તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ફોટોશૂટ માટે ઘરેથી નીકળેલા ધોરણ-૧૨ના છાત્ર ભાવિનનું કુવાડવા રોડ પર ઇનોવાની ઠોકરે મોત
કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે શ્રીરામ સોસાયટીમાં રહેતાં ચોૈહાણ-રજપૂત પરિવારમાં ૧૭ વર્ષના દિકરાના મૃત્યુથી કલ્પાંત રવિવારે સવારે ઘટના બની હતીઃ બે દિવસની સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંતઃ બી-ડિવીઝન પોલીસે ઇનોવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો રવિવારે સવારે ભાવિન ચાલીને પોણા સાતેક વાગ્યે ઘરેથી નીકળ્યો, પંદર મિનીટ પછી પિતાએ પૈસાની વાત કરવા ફોન જોડયો ત્યારે ૧૦૮ના કર્મચારીએ ફોન રિસીવ કરી કહ્યું-જેનો આ ફોન છે તેને અકસ્માત નડયો છે! તસ્વીરમાં ભાવિન ચાલીને જઇ રહેલો અને બાદમાં કારની ઠોકરે ચડી ગયો તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૪: કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસેની સોસાયટીમાં રહેતો અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતો ૧૭ વર્ષનો છાત્ર મિત્રો સાથે ફોટોશૂટ કરવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે ચાલીને કુવાડવા રોડ ઓસ્કાર વિલા સામે રોડ પસાર કરતો હતો તે વખતે ઇનોવા કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. સવારે દિકરો ઘરેથી નીકળ્યો તેની થોડી મિનીટો પછી પિતાએ તેને પૈસા બાબતે વાત કરવા ફોન જોડયો ત્યારે ફોન ૧૦૮ના કર્મચારીએ રીસીવ કર્યો હતો અને આ ફોન જેનો છે તેને અકસ્માત નડયો છે તેવુ કહેતાં પિતા હોસ્પિટલે દોડી ગયા હતાં. દિકરાને વધુ સારવાર માટે સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ સારવારમાં મૃત્યુ થયું હતું.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર ભાવીન (ઉ.વ.૧૭)ના પિતા કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે શ્રીરામ પાર્ક-૨માં રહેતાં ધર્મેન્દ્રભાઇ માનસિંગભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી ઇનવો કાર જીજે૧૧એસ-૮૦૧૦ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ધર્મેન્દ્રભાઇ ચોૈહાણ-રજપૂત પરિવાર સાથે રહે છે અને દુધ સાગર રોડ પર એચજે સ્ટીલમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં બે દિકરા છે. જેમાં ભાવિન (ઉ.વ.૧૭) મોટો હતો અને નાના દિકરાનું નામ મિતરાજ (ઉ.વ.૧૫) છે. તેમના પત્નિનું નામ રીનાબેન છે. ધર્મેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે ૨૨/૧૧ના સવારે અમે ઘરના સભ્યો ઘરે હતાં ત્યારે મારો દિકરો ભાવિન તેના મિત્રો સાથે બહાર ફોટોશૂટ કરવા જવા ઘરેથી પોણા સાતેક વાગ્યે ચાલીને નીકળ્યો હતો. બાદમાં સાતેક વાગ્યે મેં દિકરા ભાવિનને પૈસાની જરૂરીયાત બાબતે ફોન કરતાં ૧૦૮ના તબિબે ફોન રિસીવ કર્યો હતો અને કહ્યું હતું કે-આ ફોન જેનો છે એ વ્યક્તિને કુવાડવા રોડ પર ઓસ્કા વિલાની સામે અકસ્માત નડયો છે. અમે તેને સિવિલ હોસ્પિટલે લઇ જઇએ છીએ તમે ત્યાં આવો.
આ વાત સાંભળતા જ હું મારુ બાઇક લઇ સિવિલ હોસ્પિટલે પહોંચતા ઇમર્જન્સી વોર્ડમાં મારો દિકરો ભાવિન ઇજાગ્રસ્ત બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. તેના માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ પછી ઇમર્જન્સી વોર્ડમાં ૧૦૮ના કર્મચારી હાજર હોઇ તેમણે મને મારા દિકરા ભાવિનનો ફોન આપ્યો હતો. તેમજ જે ઇનોવા કારની ઠોકરે મારા દિકરાને ઇજા થઇ હતી તેના નંબર પણ જણાવ્યા હતાં. દિકરાને ગંભીર ઇજા પહોંચી હોઇ હું તેને સિવિલમાંથી ગોકુલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. અહિ તબિબી નિદાનમાં માથામાં હેમરેજ થયાનું જણાવાયું હતું.
બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં એએસઆઇ કે. બી. રાઠોડે ઇનોવા નં. જીજે૧૧એસ-૮૦૧૦ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન ભાવિનનું ગત સાંજે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ભાવિન ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હતો. આશાસ્પદ દિકરાના મૃત્યુથી ચોૈહાણ પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. ભાવિન ચાલીને જતો હતો અને રસ્તો ઓળંગતો હતો ત્યારે કઇ રીતે કારની ઠોકરે ચડી ગયો તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતાં.
(2:44 PM IST)










