસો. ની અપીલ

રાજકોટઃ તા.૩૧, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિ માંકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, સહિતનાએ એક નિવેદનમાં જણાવેલ છે કે રાજકોટ બાર એસોસિયેશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના બાર એસોસિયેશન દ્વારા રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે આંદોલન કરેલ અને આવેદન આપવામાં આવેલ, જે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સફળ રહેલ હતું.
હાલમાં મીડિયા સમક્ષ હાઇકોર્ટ બેચના મુદ્દે ભાજપ લીગલ સેલ દ્વારા તદ્દન ખોટી રજૂઆત કરવામાં આવેલ છે. રાજકોટમાં એસોસીએશનને ભાજપના સંસદ સભ્યો, ધારાસભ્યોને સાથે લઈને આંદોલન રજૂઆત કરેલ છે, સંસદ સભ્યો ધારાસભ્યોને લેખિત રજૂઆત કરેલ છે અને ભાજપ સરકાર જ્યારે ખુદ ચૂંટણી ઢંઢેરામાં હાઇકોર્ટ બેંચ આપવાની જાહેરાત કરેલ છે અને સંસદ સભ્યોએ હકારાત્મક પત્રો પણ લખેલ છે. રાજકોટ બાર એસોસિએશન પ્રમુખ સુમિત વોરાએ ભાજપ વિરુદ્ધ કયારે નિવેદન આપેલ નથી.
આ અંગે બાર એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત અને રાજ્યપાલશ્રી ને પ્રપોઝલ આપી રજૂઆત કરેલ છે. મુખ્યમંત્રીશ્રીને તથા લો-મિનિસ્ટરને પણ લેખિતમાં રજૂઆત કરેલ છે. તેમ પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેષ પટેલે જણાવ્યું છે.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખશ્રીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ કયારેય નિવેદન કરેલ નથી. અત્યાર સુધીના હાઇકોર્ટ બેચના પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપેલ નિવેદનો જોવાથી પણ ધ્યાને આવે છે. ભાજપ લીગલ સેલે ભાજપની વિચારધારા સાથે જોડાઈ રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે પોઝિટિવ પ્રયત્નો કરવા જોઈએ એમના નિવેદન જોતા પ્રજાજનોમાં ખોટી અસર પડે તેવું ઉપસ્થિત થાય છે માટે આ અંગે સરકારમાં પણ બાર એસોસિએશન તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન રજૂઆત કરવાના છે.રાજકોટ બાર એસોસિએશને ભાજપ લીગલ સેલ ખરેખર રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તેવું ઇચ્છતી હોય તો હાઇકોર્ટ બેંચ માટેના આંદોલનને સમર્થન આપવું જોઈએ તેમજ ભાજપ સરકારે જાહેર કરેલ ચૂંટણી ઢંઢેરાનું પાલન કરવું જોઈએ રાજકોટને હાઇકોર્ટ બેન્ચ મળે તે માટે શહેર પ્રમુખ, ધારાસભ્યો, સંસદ સભ્યો, જે સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલ છે તે તમામને પત્રો લખી તેમનો સહકાર પણ રાજકોટ બાર એસોસિએશનએ માંગેલ છે તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવાનો સમય માંગેલ છે. રાજકોટ બાર એસોસિએશન હંમેશા ભાજપ સાથે હતા અને રહેશે. ખોટી રીતે નિવેદનથી આંદોલન તોડવાની કોશિશ કરવામાં ન આવે તેવી રાજકોટ બાર એસોસિએશનએ વિનંતી કરેલ છે.પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેષ પટેલે વિનંતી કરી છે.
(2:29 PM IST)










