તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
રામદેવ ડાંગરને બે હથીયાર આપનાર ભરત કુગશીયાને એસઓજીએ પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપી લીધો
એમપીથી હથીયાર લાવ્યાનું રટણઃ રિમાન્ડ મેળવવા તજવીજઃ અગાઉ આર્મ્સ એક્ટ સહિત ૯ ગુનાઓમાં સંડોવણી : એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમે એડીબી ઓટેલ પાછળથી પકડી લીધો : એએસઆઇ રાજેશભાઇ બાળા, અને હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમીથી કાર્યવાહી

અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલા ફાયરીંગ-હત્યાની કોશિષના ગુનામાં રામદેવ ડાંગરને એસઓજીએ પકડયો ત્યારે તેની પાસેથી બે ગેરકાયદે પિસ્તોલ કબ્જે થઇ હતી. પુછતાછમાં તેણે આ હથીયાર ભરત કુગશીયાએ આપ્યાનું કબુલ્યું હતું. ભરતને શોધવા એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ રાજેશભાઇ બાળા અને હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાને બાતમી મળતાં એડીબી હોટેલ પાછળની વાડીમાંથી ભરતને પકડી લેવાયો હતો. તેની પાસેથી દેશી પિસ્તોલ તથા ત્રણ જીવતા કાર્ટીસ મળતાં તે તથા એક મોબાઇલ ફોન કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ હથીયાર મળ્યું હોઇ અલગથી એક ગુનો ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો છે.
પોલીસના કહેવા મુજબ ભરત કુગશીયા વિરૂધ્ધ અગાઉ રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ, મારામારી સહિતના ગુના, ડીસબીમાં તેમજ ગાંધીગ્રામમાં પણ આર્મ્સ એક્ટ સહિતના છ ગુના નોંધાઇ ચુક્યા છે અને બે વખત તે પાસાની હવા ખાઇ ચુક્યો છે. હાલમાં તેની પાસેની પિસ્તોલ અને રામદેવને તેણે આપેલી બે પિસ્તોલ ક્યાંથી આવી તેની પુછતાછ થતાં એવું રટણ કર્યુ હતું કે એમપી તરફથી તે આ હથીયાર લાવ્યો હતો. જો કે સાચી વિગતો ઓકાવવા વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ રાજેશભાઇ બાળા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચોૈહાણ, મોૈલિકભાઇ સાવલીયા, કોન્સ. રવિભાઇ ધગલે આ કામગીરી કરી હતી. વધુ તપાસ માટે ભરત કુગશીયાના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
(2:11 PM IST)










