News of Saturday, 18th July 2026
બેડલામાં વિશાલ મકવાણાએ પત્નિ સાથેના પ્રેમસંબંધની શંકામાં વિશાલ સોરાણીનું વાહન સળગાવી નાંખ્યું
રસ્તામાં આંતરી ડખ્ખો કરાયોઃ ગભરાઇને વિશાલ સોરાણી ગામ મુકી જતો રહ્યોઃ તેના પત્નિ દયાબેને એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૬: તાલુકાના બેડલા ગામે પ્રેમસંબંધની આંશકા-વિવાદમાં માથાકુટ થતાં પેટ્રોલ છાંટી એક યુવાને પોતાની પત્નિના કહેવાતા પ્રેમીનું ટુવ્હીલર સળગાવી દીધુ છે. આ બનાવ બાદ યુવાન મારની બીકે ગામ મુકી ગાયબ થઇ ગયો છે.
આ બનાવમાં એરપોર્ટ પોલીસે બેડલા ગામે રહેતાં દયાબેન વિશાલભાઇ સોરાણી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી તેણીના જ ગામના વિશાલ વિનુભાઇ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદની વિગત મુજબ ગત તારીખ ૧૩/૭ના રોજ તેણીને તેના પતિ વિશાલભાઈ સોરાણી પોતાનું ટુવ્હીલર જીજે૦૩એનએચ-૧૮૪૪ લઈને વાડીએ મુકવા આવ્યા હતા અને ત્યાંથી ગામમાં કામ અર્થે નીકળ્યા હતા. દરમિયાન ગામથી બારવણ ચોકડી તરફ જતા હજામના ઢોરે મેલડીમાના મંદિર પાસે કાચા રસ્તે પહોંચ્યા ત્યારે ગામના જ વિશાલ વિનુભાઈ મકવાણા નામના શખ્સે તેમને આંતર્યા હતા.
બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં વિશાલભાઈ સોરાણી જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટયા હતા. આથી ઉશ્કેરાયેલા વિશાલ મકવાણાએ સ્કૂટર પર પેટ્રોલ છાંટી તેને સળગાવી દીધું હતું. જેના કારણે ૬૦ હજારનું નુકસાન થયું છે. આ પછી બીજા દિવસે દયાબેનના સાસુ લાભુબેન ગામમાં ચાલીને જતાં હતાં ત્યારે વિશાલ તેમને ભેગો થઇ જતાં તેમને પણ ગાળો દીધી હતી અને ભાગી ગયો હતો.
દયાબેને વધુમાં જણાવ્યું છે કે આ માથાકુટ બાદ મને તથા મારા ઘરના સભ્યોને ખબર પડી હતી કે મારા પતિ વિશાલને આરોપી વિશાલ મકવાણાના પત્નિ સાથે પ્રેમસંબંધ હોઇ જેની ખબર વિશાલ મકવાણાને પડતાં તેણે મારા પતિને રસ્તામાં આંતરી માથાકુટ કરતાં મારા પતિ મારની બીકે ભાગી જતાં વિશાલ મકવાણાએ તેનું વાહન સળગાવી નાંખ્યું હતું. તેમજ મારા સાસુને પણ બીજા દિવસે ગાળો દીધી હતી. હાલમાં પણ મારા પતિ મારની બીકે ગામ મુકી જતાં રહ્યા છે. તે ક્યાં છે તેની અમને ખબર નથી. અમારે સમાધાનની વાત ચાલુ હોઇ જેથી ફરિયાદ કરી નહોતી. સમાધાન ન થતાં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં દયાબેને કહેતાં પીઆઇ તરેટીયાની રાહબરીમાં એએસઆઇ પરેશભાઇ સાંગાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:08 PM IST)










