<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ભાજપ નેતાઓનો ઘેરાવ, કેસરી ખેસ ઉતરાવવા ઉગ્ર વિરોધ

રાજકોટમાં આંબેડકર જયંતિએ ‘રણસંગ્રામ' : ‘‘ચૂંટણી આવે ત્‍યારે જ નેતાઓ કેમ દેખાય છે?''ના સવાલો સાથે લોકોએ ભાજપના દિગ્‍ગજોને અટકાવ્‍યા, ભારે ધમાલ વચ્‍ચે માંડ-માંડ ફૂલહાર થયા

રાજકોટ : બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિના પવિત્ર અવસરે રાજકોટના રાજકીય ફલક પર ભારે ગરમાવો જોવા મળ્‍યો હતો. સિવિલ હોસ્‍પિટલ ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાને વંદન કરવા પહોંચેલા ભાજપના દિગ્‍ગજ નેતાઓને આજે જનતાના ભારે આક્રોશનો સામનો કરવો પડ્‍યો હતો. ભાજપના નેતાઓને અટકાવી, તેમના કેસરી ખેસ ઉતરાવવા માટે લોકો મક્કમ બનતા વાતાવરણ ઉગ્ર બન્‍યું હતું.

આજે સવારે જ્‍યારે ભાજપના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્‍યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે સહિતના બાબા સાહેબની પ્રતિમા પાસે પહોંચ્‍યા, ત્‍યારે ત્‍યાં હાજર ભીમ અનુયાયીઓએ રસ્‍તો રોકી દીધો હતો. લોકોએ આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો કે, ‘‘બાબાસાહેબ કોઈ પક્ષના નથી, અહીં પક્ષના પ્રતીકો પહેરીને રાજકારણ કરવા દેશું નહીં''.  ઉગ્ર બનેલા ટોળાએ નેતાઓને પક્ષનો ખેસ કાઢીને જ અંદર આવવા ફરજ પાડી હતી.

ઘટનાસ્‍થળે હાજર લોકોએ નેતાઓને આડે હાથ લેતા જણાવ્‍યું હતું કે, વર્ષો સુધી જેમને જનતાની યાદ આવતી નથી, તેઓ ચૂંટણી આવતા જ ફૂલહાર કરવા દોડી આવે છે. વિરોધ કરી રહેલા લોકોએ સૂત્રોચ્‍ચાર કર્યા હતા કે,  ‘‘વોટ માટે મહાપુરુષોનો ઉપયોગ કરવાનું બંધ કરો.'' આ તકે ભાજપના કાર્યકરો અને અન્‍ય લોકો વચ્‍ચે ભારે બોલાચાલી થતા મામલો બિચકયો હતો.

તંગ બનેલી પરિસ્‍થિતિ બાદ આશરે અડધા કલાકથી વધુ ચાલેલી ખેંચતાણ અને ભારે રકઝક બાદ, આખરે મામલો થાળે પડયા બાદ ભાજપના આગેવાનોએ પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:58 PM IST)