News of Saturday, 9th May 2026
ભાજપમાં ફરી કકડાટ સપાટી ઉપર : વોર્ડ નં.૧૪માં નગરસેવીકા-પીઢ અગ્રણી વચ્ચે તણખાં

રાજકોટ, તા.૯: મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ હવે લીડ અને જીતના કારણો અંગે પક્ષમાં આંતરિક વિશ્લેષણ ચાલી રહ્યું છે. જેમાં વોર્ડ નં. ૧૪માં મળેલા ભવ્ય વિજય પાછળ કોનું યોગદાન વિશેષ છે, તે અંગે વોર્ડ બહારથી આવેલા ભાજપ કોર્પોરેટર અને સંગઠનના આગેવાન વચ્ચે હળવો વૈચારિક ‘તું તું - મૈં મૈં' જેવો ટકરાવ જોવા મળ્યો હતો.
વિગતો મુજબ, તાજેતરમાં વોર્ડ નં. ૧૪ના આગેવાનોની એક બેઠક મળી હતી. આ વોર્ડમાં ભાજપની રણનીતિ મુજબ અરુણાબેન આડેસરાને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા હતા અને સમગ્ર પેનલનો જંગી બહુમતીથી વિજય થયો હતો. આ બેઠકમાં પરિણામો અંગેની ચર્ચા નીકળતા અરુણાબેન તરફથી એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, આ વોર્ડમાં સોની સમાજના સાથ અને સમીકરણોના કારણે પક્ષને જીત અને સારી એવી લીડ પ્રાપ્ત થઈ છે.
જોકે, આ બેઠકમાં ઉપસ્થિત શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને વોર્ડના પીઢ કાર્યકર મહેશભાઈ મૈત્રાએ આ વાત સાથે અસંમતિ દર્શાવી હતી. તેમણે પક્ષની સામાજિક સમરસતાની મૂળભૂત વિચારધારાને ટાંકીને મક્કમતાથી ધ્યાન દોર્યું હતું કે, ભાજપની જીત કોઈ એક ચોક્કસ સમાજના કારણે નહીં, પરંતુ પાર્ટીના વર્ષો જૂના વફાદાર કાર્યકર્તાઓની અથાક મહેનત અને તમામ ઢાંચાના લોકોએ ખોબલે-ખોબલે આપેલા મતોને આભારી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની જીતના મુખ્ય આધારસ્તંભ કોણ ? તે મુદ્દે બંને નેતાઓ વચ્ચે પોતાના વિચારોને લઈને થોડી દલીલો જોવા મળી હતી. લોકશાહી ઢબે ચાલતા પક્ષમાં સામાન્ય રીતે દરેકને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર હોય છે, પરંતુ બંધ બારણે થયેલી આ આંતરિક ચર્ચાના અહેવાલો ખૂબ જ ઝડપથી બહાર પહોંચી જતાં સ્થાનિક કાર્યકરોમાં થોડી અચરજ ફેલાઈ હતી.
હાલમાં આ મામલે ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોએ વધુ કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળીને મૌન જાળવ્યું છે.(૨૩.૧૨)
બન્ને આગેવાનોએ તુતુ-મેમે થયાનું નકાર્યું
‘‘અકિલા'' દ્વારા વોર્ડ નં. ૧૪માં ગઇકાલે તુતુ-મેમે થયાની ખબર વચ્ચે કોર્પોરેટર અરૂણાબેન તથા બક્ષીપંચ મોરચાના શહેરના મહામંત્રી મહેશભાઇ મૈત્રાનો સંપર્ક કરતા બન્ને અગ્રણીઓએ બેઠકમાં આવી કોઇ ઘટના ન બની હોવાનું જણાવ્યું હતું. જોકે મીટીંગમાં હાજર સૂત્રોએ અરૂણાબેન અને મહેશભાઇ વચ્ચે ગરમા-ગરમી થઇ હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું.
(3:13 PM IST)










