<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

વાવડીમાં બિહારના સુધીર તિવારીના માથામાં પથ્‍થર ફટકારી બિલાલે હત્‍યાનો પ્રયાસ કર્યો

રૂપિયાની લેતીદેતી મામલે ડખ્‍ખોઃ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૧૪: શહેરના ગોંડલ રોડ પર આવેલા વાવડી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં પૈસાની બોલાચાલીમાં એક શ્રમિક યુવાન પર પથ્‍થર વડે હુમલો કરવામાં આવ્‍યો હોવાની ઘટના સામે આવી છે. લોહીલુહાણ હાલતમાં યુવાનને સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યારે હુમલાખોર ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયો છે. તેની સામે હત્‍યાની કોશીશષનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવમાં મુળ બિહારના ભોજપુરના માનસગાર તાબેના ડારીડીહ ગામના વતની અને હાલ વાવડી પરની ફર્નિચર પાછળ ભરતભાઈ પટેલના કારખાનામાં રહી ના કારખાનામાં રહી મજૂરી -અમી કરતાં પ્રવિણકુમાર અવધકુમાર તિવારી (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી બીલાલ ભટ્ટી વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કરાયો છે. ફરિયાદ મુજબ, તેમનો મોટો ભાઈ સુધીરકુમાર તિવારી (ઉ.વ.૩૫)જે સ્‍વાતી પાર્કપાસે આવેલા ખોડલ એન્‍ટરપ્રાઇઝમાં કામ કરે છે, તેના પર આ હુમલો થયો હતો.

બપોરે સાડા ત્રણ વાગ્‍યાના અરસામાં વાવડી વિસ્‍તારમાં મીરા કાસ્‍ટીંગ રોડ પર સુધીરકુમાર અને બિલાલ ભટ્ટી વચ્‍ચે રૂપિયાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સાક્ષીઓના જણાવ્‍યા અનુસાર બંને વચ્‍ચે ઝઘડો વધતા બિલાલ ભટ્ટીએ ઉશ્‍કેરાઈને જમીન પર પડેલો એક મોટો પથ્‍થર ઉપાડી સુધીરકુમારના માથામાં ફટકારી દીધો હતો. આને કારણે સુધીરકુમાર બેભાન થઈ જમીન પર ઢળી પડ્‍યો હતો. હુમલો કર્યા બાદ આરોપી બિલાલ ભટ્ટી ત્‍યાંથી નાસી છૂટયો હતો. નજીકમાં દુકાન ધરાવતા શાકીર શાહ અને અનિશ રાહી નામના વ્‍યક્‍તિઓએ તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી સુધીરને રાજકોટ સિવિલ હોસ્‍પિટલના ઈમરજન્‍સી વિભાગમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. આ બંને ઇડા-મટનની દુકાન ચલાવતાં હોઇ તેની દુકાને સુધીરકુમાર અને બીલાલ ભટ્ટી બંને અવાર-નવાર જમવા આવતાં જેની શાકીર અને અનીશ બંનેને ઓળખે છે. ઘટનાની જાણ થતા જ ઈજાગ્રસ્‍તના ભાઈ પ્રવિણકુમાર અને પરિવારજનો હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઈ એમ.એચ. મહારાજ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવીછે.

(3:59 PM IST)