News of Saturday, 15th August 2026
રાજકોટમાં ૮૮ વર્ષીય વૃદ્ધાની દેખરેખ માટે રાખેલી યુવતી રોકડ દાગીના ઉસેડી ગઈ હતી ૧૬.૭૦ લાખની ચોરી કરી ભાગેલી રાજસ્થાની યુવતી બસંતી ચોરાઉ મત્તા સાથે પકડાઈ
ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં માલવીયાનગર પીઆઇ જે.એમ. કૈલા અને ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. એલ. ડામોર અને ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ઝડપી લીધી તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવી છૂ થઈ ગઈ હતી

રાજકોટ: શહેરના અતિથિ ચોક નજીક પર્ણકુટી પોલીસ ચોકી સામે આવેલા કસ્તુરી પ્રાઇડ એપાર્ટમેન્ટમાં રહેતા અને ડિઝલ એન્જિનના પાર્ટ્સનો વેપાર કરતા ઉદ્યોગપતિ વિપુલભાઈ નાનજીભાઈ પટેલ (ઉ.વ. ૫૮)ના ઘરે આ ચોરીનો બનાવ બન્યો હતો. તેમણે પોતાના ૮૮ વર્ષીય માતા કંચનબેનની સારસંભાળ માટે ગત તા. ૧૫/૦૭ના રોજ રમેશ નામના શખ્સ મારફતે બંસતીકુમારી ધુલેશ્વર મીણા (રહે. જોધપુર કલા, સરલ્મબર, ઉદયપુર, રાજસ્થાન)ને માસિક રૂ. ૧૮,૦૦૦ના પગારે કેરટેકર તરીકે રાખી હતી. છેલ્લા બે દિવસથી પોતાની તબિયત સારી ન હોવાનું બહાનું કાઢીને તે રાજસ્થાન જવાની જીદ્દ કરી રહી હતી. ગત તા. ૧૩/૦૮/૨૦૨૬ના રોજ સાંજે વિપુલભાઈએ પોતાના ડ્રાઈવર સાથે તેને બસ સ્ટેન્ડ મુકવા મોકલી હતી.
બંસતીના ગયાના અડધા કલાક બાદ માતા કંચનબેને પર્સમાંથી પૈસા માંગતા વિપુલભાઈએ તપાસ કરી હતી, જેમાં રૂ. ૩,૧૨,૦૦૦ માંથી રૂ. ૭૦,૦૦૦ રોકડા ઓછા જણાયા હતા. શંકા જતાં કબાટમાં રાખેલા વર્ષો જૂના દાગીના ચકાસતાં ૧૬૬ ગ્રામ (આશરે સાડા સોળ તોલા) સોનાના ઘરેણાં કિંમત રૂ. ૧૬,૦૦,૦૦૦ ગાયબ મળ્યા હતા. આમ કુલ રૂ. ૧૬,૭૦,૦૦૦ની ચોરી અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી બી.જે.ચૌધરીની સૂચનાથી તપાસ હાથ ધરાઈ હતી. પી.આઈ. જે.એમ.કૈલા તથા પી.આઈ. એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. કે.ડી.મારૂ, એ.એ.બ્લોચ, પી.એસ.આઈ. વી.ડી.ડોડીયા, એસ.એમ.રાણા, ડી.પી.ઝાલા અને તેમની ટીમે બાતમીના આધારે આરોપી બંસતીકુમારીને તાત્કાલિક ચોરાયેલા મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી લીધી હતી.
પોલીસે આરોપી પાસેથી ૬૦,૦૦૦ની સોનાની બુટી (૧ જોડ), ૩૫,૦૦૦ની વીંટી, ૨,૬૫,૦૦૦ની મોતીની માળા, ૩,૨૫,૦૦૦નો સોનાનો ચેઇન, ૨,૭૦,૦૦૦ની ચોરસ ડિઝાઇન વાળી સોનાની બંગડી (૧ જોડ), ૩,૨૦,૦૦૦ની ગોળ ડિઝાઇન વાળી સોનાની બંગડી (૧ જોડ) અને ૭૦,૦૦૦ રોકડા મળીને કુલ ૧૩,૪૫,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
આરોપી મહિલા ઓછા પગારમાં વૃદ્ધોની સંભાળ માટે નોકરીએ રહી પરિવારજનો સાથે આત્મીયતા કેળવી વિશ્વાસ જીતી લેતી હતી. ત્યારબાદ ઘરના સભ્યોની દિનચર્યા, ઘર ખાલી રહેવાનો સમય અને કિંમતી સામાન કે રોકડ ક્યાં રાખવામાં આવે છે તેની સંપૂર્ણ રેકી કરતી હતી. તક મળતાં જ ચોરી કરી તબિયત ખરાબ હોવાનું કે વતનમાં પ્રસંગ હોવાનું બહાનું બતાવી ફરાર થઈ જતી હતી.
માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એમ.કૈલા તથા ક્રાઇમ બ્રાંચના પી.આઈ. એમ.એલ.ડામોરના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. કે.ડી.મારૂ, એ.એ.બ્લોચ અને સી.પી. રાઠોડ, ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઈ. વી.ડી.ડોડીયા, એસ.એમ.રાણા, ડી.પી.ઝાલા, એ.એમ.એ.આઈ. કેતનભાઈ શેખલીયા, પો.હેડ.કોન્સ. પૃથ્વીરાજસિંહ ચૂડાસમા, સારંગભાઈ ઓગાણીયા, પો.કોન્સ. મનીષભાઈ સોંઢીયા, અમરદિપસિંહ જાડેજા અને મહિલા પો.કોન્સ. મીરાલીબેન કથીરીયા સહિતની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી હતી.
(2:31 PM IST)










