તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
રાજકોટના ઇતિહાસમાં સોથી મોટી ૧૪૪ કરોડની ઠગાઇ
ઇકોલસાના આંતરરાષ્ટ્રીય કારોબાર અને ૫ વર્ષમાં ઊંચા વળતરની લાલચ બતાવી ઠગાઇ આચરવામાં આવી : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય ચોટલીયા અને તેના બે ભાગીદાર મિતેષ સંઘવી, મનીષ ડાંગી સામે ગુનો : ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રા.લિ. કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર ૧૫૦૦ થી ૨૦૦૦ કરોડ થતું હોવાના ખોટા ચિત્રો ઊભા કરી રોકાણકારોને લલચાવ્યાઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં ઇઓડબલ્યુ પીઆઇ ડી. એમ. હરીપરા અને ટીમ દ્વારા તપાસ શરૂઃ આરોપીઓને નોટીસ અપાઇ

રાજકોટ તા. ૯: રાજકોટ શહેરના ઇતિહાસમાં ઠગાઇની સોૈથી મોટી ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં ં ઇન્ડોનેશિયન કોલસાના વેપારમાં ઊંચા નફાની લાલચ આપી ૩ ભાગીદારોએ રોકાણકારો સાથે અધધધ ૧૪૪ કરોડની છેતરપિંડી કરી છે. ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રા. લિ. કંપનીના ડાયરેક્ટર જય ચોટલીયા, મિતેશ સંઘવી અને મનિષ ડાંગીએ રાજકોટના જયેન્દ્રભાઈ અકબરી સહિતનાને નિશાન બનાવ્યા છે. પોલીસે આરોપીઓને નોટીસ આપી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓમાં સીએ જય ચોટલીયાના સસરા જ્યોતિન્દ્રભાઇ મહેતા સહકારી ક્ષેત્રના દીગ્ગજ નેતા છે. તેઓ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક ફેડરેશનના પ્રમુખ રહી ચુક્યા છે તેમજ સંઘ પરિવારની સહકાર ભારતીના પ્રમુખ પદે પણ રહી ચુક્યા છે. આરોપીઓએ રોકાણકારોની જાણ બહાર લોન રીન્યુ અંગેના દસ્તાવેજોમાં સહીો કરી લોન સી.સી. રીન્યુ કરી એક રોકાણકારની ભાગીદારી પેઢીનું તેમની બનાવટી સહીઓથી કાલુપુર બેંકની રાજકોટ બ્રાંચમાં ખાતુ પણ ખોલાવી નાંખ્યું હતું.
આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ૧૫૦ રીંગ રોડ બીગ બાઝાર પાછળ સાઇનગરમાં અમરનાથ મંદિર રોડ પર રહેતાં અને નિવૃત જીવન જીવતાં જયેન્દ્રભાઇ મુળજીભાઇ અકબરી (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી અમદાવાદ થલતેજ સરદાર પટેલ રીંગ રોડ ૧૦૦૧ સ્વાતિ કિમશન એન્ડ ફલોઅર શીલજ સર્કલ ખાતે રહેતાં સીએ અને એક સમયના સહકારી અગ્રણી જ્યોતિન્દ્રભાઇ મહેતાના જમાઇ ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રા.લિ. કંપનીના ડાયરેકટર કમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય હર્ષકુમાર ચોટલીયા, રાજકોટ મહિલા કોલેજ અન્ડર બ્રીજ નજીક જનતા સોસાયટી-૩માં રહેતાં મિતેષ કિરીટકુમાર સંઘવી અને અમદાવાદ અમરનાથ વિલાસ સાયન્સ સીટી સર્કલ પ્રાઇડ આઇકોન પાસે રહેતાં મનિષ ગોવિંદોભાઇ ડાંગી વિરૂધ્ધ ગુનાહિત કાવતરૂ રચી ફરિયાદી અને બીજા રોકાણકારોને કંપનીમાં ઇન્ડોનેશિયન કોલસાના ધંધામાં ડીપોઝીટ તરીકે રોકાણ કરો તો સારૂ વળતર મળશે તેવી લાલચ આપી કંપનીમાં સીસી-લોન લેતી વખતે ફરિયાદી અને સાહેદોની મિલ્કતો મોર્ગેજમાં રખાવી તેના અવેજ પેટે લોનમાં નાણા મેળવી કુલ રૂા. ૧ અબજ ૪૪ કરોડ ૧૯ લાખ ૨૬ હજાર મેળવી લઇ આજ સુધી વળતર કે ડીપોઝીટ તરીકે રાખેલ રકમ પરત ન આપી છેતરપીંડી કરવાનો ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લીધા છે.
રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે પોતાની કંપની ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લી. મારફતે ઇન્ડોનેશિયાથી મોટા પાયે કોલસો ઈમ્પોર્ટ કરી ભારતમાં વેચવાનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૧૫૦૦ થી ૨૦૦૦ કરોડ થતું હોવાના ખોટા ચિત્રો ઊભા કરી રોકાણકારોને મુખ્ય ત્રણ સ્કીમ હેઠળ રોકાણ કરવા લાલચ આપી હતી. જેમાં પોતાની માલિકીની મિલકતો બેંકમાં મોર્ગેજ (જામીનગીરી) તરીકે મૂકી લોન/સી.સી. મેળવવી, કંપનીના શેર ખરીદવા અથવા કંપનીના બેંક એકાઉન્ટમાં સીધી ડિપોઝિટ મુકવાનો સમાવેશ થતો હતો. આ રોકાણ સામે ૫ વર્ષ બાદ મોર્ગેજ મિલકત છૂટી કરાવવાની અને કંપનીના નફામાંથી ઊંચું વળતર આપવાની ખાતરી આપવામાં આવી હતી.
આરોપીઓની વાતોમાં આવીને ફરિયાદી જયેન્દ્રભાઈ તથા તેમના મિત્ર અરવિંદભાઈ જસમંતભાઈ રામાણી, કેશુભાઈ હરીભાઈ બોદર, રસીકભાઈ બોદર વગેરે પોતાની કિંમતી મિલકતો ગિરવે મૂકી હતી. રાજકોટ તાલુકાના મોટા મવા તેમજ લોધિકા તાલુકાના વાગુદડ, ખાંભા અને ભડલી ગામના કરોડો રૂપિયાના ઔદ્યોગિક તથા રેસિડેન્શિયલ પ્લોટો ધી મેહસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક તથા ધ કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. માં મોર્ગેજ મૂકી લોન/સી.સી. મેળવાઈ હતી. આ પછી વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૩ દરમિયાન અલગ-અલગ સ્કીમો મારફતે થયેલા રોકાણની વિગત જોઇએ તો સ્કીમ નં. ૧ (મિલકત મોર્ગેજ રકમ) રૂ. ૩૧,૧૯,૦૦,૦૦૦, સ્કીમ નં. ૨ (શેર ખરીદી સ્વરૂપે રોકાણ) રૂ. ૧૩,૫૪,૨૬,૦૦૦ અને સ્કીમ નં. ૩ (ડિપોઝિટ સ્વરૂપે રોકાણ) રૂ. ૧૫,૮૬,૦૦,૦૦૦ તેમજ એચડીએફસી બેંક ખાતામાં મોર્ગેજ અને લોન/સી.સી.ની ભરપાઈ સહિતની રકમ રૂ. ૪૧,૦૦,૦૦,૦૦૦ અને કેશુભાઈ બોદરની મિલકત મોર્ગેજ રકમ રૂ. ૩,૬૦,૦૦,૦૦૦ મળી જુદા જુદા રોકાણકારો અને સાહેદોના કુલ રૂ. ૧,૪૪,૧૭,૨૬,૦૦૦/(એક અબજ ચોવચ્ચીસ કરોડ સત્તર લાખ છવીસ હજાર)ની માતબર રકમનું કૌભાંડ આચરવામાં આવ્વ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયુ છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સાક્ષી રસીકભાઈ બોદરની જાણ બહાર તેમની ભાગીદારી પેઢી મીરેકલ એન્ટરપ્રાઈઝના નામે કાલુપુર કોમર્શિયલ બેંકની રાજકોટ શાખામાં ખોટી સહીઓ કરી બોગસ બેંક ખાતું ખોલવામાં આવ્યું હતું. રોકાણકારો અને બેંકો પાસેથી મેળવેલી જંગી રકમ કોલસાના વેપારમાં વાપરવાના બદલે આરોપીઓએ અગાઉથી નક્કી કરેલા ગુનાહિત કાવતરા ભાગરૂપે પોતાની શેલ કંપનીઓ જેવી કે પ્રોપ કોર્પોરેટ મેન્ટર પ્રા.લિ.ે અને સિંગાપોર સ્થિત સેવન મીનરલ્સ પ્રા.લિ.માં ટ્રાન્સફર કરી વિદેશ મોકલી આપી હતી.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ) અને એચડીએફસી બેંક દ્વારા કરવામાં આવેલા સ્ટેચ્યુટરી તથા ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં સ્ટોક ડેટામાં મોટી વિસંગતતા અને ફંડ સાયફનીંગ ખુલ્લું પડતાં બેંકો દ્વારા આ કંપનીના એકાઉન્ટને રેડ ફલેટ એકાઉન્ટ અને ફ્રોડ જાહેર કરવામાં આવ્યા હતા. બેંકોની લોન ભરપાઈ ન થતાં અને કિંમતી મિલકતો ડૂબમાં જતાં આખરે રોકાણકારોએ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. આ ઉપરાંત બેંકોમાંથી લીધેલી લોન ભરપાઈ ન કરી ત્યારે ફરિયાદી પર આર્બિટ્રેશન કેસ થયો હતો. ત્યારે ભોપાળું છતું થયું કે, તા. ૧૫/૧૧/૨૦૨૩ ના રોજ લોન રિન્યુ કરવાના દસ્તાવેજોમાં ફરિયાદી અને જામીનદારો (અરવિંદભાઇ રામાણી અને રસીકભાઇ બોદર) ની હાજરી વિના જ તેમની બનાવટી (ખોટી) સહીઓ કરી દસ્તાવેજો બેંકમાં સાચા તરીકે રજૂ કરી દેવાયા હતા. ડાયરેક્ટર મનીષ ડાંગીએ અમદાવાદમાં પોતાના અને પરિવારના નામે કરોડોની મિલકત ખરીદી, તેના પર કોટક મહિન્દ્રા બેંકમાંથી આશરે રૂ. ૨૦ કરોડની લોન લીધી અને તેના હપ્તા ટર્નરેસ્ટ કંપનીના ખાતામાંથી ચૂકવ્યા હતા. બાદમાં બેંક સાથે સેટલમેન્ટ કરી નજીવી કિંમતે મિલકત છોડાવી મોટી ઉચાપત કરી હોવાનું પણ ફરિયાદમાં ખૂલ્યું છે.
રોકાણકારોએ પોતાની કંપનીની મિલકતો છોડાવવા માટે મજબૂરીવશ એચડીએફસી બેંકમાં રૂ. ૪૧ કરોડ ભરપાઈ કરવા પડયા હતા, જે મોટું આર્થિક નુકસાન છે. ફરિયાદી અને અન્ય ભોગ બનનારાઓએ કુલ રૂ. ૧૪૪ કરોડથી વધુ ગુમાવ્યા છે.
આ ગુનાના કેન્દ્રમાં રહેલા આરોપી જય ચોટલિયાના સસરા શ્રી જ્યોતીન્દ્રભાઇ મહેતા છે, જેઓ સહકારી બેંકિંગ ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે દાયકાઓથી અજોડ વર્ચસ્વ ધરાવે છે. તપાસ એજન્સીએ આરોપીના કળત્યને માત્ર એક સામાન્ય છેતરપિંડી તરીકે નથી લીધું, પરંતુ તેને એક સંગઠિત દસ્તાવેજી કૌભાંડ તરીકે સ્થાપિત કર્યું છે. કલમ ૩૩૮ નો ઉમેરો અત્યંત ગંભીર છે, કારણ કે તે જૂની આઇપીસીની કલમ ૪૬૭ ની સમકક્ષ છે અને તેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. આ કલમ ત્યારે જ લાગુ પડે છે જ્યારે બનાવટી દસ્તાવેજ કોઈ મૂલ્યવાન જામીનગીરીને લગતો હોય. બીએનએસની કલમો ઉપરાંત આ એફઆઇઆરમાં ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (ઈન ફાઈનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ) એક્ટ, ૨૦૦૩ ની કલમ ૩નો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ટૂંકમાં, રાજકોટ ડીસીબી માં દાખલ થયેલો આ કેસ કાયદાના કડક અમલ, નવી ભારતીય ન્યાય સંહિતાની સાર્થકતા અને જીપીઆઇડી એક્ટ દ્વારા થાપણદારોના હિતોના રક્ષણ માટે એક મહત્વપૂર્ણ લિટમસ ટેસ્ટ સાબિત થશે. આરોપી જય ચોટલિયા સામેની કાનૂની કાર્યવાહી આગળ વધશે તેમ, તેની સાથે જોડાયેલા તમામ નાણાકીય વ્યવહારો અને સંભવિત રાજકીય-સંસ્થાકીય જોડાણો ખુલ્લા પડવાની શકયતા છે, જે આગામી સમયમાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મોટા ફેરફારો માટેનું નિમિત્ત બની શકે તેમ હોવાનું જણાવાય છે. રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ ઈન્સપેક્ટર ડી.એમ. હરીપરા દ્વારા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરીમાં ગુનો દાખલ કરી આરોપીઓને હાલ નોટીસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
(2:29 PM IST)










