તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
એઇમ્સમાં જાતીય સતામણી અટકાવવા મોટો નિર્ણયઃ જૂની કમિટી સુપરસીડ કરી નવી પાંચ સભ્યોની ટીમ રચાઈ
સીનિયર મહિલા એડવોકેટ અને તબીબી નિષ્ણાતોને ૩ વર્ષ માટે સોંપાઈ જવાબદારીઃ વાર્ષિક અહેવાલ રજૂ કરવો પડશે : પીડિત મહિલાઓ સીધો સંપર્ક કરી શકે તે માટે ચેરપર્સનના નંબર અને ઈ-મેઈલ આઈડી જાહેર કરાશે

રાજકોટ,તા.૨: રાજકોટ એઇમ્સમાં મહિલાઓની સુરક્ષા અને કાર્યસ્થળે થતી પજવણી અટકાવવા માટે તંત્ર દ્વારા કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં મહિલા ઈન્ટર્ની સાથે નર્સિગ સ્ટાફના અધિકારી દ્વારા કરાયેલી ગેરશિસ્તની ઘટનાને એઇમ્સ મેનેજમેન્ટે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ ઘટનાના પગલે તાકીદના આદેશથી જૂની કમિટીને સુપરસીડ કરીને નવી ‘ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ્સ કમિટી' (આઈસીસી) ની રચના કરવામાં આવી છે.
આ નવી સમિતિની રચના ‘મહિલાઓની કાર્યસ્થળે જાતીય સતામણી અટકાવવા માટેના કાયદા (ભ્બ્લ્ણ્ ખ્ણૂદ્દ, ૨૦૧૩)' હેઠળ કરવામાં આવી છે. આ કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય એઇમ્સ કેમ્પસમાં થતી જાતીય સતામણીની ફરિયાદોની તટસ્થ તપાસ કરવી અને તેનું ઝડપી તથા યોગ્ય નિવારણ લાવવાનો છે.
નવી રચાયેલી પાંચ સભ્યોની કમિટીમાં એનાટોમી વિભાગના વડા ડો. સિમ્મી મહેરાને ચેરપર્સન તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત કમિટીના અન્ય સભ્યો તરીકે ડો. પિકી શાહ (ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગ), ડો. વિક્રમ કરંદે (ડેન્ટિસ્ટ્રી વિભાગના વડા), ડો. આશિષ મહેશ્વરી (ટ્રાન્સફયુઝન મેડિસિન એન્ડ બ્લડ બેંક) , ડો.ભાવનાબેન જોશીપુરા (બાહ્ય સદસ્ય તરીકે સીનિયર મહિલા એડવોકેટ) નો સમાવેશ કરાયો છે.
આ કમિટીના ચેરપર્સન અને સભ્યોનો કાર્યકાળ વધુમાં વધુ ત્રણ વર્ષનો રહેશે. કમિટીએ દર વર્ષે પોતાની કામગીરી, મળેલી ફરિયાદો અને તેના નિકાલ અંગેનો સત્તાવાર વાર્ષિક અહેવાલ તૈયાર કરીને એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સમક્ષ રજૂ કરવાનો રહેશે.
ફરિયાદ કરવા ઇચ્છતી કોઈપણ મહિલા કે કર્મચારી સરળતાથી અને સીધો સંપર્ક કરી શકે તે માટે નવી કમિટીના ચેરપર્સનના સત્તાવાર સંપર્ક નંબર અને ઈ-મેઈલ આઈડી જાહેર કરવામાં આવશે. આ સાથે એઇમ્સ સાથે જોડાયેલી અન્ય આંતરિક ફરિયાદોના યોગ્ય અને ન્યાયી નિવારણની જવાબદારી પણ આ નવી સમિતિને સોંપવામાં આવી છે
(10:23 AM IST)










