તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 8th September 2026
આજે વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ : રાજકોટ ફિઝીયોથેરાપી એસોસીએશન દ્વારા સપ્તાહભર કાર્યક્રમો
આ વર્ષની થીમ છે ‘હૃદયરોગ અને સ્ટ્રોકના નિવારણ, સારવાર તેમજ પુનર્વસન માટે ફિઝિયોથેરાપીની ભૂમિકા'

રાજકોટ : દર વર્ષે ૮મી સપ્ટેમ્બરનો દિવસ સમગ્ર વિશ્વમાં ‘‘વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ'' રૂપે ઉજવવામાં આવે છે. આ નિમિતે રાજકોટ ફિઝીયોથેરાપી એસોસીએશનનો મુખ્ય હેતુ જનસમુહમાં ફિઝીયોથેરાપી વિષયક જાગૃતિ ફેલાવાનો છે. જેથી દરેક વ્યકિત પોતાના સ્વાસ્થ્ય, પુનઃપ્રતિષ્ઠા તથા સક્રિય જીવનશૈલી તરફ આગળ વધી શકે છે. તદ્દઉપરાંત સામાન્ય નાગરિકો પોતાના સાંધા, સ્નાયુ કે નસના દુઃખાવા માટે આડઅસર મુકત ફિઝીયોથેરાપી સારવાર લેવા પણ અનુરોધ કરાયો છે.
વર્ષ ર૦ર૬ની ફિઝીયોથેરાપી ડેની થીમ છે ‘‘હૃદયરોગ અને સ્ટ્રોકના નિવારણ, સારવાર તેમજ પુનર્વસન માટે ફિઝીયોથેરાપીની ભૂમિકા''. નિયમિત ફિઝીયોથેરાપી અને શારીરિક પ્રવૃતિ, બ્લડ પ્રેશર તથા રકત પરિભ્રમણ સુધારીને હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ અટકાવે છે. હાર્ટ એટેક કે સ્ટ્રોક આવ્યા પછી તે હૃદયની કાર્યક્ષમતા વધારવા, સ્નાયુઓનું હલનચલન અને શરીરનું સંતુલન પાછું લાવી દર્દીને ઝડપથી આત્મનિર્ભર અને સ્વસ્થ બનાવવામાં મહત્વનો ભાગ ભજવતો હોવાનું યાદીમાં જણાવાયું છે.
છેલ્લા એક સપ્તાહથી જનજાગૃતિના કાર્યક્રમો જેવા કે, સોશિયલ મીડિયામાં અવેરનેસ વિડીયો ઉપરાંત ડિજીટલ પોસ્ટર મેકીંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
તસ્વીરમાં રાજકોટ ફિઝીયોથીરાપી એસો.ના પ્રમુખ ડૉ. નિશાંત નાર, સેક્રેટરી ડૉ. મોનાલી તન્ના, ડૉ. મનિષ પાઠક, ડૉ. ચિરાગ સોલંકી નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:18 PM IST)










