<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ભાજપે 11 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા: નવા ચહેરાઓને સ્થાન

ચૂંટણી બિન હરીફ થવાની શક્યતાઓ : આજે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે

રાજકોટ : મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી માટે ભાજપ દ્વારા 11 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. હવે કોંગ્રેસ દ્વારા એક ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ દ્વારા બાર પૈકી 11 સભ્યો મેદાનમાં ઉતારવામાં આવતા ચૂંટણી બિન હરીફ થવાની શક્યતાઓ છે.

 

શિક્ષણ સમિતિની ચૂંટણી માટે આજે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા તમામ 11 ઉમેદવારો આ સમયગાળા દરમિયાન પોતાનાં ઉમેદવારી ફોર્મ રજૂ કરશે.

 

ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં કપિલભાઈ લલિતભાઈ નથવાણી, હર્ષિત પ્રહ્લાદભાઈ કાવર, વિરેન્‍દ્રભાઈ હર્ષદભાઈ ભટ્ટ, યોગરાજસિંહ મોહનસિંહ જાડેજા, હરેશભાઈ મૂળજીભાઈ કાનાણી, ડૉ. તૃષીબેન ઋષિકેશ શુક્લ, કલ્પનાબેન રમેશભાઈ કિયાડા, કૃપલબેન (ડોલીબેન) કલીરભાઈ ટાંક, રાકેશ પિન્ટુભાઈ કિશોરભાઈ, કેયૂર રસીકલાલ મરડ અને પ્રવીણભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.

 

હવે કોંગ્રેસ કોના નામ પર પસંદગી ઉતારે છે તેના પર સૌની નજર મંડાઈ છે. કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ શિક્ષણ સમિતિની ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

(10:07 AM IST)