<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

રેસકોર્ષના સોંદર્યમાં થશે વધારોઃ ૨.૩૦ કરોડના ખર્ચે ડેકોરેટીવ લાઇટીંગ

મનપાની કાલે પ્રથમ સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠકઃ ૨૪ દરખાસ્‍ત અંગે થશે નિર્ણય : રીંગરોડ ઉપર માત્ર દિવાળી કાર્નિવલે જ નહિ કાયમી વિવિધ આકર્ષક રોશનીથી ઝળહળશેઃ ૩ વર્ષ સુધી જાળવણીની જવાબદારી એજન્‍સીનીઃ સોરઠીયા વાડી બગીચાની ૨.૬૫ કરોડના ખર્ચે કાયાપલટઃ પારડી રોડ ઉપર ૨૦.૮૨ કરોડના ખર્ચે નવો કોમ્‍યુનીટી હોલ અને નવુ ફાયરસ્‍ટેશન તથા સ્‍ટાફ કવાર્ટર બનાવવા સહિતના વિવિધ વિકાસકામો અંગે થશે નિર્ણય

 

રાજકોટ તા.૪: મ્‍યુનિ.કોર્પોરેશનની ૨૦૨૬-૨૦૩૧ સુધીના પ્રથમ અઢી વર્ષની ટર્મના મેયર સહિતના પદાધિકારીઓ નિયુકતી ગત સપ્તાહે કરવામાં આવી છે. નવનિયુકત પદાધિકારીઓ દ્વારા વિવિધ વિકાસલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ત્‍યારે આવતીકાલે વર્તમાન ટર્મની પ્રથમ સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠક મળશે. જેમાં રેસકોર્ષ ઉપર ડેકોરેટીવ લાઇટીંગ, સોરઠીયા વાડી બગીચાની ૨.૬૫ કરોડના ખર્ચે કાયાપલટ, પારડી રોડ ઉપર ૨૦.૮૨ કરોડના ખર્ચે નવો કોમ્‍યુનીટી હોલ અને નવુ ફાયરસ્‍ટેશન તથા સ્‍ટાફ કવાર્ટર બનાવવા સહિતની ૨૪ દરખાસ્‍તો અંગે થશે નિર્ણય.

મ્‍યુનિ.કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કમિટી મીટીંગ તા.પ ના બપોરે ૧૨ કલાકે સેન્‍ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડીંગ કમિટીના કોન્‍ફરન્‍સ રૂમમાં નવનિયુકત સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાની અધ્‍યક્ષતામાં પ્રથમ સ્‍ટેન્‍ડીંગ કમિટી મળશે. જેમાં વિવિધ વિકાસકામો અંગે નિર્ણય થશે. જેની વિગતો આ મુજબ છે.

રેસકોર્ષ રીંગરોડ

ઉપર ડેકોરેટીવ લાઇટીંગ

શહેરના સૌથી વ્‍યસ્‍ત અને આકર્ષક ગણાતા રેસકોર્સ રિંગ રોડને હવે કાયમી ધોરણે ડેકોરેટિવ લાઇટિંગથી સજાવવાની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા આગળ વધી રહી છે. શહેરના સૌંદર્યવર્ધન સાથે રાત્રિના સમયે રેસકોર્સ વિસ્‍તારને વધુ આકર્ષક બનાવવાના હેતુથી ડેકોરેટિવ લાઇટિંગ SITC (સપ્‍લાય, ઇન્‍સ્‍ટોલેશન, ટેસ્‍ટિંગ અને કમિશનિંગ) કામગીરી માટે રૂ. ૨.૮૮ કરોડના ખર્ચની દરખાસ્‍ત આવતીકાલે મળનારી મનપાની પ્રથમ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં રજૂ થઇ છે.

કમિશનર વિભાગ દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્‍તાવ મુજબ રેસકોર્સ રિંગ રોડ પર ડેકોરેટિવ લાઇટિંગ માટે અગાઉ ઇ-ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેન્‍ડર પ્રક્રિયા દરમિયાન વિવિધ એજન્‍સીઓ પાસેથી ભાવ મંગાવવામાં આવ્‍યા હતા. તેમાં અમદાવાદ, સુરત અને રાજકોટની એજન્‍સીઓએ ભાગ લીધો હતો.

જેમાં ટેન્‍ડરમાં સુરત સ્‍થિત ન્‍યૂ વોટર વર્લ્‍ડ પ્રા. લિ. દ્વારા રૂ. ૨.૩૦ કરોડનો સૌથી ઓછો ભાવ (L-1) રજૂ કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે અમદાવાદની કંપનીએ રૂ. ૨.૪૮ કરોડ અને રાજકોટની કંપનીએ રૂ. ૩.૨૩ કરોડથી વધુનો ભાવ રજૂ કર્યો હતો.

ટેન્‍ડર પ્રક્રિયા દરમિયાન રજૂ થયેલા દસ્‍તાવેજો અને ટેક્રિકલ લાયકાતની ચકાસણી બાદ ન્‍યૂ વોટર વર્લ્‍ડ પ્રા.લિ.ને લોયેસ્‍ટ બિડર જાહેર કરવામાં આવી છે.

મનપા દ્વારા આ કામગીરી માટે અંદાજિત ખર્ચ રૂ. ૨.૮૮ કરોડ નક્કી કરવામાં આવ્‍યો હતો. તેની સામે મળેલો સૌથી ઓછો ભાવ રૂ. ૨.૩૦ કરોડનો હોવાથી અંદાજે રૂ. ૫૮ લાખથી વધુની બચત થતી હોવાનું અધિકારી વર્તુળોમાંથી જાણવા મળે છે. આ કારણે ટેન્‍ડર મંજૂર કરવાની ભલામણ સ્‍ટેન્‍ડિંગ કમિટીને કરવામાં આવી છે.

માત્ર લાઇટિંગ સ્‍થાપિત કરવાની જ નહીં પરંતુ તેની જાળવણી અને મેન્‍ટેનન્‍સની જવાબદારી પણ કોન્‍ટ્રાક્‍ટર કંપનીને સોંપવામાં આવશે. ટેન્‍ડરની શરતો અનુસાર કામગીરી પૂર્ણ થયા બાદ નિર્ધારિત સમયગાળા સુધી લાઇટિંગ સિસ્‍ટમ કાર્યરત રહે તે માટે મેન્‍ટેનન્‍સની જવાબદારી પણ કોન્‍ટ્રાક્‍ટર નિભાવશે.

રેસકોર્સ રિંગ રોડ શહેરનું મુખ્‍ય મનોરંજન અને ફરવા લાયક કેન્‍દ્ર ગણાય છે. દરરોજ હજારો લોકો અહીં વોકિંગ, સાયકલિંગ અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે આવે છે. ડેકોરેટિવ લાઇટિંગ સ્‍થાપિત થતાં સમગ્ર વિસ્‍તાર રાત્રિના સમયે વધુ આકર્ષક બનશે અને શહેરના સૌંદર્યમાં પણ વધારો થશે.

પારડી રોડ ઉપર નવો કોમ્‍યુનીટી હોલ અને

ફાયર સ્‍ટેશન બનશે

શહેરના વોર્ડ નં.૧૪માં પારડી રોડ ઉપર શેઠ હાઇસ્‍કુલ સામે નવો કોમ્‍યુનીટી હોલ ૨૦.૮૨ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ હોલમાં ગ્રાઉન્‍ડ પાર્કિંગ તથા પ્રથમ માળે નોન એસી તથા બીજા માળે એસી હોલ સહિતની સુવિધા ઉપલબ્‍ધ કરાશે. આ કામ માટે બે એજન્‍સીઓ રસ દાખવ્‍યો હતો. એલ-૧ એજન્‍સીએ એસ્‍ટીમેન્‍ટ કરતા ૨.૫૫ ટકા વધુ ભાવો દર્શાવ્‍યા છે. આ કોમ્‍યુનીટી હોલનું બાંધકામ ૧૯૦૦ ચો.મી. સ્‍લેબ એરીયામાં બનાવાશે.  તેમજ આ વિસ્‍તારમાં નવુ ફાયર સ્‍ટેશન તથા સ્‍ટાફ કવાર્ટર બનાવવામાં આવશે.

સોરઠીયાવાડી બગીચાનું નવીનીકરણ

જુના રાજકોટની શાન એવા વર્ષો જુના સોરઠીયાવાડી ચોકમાં આવેલ ગાર્ડનનું નવિનીકરણ ૫.૭૮ કરોડના ખર્ચેકરવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બગીચામાં ચોકીદાર રૂમ, લોન, સી.સી.ટી.વી કેમેરા, સાઉન્‍ડ સિસ્‍ટમ, બાલ ક્રિડાંગણ સહિતની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવશે. આ બગીચાનાના નવીનીકરણથી લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

આ ઉપરાંત કાલની સ્‍ટેન્‍ડીગ બેઠકમાં  વોર્ડ નં.૪માં વિવિધ વિસ્‍તારોમાં પેવિંગ બ્‍લોક, સોખડા ડમ્‍પીંગ સાઇટ ખાતે વૃક્ષારોપણ, વોર્ડ નં.૪,૫,૬ અને ૧૫માં વિવિધ જગ્‍યાઓ પબ્‍લીક ટોઇલેટ, વોર્ડ નં.૪ના રોહિદાસપરા, ચામડીયાપરા, ગણેશનગર, જયપ્રકાશ નગરમાં સીસી રોડ કરવા, વોર્ડ નં.૪માં સોખડા વિસ્‍તારમાં એનિમલ હોસ્‍ટેલ બનાવવા, વોર્ડ નં.૬માં પાંજરાપોળ તથા રામનાથ મંદિર તરફ જવાના રસ્‍તે આજી નદી પર તથા પરશુરામ ઇન્‍ડસ્‍ટ્રીઝથી સફારી પાર્ક જવાના રસ્‍તે સ્‍લેબ કલવર્ટ કરવા તેમજ મનપા સંચાલીત જીમમાં જુદા-જુદા સાધનો વસાવવા સહિતની દરખાસ્‍તોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

(2:48 PM IST)