News of Friday, 22nd May 2026
મહિલા પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુનામાં ૯ વર્ષથી ફરાર બસીર ઝડપાયો
પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમે પકડી લીધો

રાજકોટ તા. ૨૨: શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ શાખા હેઠળ કામ કરતી પેરોલ ફરલો સ્ક્વોડે રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા દૂષ્કર્મના ગંભીર ગુનામાં છેલ્લા ૯ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને ચોક્કસ બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે રાજકોટ શહેરમાંથી જ દબોચી લીધો છે.
અલગ અલગ ગુનામાં લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા નાસતા-ફરતા અને પેરોલ જમ્પ થયેલા આરોપીઓને ઝડપી પાડવા અધિકારીઓને કડક સુચના આપી હોઇ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી પરથી બસીર અહેમદભાઇ મીરા (ઉ.વ.૪૮-રહે. નિલકંઠ પાર્ક-૧-અ, દેવપરા, શ્રમશ્રધ્ધા ચોક પાસે કોઠારીયા રોડ)ને ૯ વર્ષ પહેલાના ગુનામાં તે ફરાર હોઇ ઝડપી લઇ મહિલા પોલીસ સ્ટેશનને સોંપાયો હતો.
આ સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પો. સબ ઈન્સ. એસ.બી. ઘાસુરા અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ સતત વોચમાં હતી. આ દરમિયાન સ્ક્વોડના કર્મચારીઓને હ્યુમન સોર્સ (બાતમીદારો) દ્વારા તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી ચોક્કસ કડી મળી હતી કે, ૨૦૧૭ના દુષ્કર્મના કેસનો આરોપી રાજકોટ શહેરમાં જ છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત ઓપરેશન હાથ ધરીને આરોપીને કોર્ડન કરી હસ્તગત કર્યો હતો.
પકડાયેલા આરોપી બસીર મીરા વિરૂદ્ધ રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં ૦૮/૦૨/૨૦૧૭ના રોજ બળાત્કારનો ગુનો દાખલ થયો હતો. ગુનો દાખલ થયા બાદ ધરપકડથી બચવા માટે આરોપી છેલ્લા નવ વર્ષથી સતત પોતાના રહેઠાણો અને આશ્રયસ્થાનો બદલીને પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ઘાસુરા, એએસઆઇ ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, મહિલા કોન્સ. શાંતુબેન મુળીયા તથા ડ્રાઈવર કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(2:36 PM IST)










