News of Friday, 27th November 2026
બીલાલ ઉઠામણાને એસઓજીએ પિસ્તોલ સાથે દબોચ્ચોઃ નામીચા ઇમરાન બાપુડીનું નામ ખુલ્યું
દૂધની ડેરી પાસે રહેતાં અને કાર ભાડે આપવાનું કામ કરતાં શખ્સે માથાકુટ ચાલતી હોઇ હથીયાર સાથે રાખ્યાનું રટણ ઇમરાન અગાઉ એસઆરપીમેનની ગન ઝૂંટવી ભાગી જવા સહિતના ગુનામાં સામેલઃ એસ્ટ્રોન ચોકથી આગળ સરદારનગર સોસાયટી નજીક રેલ્વે ટ્રેક પાસે કાર્યવાહીઃ પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ બી. વી. ચુડાસમા અને ટીમની કામગીરી એએસઆઇ રવિભાઇ વાંક, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા અને હેડકોન્સ. સ્નેહભાઇ ભાદરકાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૭: દૂધની ડેરી પાસે રહેતાં અને સેલ્ફમાં કાર ભાડે આપવાનો ધંધો કરતાં શખ્સને એસઓજીની ટીમે એસ્ટ્રોન ચોક સરદારનગર નજીક રેલ્વે ટ્રેક પાસેથી પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે દબોચી લીધો છે. અગાઉ એસઆરપીમેનની ગન લઇ ભાગી જવા સહિતના અનેક ગુનામાં સામેલ નામીચા ઇમરાન બાપુડીનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને ગેરકાયદે હથીયારોની હેરાફેરી ન થાય તે માટે અને ડ્રગ્સની હેરાફેરી અટકે તે માટે એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ રવિભાઇ વાંક, એએસઆઇ સિધ્ધરાજસિંહ જાડેજા, એએસઆઇ રાજશેભાઇ બાળા અને હેડકોન્સ. સ્નેહભાઇ ભાદરકાને બાતમી મળી હતી કે એક શખ્સ એસ્ટ્રોન ચોકથી આગળ સરદારનગર સોસાયટી પાસે રેલ્વે ટ્રેક પાસે ગેરકાયદે હથીયાર સાથે આટાફેરા કરે છે.
બાતમીને આધારે ટીમે ત્યાં પહોંચી શકમંદને દબોચી લીધો હતો. તેની તલાશી લેતાં ૧૦ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ મળતાં કબ્જે કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ બીલાલ દિલાવરભાઇ ઉઠામણા-ઘાંચી (ઉ.વ.૨૬-રહે. દૂધ સાગર રોડ , ભગવતી સોસાયટી, અશરફી ચીકન સામે હૈદરી ચોક, મહેબુબભાઇ દાઉદાણીના મકાન પાસે) જણાવ્યું હતું.
બીલાલ સેલ્ફમાં કાર ભાડે આપવાનો ધંધો કરે છે. તેણે પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે આ હથીયાર અને કાર્ટીસ તેણે પુનીતનગર ટાંકા પાસે રહેતાં ઇમરાન બાપુડી પાસેથી લીધા છે. પોતાને માથાકુટ ચાલતી હોઇ હથીયાર સાથે રાખ્યું હતું. ઇમરાન બાપુડી અગાઉ એસઆરપીમેનની ગન લઇ ભાગી જવા સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડયો હતો. તેની શોધખોળ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ રવિભાઇ ડી. વાંક, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, ભરતસિંહ પરમાર, હેડકોન્સ. સ્નેહભાઇ ભાદરકાની ટીમે આ કામગીરી કરી હતી.
(3:50 PM IST)










