<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

બેડીના ફલકુ ડેમે ચાર જિંદગી ઓલવી નાખી, જન્મદિવસની ઉજવણી પળવારમાં હૃદયદ્રાવક સામૂહિક શોકમાં ફેરવાઈ

ચારેયની એકસાથે નીકળેલી અંતિમયાત્રાથી હૈયાફાટ રુદન, માસૂમોને આખરી વિદાય આપતાં આખું ગામ હિબકે ચડ્યું

રાજકોટ: શહેરની ભાગોળે બેડી-હડમતીયા માર્ગ પર વીડીવાળા પીરની દરગાહ નજીક આવેલા ફલકું ડેમમાં ડૂબી ગયેલા એક જ પરિવારના ચાર સભ્યોના અંતિમ સંસ્કાર કરાતાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. મૃતકોમાં સોહાન શોરા, તેનો નાનો ભાઈ શેફાન ઉર્ફે સૈફુ, પિતરાઈ બહેન અલીફા અને કાકા સાહિલ શોરાનો સમાવેશ થાય છે.

 

પરિવાર સોહાનના જન્મદિવસ નિમિત્તે દરગાહે પ્રાર્થના અને સામૂહિક ભોજન માટે આવ્યો હતો. પાણીમાં ઊતરેલો સાત વર્ષીય શેફાન ડૂબવા લાગતાં તેને બચાવવા અન્ય ત્રણેય પાણીમાં પડ્યા હતા, પરંતુ ઊંડાણ અને કાદવને કારણે ચારેય બહાર આવી શક્યા નહોતા. સ્થાનિક તરવૈયાઓ અને બચાવકર્મીઓએ શોધખોળ કરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

 

બાળકોના મૃતદેહો એકસાથે ઘરે પહોંચતાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

(11:09 AM IST)