<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ઓનલાઇન ફ્રોડનો ભોગ બનેલી એડ એજન્‍સીને ભકિતનગર પોલીસે ૪૮ કલાકમાં નાણા પરત અપાવ્‍યા

પી.આઇ. જયદિપસિંહ પરમારની રાહબરીમાં એએસઆઇ હર્ષભાઇ માવદીયા અને ટીમની ત્‍વરીત કામગીરીઃ ક્રિએટ ઇન્‍ડિયા એડની ટીમે પોલીસ ટીમનું સન્‍માન કર્યુ

 

 

રાજકોટ તા. ૧પ :..  ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડના કિસ્‍સાઓ વધી રહ્યા છે, ત્‍યારે રાજકોટ પોલીસની સતર્કતા અને ત્‍વરિત એક્‍શનને કારણે એક વેપારીના ગુમાવેલા પૈસા ગણતરીના કલાકોમાં પરત મળ્‍યાનો કિસ્‍સો સામે આવ્‍યો છે. રાજકોટ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનની સાયબર ટીમે સરાહનીય કામગીરી કરતા, ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલી એક એડવર્ટાઇઝિંગ એજન્‍સીના રૂ. ૯૮,૦૦૦ માત્ર ૪૮ કલાકની અંદર જ રિફંડ કરાવી આપ્‍યા છે.

રાજકોટના બ્રાન્‍ડિંગ અને ક્રિએટિવિટી ક્ષેત્રે નામ ધરાવતી ‘ક્રિએટ ઇન્‍ડિયા એડવર્ટાઇઝિંગ', જે ૨૦૧૫ થી ન્‍યૂઝપેપર એડ., ટીવી, રેડિયો, સિનેમા તેમજ સોશિયલ મીડિયા બ્રાન્‍ડિંગ ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા ભજવી એક આગવી ઓળખ ધરાવે છે, તેના સ્‍થાપકો સાથે તાજેતરમાં એક આંતરરાષ્‍ટ્રીય પ્‍લેટફોર્મ પર સાયબર ફ્રોડની ઘટના બની હતી.

આ ગંભીર પરિસ્‍થિતિમાં ક્રિએટ ઇન્‍ડિયાની ટીમના નિર્ભયભાઈ જોશી, પ્રશાંતભાઈ જોશી, મૌલિકભાઈ જોશી, નરેન્‍દ્રભાઇ દવે, વનરાજભાઈ ચાવડા અને ચિંતનભાઈ અગ્રાવતે તાત્‍કાલિક સાયબર ક્રાઈમ અને પોલીસ વિભાગનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદ મળતા જ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના પીઆઈ શ્રી જયદીપસિંહ પરમાર, જેઓ સાયબર ઇન્‍ચાર્જ પણ છે, તેમની સીધી દેખરેખ હેઠળ એ.એસ.આઈ. હર્ષભાઈ કમલેશભાઈ માવદિયા, પી.સી. અંકિતભાઈ મુકેશભાઈ જેજરિયા, પી.સી. દેવાનંદભાઈ વેજાભાઈ રામ અને પી.સી. કુલદીપસિંહ મહેન્‍દ્રસિંહ ઝાલાની સાયબર ટીમે અત્‍યંત ત્‍વરિત કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની આ ખાસ ટીમે ડીસીબી બેંક સાથે યોગ્‍ય સંકલન કરીને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે થયેલા ઓનલાઇન પેમેન્‍ટ ટ્રાન્‍ઝેક્‍શનને ટ્રેક કર્યું હતું અને રાત-દિવસ જોયા વગર માત્ર ૪૮ કલાકમાં જ વેપારીના ખાતામાં પૂરેપૂરી રકમ રિફંડ કરાવી આપી છે. ગુજરાત પોલીસની આ પ્રોફેશનલ અને ઝડપી કામગીરી તેમની સજ્જતાનું ઉત્‍કળષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

પોલીસની આ સરાહનીય કામગીરી બદલ ક્રિએટ ઇન્‍ડિયા એડ. ની ટીમે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનની રૂબરૂ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને પીઆઈ જયદીપસિંહ પરમાર તથા તેમની પૂરી ટીમનો આભાર માની તેમનું સન્‍માન કર્યું હતું. આ કિસ્‍સાને ધ્‍યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શનમાં હંમેશા સતર્ક રહે. કોઈપણ અજાણી કે શંકાસ્‍પદ લિંક્‍સ પર ક્‍લિક ન કરવું, તેમજ બ્રાઉઝરમાં અજાણ્‍યા એક્‍સટેન્‍શન કે મોબાઈલમાં APK (એપ્‍લિકેશન) ફાઇલ્‍સ ડાઉનલોડ કરવાથી બચવું. જો કોઈ સાયબર ફ્રોડનો ભોગ બને તો ગભરાયા વગર તાત્‍કાલિક નેશનલ સાયબર હેલ્‍પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરવો અથવા નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો, જેથી સમયસર પગલાં લઈને આર્થિક નુકસાનથી બચી શકાય.

(2:19 PM IST)