News of Thursday, 25th June 2026
ભાવેશભાઇ અને ભાગીદાર ધવલભાઇ સાથે સુરતના દિવ્યેશ ત્રાડાની શેરબજારના નામે ૩૩ લાખની ઠગાઇ
પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એન્જલ વનનો ઓથોરાઇઝ્ડ એજન્ટ છે કહી જાળમાં ફસાવ્યા : ગોવર્ધન ચોકમાં રહેતાં લોન કન્સલ્ટન્ટ ભાવેશભાઇએ પોતાના, પત્નિના અને ભાગીદારના નામે નાણાનું રોકાણ કરતાં ત્રણ મહિના નફો અપાયોઃ પછી ખબર વળતર બંધ થતાં તપાસ કરતાં દિવ્યેશ ઓફિસ-ઘરને તાળા મારી ભાગી ગયાની ખબર પડીઃ બીજા દસેક લોકો સાથે પણ છેતરપીંડીઃ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી. જી. આલએ તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૫: શેરબજારમાં રોકાણ પર મોટુ વળતર આપવાની લાલચ આપી ઠગાઇ કરવાના સતત બની રહેલા બનાવો વચ્ચે રાજકોટમાં વધુ એક આવો બનાવ પોલીસ ચોપડે પહોંચ્યો છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં રહેતાં લોન કન્સલ્ટન્ટને શેરબજારમાં રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી સુરતના શખ્સે ૩૧ લાખ રૂપિયાનો ચુનો લગાવી દીધો છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ગોવર્ધન ચોકમાં સ્કાય હાઇટ્સ બીલ્ડીંગ સી-૪૦૧માં રહેતાં ભાવેશભાઇ ચંદુલાલ સોલંકી (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી સુરત ખાતે રહેતાં દિવ્યેશ કાંતિલાલ ત્રાડા વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. ફરિયાદની વિગતો મુજબ ફરિયાદી ભાવેશભાઇ સોલંકી આરકે સુપ્રિમ બિલ્ડીંગમાં૧૫૦ ફૂટ રિંગ રોડ પર ભગવતી એન્ટરપ્રાઇઝ નામે લોન કન્સલ્ટન્ટની ભાગીદારી પેઢી ચલાવે છે. આ પેઢીમાં ધવલભાઇ રમેશભાઇ અમરેલીયા ભાગીદાર છે અને બંને કમિશન એજન્ટ તરીકે લોન કન્સલ્ટનું કામ કરે છે. વર્ષ ૨૦૨૩માં સુરત પાસોદરામાં શાલીગ્રામ ફલોરા ફલેટ નં. ૩૦૧ ખાતે રહેતાં દિવ્યેશ ત્રાડા સાથે ભાવેશભાઇનો પરિચય રાજકોટ ખાતે થયો હતો. ત્યારે દિવ્યેશે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એન્જલ વન બ્રોકિંગ કંપનીનો ઓથોરાઈઝ્ડ એજન્ટ હોવાની ઓળખ આપી હતી. તેમજ તેણે ભાવેશભાઈ અને તેમના ભાગીદાર ધવલભાઈ રમેશભાઈ અમરેલીયાને શેરબજારમાં મોટું રોકાણ કરીને માસિક ૩ ટકા વળતર અથવા કમિશન અપાવવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા.
દિવ્યેશભાઈની વાતોમાં આવીને ફરિયાદી ભાવેશભાઈ સોલંકી, તેમના પત્નિ નીતાબેન અને ભાગીદાર ધવલભાઈએ અલગ-અલગ તારીખોએ આર.ટી.જી.એસ. અને ઓનલાઈન બેંકિંગ મારફતે કુલ રૂા. ૩૧,૦૦,૦૦૦ દિવ્યેશભાઈના એચડીએફસી બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, જેના બદલામાં પ્રોમિસરી નોટ પણ લખવામાં આવી હતી. આ રીતે રોકાણ કર્યા પછી શરૂઆતના ત્રણ મહિના સુધી આરોપી દિવ્યેશ ત્રાડાએ નક્કી કર્યા મુજબ ૩ ટકા લેખે વળતર ચૂકવ્યું હતું. પરંતુ ત્યારબાદ નવેમ્બર ૨૦૨૪થી તેણે વળતર આપવાનું બંધ કરી દીધું હતું. આથી ભાવેશભાઇએ પોતાની મુળ રકમ પરત માંગતા તેણે વારંવાર મુદતો આપી બહાનાબાજી શરૂ કરી હતી. બાદમાં તેણે ફેબ્રુઆરી ૨૦૨૫માં પેમેન્ટ એકસાથે ચુકવવાની ખાતરી આપતી ચિઠ્ઠી વોટ્સએપ પર મોકલી હતી અને છેલ્લે એપ્રિલ ૨૦૨૫ની મુદત આપી હતી. તેમજ રકમ પરત આપવાના વાયદા મુજબ દિવ્યેશ ત્રાડાએ ભાવેશભાઈ, નીતાબેન અને ધવલભાઈના નામના અલગ-અલગ ત્રણ ચેક આપ્યા હતા. આ ચેક જ્યારે મે-૨૦૨૫માં બેંકમાં જમા કરાવવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આરોપીએ બદદાનત રાખીને અગાઉથી જ બેંકમાં આ ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું, જેના કારણે ચેક રિટર્ન થયા હતા. ચેક રિટર્ન થતાં ભાવેશભાઇએ દિવ્યેશના સુરત ખાતેના ભાગીદાર સંદીપભાઈ કાનાણીનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે દિવ્યેશ ત્રાડા પોતાનું ઘર અને ઓફિસ બંને મુકીને રાતોરાત ભાગી ગયો છે.
વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે દિવ્યેશ આ રીતે અન્ય ૧૦-૧૨ લોકો પાસેથી પણ નાણા ઉઘરાવી ગયાયબ થઇ ગયો છે. પોતાની સાથે ઠગાઇ થયાનું જણાતાં દિવ્યેશભાઇએ તાલુકા પોલીસમાં જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમા પીએસઆઇ પી. જી. આલ વધુ તપાસ કરી રહ્યા છે
(2:19 PM IST)










