News of Saturday, 18th April 2026
રામામંડળમાં સગુણાનું પાત્ર ભજવવા માટે જાણીતા નાગલપરના ભાવેશને માર મારી બે શખ્સે લૂંટી લીધો
રાતે નવેક વાગ્યે ગામના પેટ્રોલ પંપ નજીકથી ચાલીને ઘરે જતો હતો ત્યારે બૂલેટ પર આવેલા બે શખ્સે પથ્થરથી ફટકાર્યોઃ મોબાઇલ, રોકડ પડાવી ગયાના આક્ષેપન પગલે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૮: કુવાડવા તાબેના નાગલપર ગામે રહેતાં અને રામામંડળમાં સગુણાનું પાત્ર ભજવવા માટે જાણીતા યુવાનને રાતે ગામના પેટ્રોલ પંપ નજીક ચાલીને જતો હતો ત્યારે બૂલેટ પર આવેલા બે શખ્સો મારકુટ કરી પથ્થરથી ઇજાઓ પહોંચાડી ભાગી જતાં ચકચાર જાગી છે. લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા આ યુવાને પોતાને બે શખ્સો લૂંટી ગયાનો આક્ષેપ કરતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ નાગલપર ગામે રહેતાં ભાવેશભાઇ રાજાભાઇ ધરજીયા (ઉ.વ.૨૪) નામના યુવાનને રાતે નવેક વાગ્યે તે ગામના હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ નજીકથી ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ પથ્થરથી અને ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
ભાવેશભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે હું બે ભાઇ અને પાંચ બહેનમાં નાનો તથા અપરિણીત છું. હું રામામંડળમાં સગુણાનું પાત્ર ભજવું છે. રાતે હું ઘરેથી આટો મારવા નીકળ્યો હતો. નવેક વાગ્યે પેટ્રોલ પંપ નજીક ઉભો હતો ત્યારે બૂલેટ પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતાં અને મારી સામે જોયા કરતાં હતાં. આ પછી તે જતા રહ્યા હતાં. હું ત્યાંથી ચાલીને આગળ ઘર તરફ જવા નીકળ્યો ત્યારે અવાવરૂ જેવો રસ્તો આવતાં આ બંને શખ્સો ફરીથી મારી પાસે આવ્યા હતાં. હું કંઇ બોલુ એ પહેલા જ મારામારી ચાલુ કરી દીધી હતી. બાદમાં તે મને ઢીકાપાટુનો માર મારવા માંડયા હતાં અને રસ્તા પરથી પથ્થર ઉપાડીને પણ માથામાં મોઢા પર ઘા ફટકાર્યા હતાં.
આ બંને શખ્સોએ મારી પાસેથી ત્રણેક હજારની રોકડ અને ત્રીસ હજારનો મોબાઇલ ફોન પડાવી લીધા હતાં. બાદમાં મેં બૂમાબૂમ કરતાં બંને ભાગી ગયા હતાં. એ પછી લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં મને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભાવેશભાઇએ જે વિગતો જણાવી તે અંગે કુવાડવા રોડ પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં તપાસ શરૂ થઇ છે. હેડકોન્સ. વિપુલભાઇ ગોહેલ નિવેદન માટે હોસ્પિટલે પહોંચ્યા હતાં. ખરેખર ઘટના શું બની? તેની તપાસ થઇ રહી છે.
(1:23 PM IST)










