તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
મનપામાં નવા પદાધિકારીઓને લઈ ભાજપમાં મંથનઃ મેયરથી સ્ટેન્ડિંગ ચેરમેન સુધી અનેક નામો ચર્ચામાં
જ્ઞાતિ સમીકરણ, સંગઠનનો અનુભવ અને ૨૦૨૭ની રાજકીય ગણતરીઓ વચ્ચે રાજકોટમાં પાટીદાર, યુવા ચહેરા અને મહિલા ઉમેદવારોને મળી શકે તક

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત રાજ્યની મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને પદાધિકારીઓની પસંદગીને લઈને ભાજપમાં રાજકીય મંથન તેજ બન્યું છે. પ્રથમ વખત નવ મહાનગરોને મળેલા નવા સ્ટેટસ બાદ ભાજપે અનેક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપીને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. હવે બાકીની મહાનગરપાલિકાઓમાં પણ પદાધિકારીઓની પસંદગીમાં સમાન રીતે ચોંકાવનારા નિર્ણયો થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે.
સૌરાષ્ટ્રના રાજકીય કેન્દ્ર અને ભાજપના પાવરહાઉસ તરીકે રાજકોટને જોવામાં આવે છે. જોકે હાલના રાજકીય સમીકરણો બદલાતા હવે મેયર પદ માટે જ્ઞાતિ આધારિત ચર્ચાઓ તેજ બની છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજને મેયર પદ ન મળ્યાની ચર્ચા વચ્ચે રાજકોટમાં ખાસ કરીને કડવા પાટીદાર ચહેરાને તક મળવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. આ સંદર્ભમાં વોર્ડ નં.૧૦ના અશ્વિનભાઈ ભોરાણીયા અને વોર્ડ નં.૧૨ના યુવા કોર્પોરેટર કિશન ટીલવાના નામ ચર્ચામાં આગળ છે. સંઘ સાથે જોડાણ, નિર્વિવાદી છબી અને અનુભવને કારણે અશ્વિનભાઈને ફેવરિટ માનવામાં આવે છે, જ્યારે યુવા ફેસ તરીકે કિશન ટીલવાના નામને પણ વજન મળી રહ્યું છે. સાથે જ વોર્ડ નં.૧૩ના મોહિતસિંહ જાડેજાનું નામ પણ સંઘ અને વિદ્યાર્થી પરિષદ સાથેના જોડાણને કારણે ચર્ચામાં આવ્યું છે.
ડેપ્યુટી મેયર પદે મહિલા કોર્પોરેટરને પ્રાથમિકતા?
રાજકોટ મહાનગરપાલિકામાં ૫૦ ટકા મહિલા કોર્પોરેટરો ચૂંટાઈ આવતા ડેપ્યુટી મેયર પદે મહિલાને તક મળવાની સંભાવના વધુ માનવામાં આવે છે. દક્ષાબેન વસાણી ઉપરાંત લોહાણા સમાજમાંથી નીતાબેન લાલ અને વર્ષાબેન પાંધીના નામો ચર્ચામાં છે. ચૂંટણી દરમિયાન લોહાણા સમાજને પુરુષ ઉમેદવારી ન આપવાના મુદ્દે અસંતોષ જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ સમાજે ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. આ પરિસ્થિતિમાં પક્ષ આ પદ દ્વારા સમાજને રાજકીય સંદેશ આપી શકે છે.
સ્ટેન્ડિંગ ચેરમેન પદ
માટે ભારે રસાકસી
મહાપાલિકાનું સૌથી પ્રભાવશાળી માનાતું સ્ટેન્ડિંગ ચેરમેન પદ મેળવવા માટે પણ ભારે રસાકસી જોવા મળી રહી છે. ગત કાર્યકાળમાં સક્રિય અને અભ્યાસુ કોર્પોરેટર તરીકે ઓળખ ઊભી કરનાર નેહલ શુકલનું નામ સૌથી આગળ માનવામાં આવે છે. દરખાસ્તોના ઊંડા અભ્યાસ, વહીવટી સમજ અને સંગઠન સ્તરે પહોંચને કારણે તેઓ મજબૂત દાવેદાર ગણાય છે. જોકે અગાઉ આ પદ બ્રાહ્મ ણ સમાજ પાસે હોવાને કારણે અન્ય સમાજને પ્રતિનિધિત્વ આપવાની માંગ પણ ઉઠી રહી છે. અન્ય નામોમાં ઓબીસી ચહેરા તરીકે ઘનશ્યામ હેરભા, હીરેન ખીમાણિયા અને કૌશિક ટાંકના નામ ચર્ચામાં છે.
શાસક પક્ષના નેતા અને દંડક પદ માટે પણ ચર્ચા તેજ
શાસક પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના પદોને લઈને પણ અનેક નામો ભાજપના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. વોર્ડ નં.૪ના કાળુભાઈ કુગશીયા, લેઉવા પાટીદાર ચહેરા દિલીપભાઈ લુણાગરીયા તેમજ મહિલા ચહેરા તરીકે જયોત્સનાબેન ટીલાળા, ભારતીબેન પરસાણા અને રસીલાબેન સાકરિયાના નામ ચર્ચામાં છે.
હવે ભાજપના અંતિમ સંકલન અને ગુરુવારે ખુલનારા રાજકીય ‘કવર' પર સૌની નજર મંડાઈ છે કે આખરે રાજકોટ મહાનગરપાલિકાના કયા પદ પર કોના ગળામાં સત્તાનો હાર પડશે.

(3:16 PM IST)










